કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) : ભારત સરકારના વહીવટી તંત્રમાં હોદ્દા ઉપર લાયકાતના ધોરણે ભરતી કરવા માટે સ્થાપવામાં આવેલ આયોગ.
ભારતમાં જાહેર સેવા આયોગનો ખ્યાલ ભારતીય બંધારણીય સુધારાની નોંધમાં અને 1919ના ભારતના કાયદામાં જોવા મળે છે. જોકે વાસ્તવમાં આયોગની સ્થાપના શક્ય બની ન હતી. લી કમિશને તેને માટે જોરદાર ભલામણ કરતાં સૌપ્રથમ 1 ઑક્ટોબર 1926ને રોજ જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. વરિષ્ઠ સનદી અધિકારી રોસ બાર્કરને તેના પ્રથમ ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા. આ આયોગનું સ્થાન ગૌણ હતું. કેમકે તેને સેક્રેટરી ઑવ્ સ્ટેટના એજન્ટ તરીકે કાર્ય કરવાનું હતું. 1919ના કાયદામાં પ્રાંતોમાં આયોગની સ્થાપના સંબંધે કશી જોગવાઈ ન હતી. આમ છતાં 1929માં મદ્રાસ ધારાકીય કાઉન્સિલે કાયદા દ્વારા તેની સ્થાપના કરી હતી. ત્યારબાદ પંજાબે આ માટે કાયદો કર્યો હતો પણ તેની સ્થાપના કરી શકાઈ ન હતી. 1930માં સાયમન કમિશને કેન્દ્ર અને પ્રાંતોમાં જાહેર સેવા આયોગની રચના કરવાની ભલામણ કરી હતી. આથી 1935ના કાયદા દ્વારા કેન્દ્રમાં સમવાયી (federal) જાહેર સેવા આયોગ અને દરેક પ્રાંત માટે જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ ભારતમાં 26 જાન્યુઆરી 1950ના રોજ નવું સંવિધાન અસ્તિત્વમાં આવતાં સમવાયી જાહેર સેવા આયોગ હવે કેન્દ્રીય જાહેર સેવા આયોગ તરીકે ઓળખાવા લાગ્યું અને પ્રાંતીય જાહેર સેવા આયોગ રાજ્ય જાહેર સેવા આયોગના નામે ઓળખાવા લાગ્યાં. ભારતમાં જાહેર સેવા આયોગને લોકશાહીના અંતર્ગત ભાગરૂપે જ લેખવામાં આવેલ છે અને તેથી કેન્દ્ર અને રાજ્યોનાં જાહેર સેવા આયોગોને બંધારણીય સ્થાન આપવામાં આવ્યું છે. ભારતમાં તેની સ્થાપના બંધારણ દ્વારા કરવામાં આવેલ છે, જેનાથી તેને સ્વાતંત્ર્ય, તટસ્થતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયાં છે. તેનું સ્થાન કારોબારીથી ઊતરતું ગણાતું નથી. સંસદ પણ તેને દૂર કરી શકે નહિ. બંધારણીય જોગવાઈઓને કારણે તે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે.
કેન્દ્રીય જાહેર સેવા આયોગ ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS), ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (IFS), ઇન્ડિયન ફૉરિન સર્વિસ (IFS), ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS), ઇન્ડિયન રેલવે સર્વિસ (IRS), ઇન્ડિયન મેડિકલ સર્વિસ (IMS) વગેરે હોદ્દાઓ પર અધિકારીઓની પસંદગી કરે છે.
ભારતીય સંવિધાનની કલમ 315માં જાહેર સેવા આયોગ અંગે જોગવાઈ છે. તેના ચૅરમૅન અને સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જોકે આયોગના આશરે અડધા જેટલા સભ્યો એવા હોવા જોઈએ જેમણે ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ ઓછામાં ઓછાં 10 વર્ષ સેવા આપી હોય. આ ર્દષ્ટિએ તેની રચનામાં ‘નિષ્ણાત’ અને ‘સામાન્ય’ અભિગમોની પૂર્તિ કરવામાં આવી છે. ભારતે સંસદીય પદ્ધતિ અપનાવેલી હોવાથી કાનૂની રીતે સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોવા છતાં વાસ્તવમાં પ્રધાનમંડળ દ્વારા નિમણૂક થતી હોય છે. સભ્યો માટે લાયકાત નક્કી કરવામાં આવી નથી. તેમના હોદ્દાની મુદત છ વર્ષ અથવા કેન્દ્રીય આયોગ માટે તેઓ 65 વર્ષના થાય ત્યાં સુધીની હોય છે. હોદ્દાની મુદત પૂરી થતાં સભ્યો ફરીથી તેમાં નિમણૂક મેળવવા માટે કે સરકાર હેઠળના અન્ય કોઈ હોદ્દા માટે પાત્ર રહેતા નથી. જોકે કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્ય બીજા રાજ્યના જાહેર સેવા આયોગના સભ્ય કે કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચૅરમૅન બની શકે છે. આયોગના ચૅરમૅન કે સભ્યો રાષ્ટ્રપતિને રાજીનામાનો પત્ર આપીને હોદ્દાનો ત્યાગ કરી શકે છે. ઉપરાંત ગેરવર્તણૂક માટે રાષ્ટ્રપતિ તેમને હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે.
જાહેર હોદ્દા ઉપર લાયકાતના ધોરણે ભરતી કરવામાં આવે અને બધા નાગરિકોને સમાન તક પ્રાપ્ત થાય તે માટે તટસ્થ જાહેર સેવા પંચની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે.
સંવિધાનની કલમ 320 હેઠળ તેનાં કાર્યો નીચે પ્રમાણે જણાવવામાં આવ્યાં છે :
(1) કેન્દ્રીય અને રાજ્ય સેવામાં નિમણૂક કરવા માટેની પરીક્ષાનું આયોજન કરવાની કેન્દ્રીય અને રાજ્ય જાહેર સેવા આયોગની ફરજ રહેશે.
(2) બે કે તેથી વધુ રાજ્યો તરફથી જેના માટે વિશેષ લાયકાતો જરૂરી હોય તેવી કોઈ સેવામાં સંયુક્ત રીતે ભરતી કરવા માટેની યોજના ઘડવા વિનંતી કરવામાં આવે તો કેન્દ્રીય જાહેર સેવા આયોગે ફરજિયાત સહાય કરવાની રહેશે.
(3) કેન્દ્રીય જાહેર સેવા આયોગ કે રાજ્ય જાહેર સેવા આયોગ સાથે નીચેની બાબતો ઉપર હમેશ વિચારવિમર્શ કરવામાં આવશે : (ક) સનદી સેવાઓ અને સનદી હોદ્દા પર ભરતીની પ્રથાઓ સંબંધી બધી જ બાબતો વિશે. (ખ) જાહેર સેવા અને હોદ્દા પર નિમણૂક કરવામાં અને એક સેવામાંથી બીજી સેવામાં બઢતી કે બદલી કરવામાં અને આવી નિમણૂકો, બઢતી કે બદલી માટે ઉમેદવારોની યોગ્યતા માટેના જરૂરી સિદ્ધાંતો વિશે, (ગ) ભારત સરકાર કે રાજ્ય સરકાર હેઠળ સેવા આપતી વ્યક્તિની શિસ્ત બાબત, (ઘ) સરકારી કર્મચારી સામે થયેલ કાનૂની કાર્યવાહીના ખર્ચ માટેના દાવા તેમજ ફરજ ઉપર હાજર સરકારી કર્મચારીને થયેલ ઈજા સંબંધે પેન્શન માટેના દાવામાં સલાહ આપવા અંગે, (ચ) રાષ્ટ્રપતિ કોઈ ખાસ બાબત અંગે આયોગની સલાહ માગે તે બાબત.
સંસદ કાયદા દ્વારા કેન્દ્રીય જાહેર સેવા આયોગને વધારાનાં કાર્યો સોંપી શકે છે અને કાયદા દ્વારા અમુક હોદ્દાને જાહેર સેવા આયોગના કાર્યક્ષેત્રમાંથી બહાર પણ રાખી શકે છે. જે નિમણૂકો કરવાની સત્તા બંધારણે રાષ્ટ્રપતિને આપી છે તે હોદ્દા, બૉર્ડ, ટ્રિબ્યૂનલ કે કમિશનના સભ્યો, એલચીઓ, હાઈકમિશનરો, રાજકીય પ્રતિનિધિઓ, લોકસભા અને રાજ્યસભાનાં સચિવાલયોના હોદ્દા, અણુશક્તિ પંચના બધા હોદ્દા, ત્રીજા અને ચોથા વર્ગના બધા જ હોદ્દા, કેન્દ્રશાસિત પ્રદેશોના અદાલતી કમિશનરો, વધારાના અદાલતી કમિશનરો, જિલ્લા ન્યાયાધીશો વગેરે આયોગના સત્તાક્ષેત્રની બહાર છે.
ભારતમાં જાહેર સેવા આયોગનું સ્થાન સલાહકાર તરીકેનું છે. તેની ભલામણો સ્વીકારવાનું સરકાર માટે ફરજિયાત નથી. આમ છતાં સામાન્ય રીતે સરકાર તેની ભલામણો સ્વીકારે છે. સરકાર દ્વારા જે ભલામણોનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય, તે પ્રશ્નને સંસદમાં ઉઠાવી શકાય છે. આ માટે એવી જોગવાઈ કરવામાં આવી છે કે આયોગ તેની કામગીરીનો વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરે અને રાષ્ટ્રપતિ તે અહેવાલ અને તેની ભલામણો જે બાબતોમાં સ્વીકારવામાં ન આવી હોય તેનાં સરકાર દ્વારા આપવામાં આવેલાં કારણો અંગેનો અહેવાલ સંસદ સમક્ષ મુકાવે. સંવિધાનમાં કરવામાં આવેલ ઉમદા જોગવાઈઓને કારણે આયોગ ભારતના લોકશાહી માળખામાં મૂલ્યવાન ભૂમિકા ભજવે છે. ભારતમાં તેનું સ્થાન લગભગ ચૂંટણીપંચ કે સર્વોપરિ અદાલત જેવું છે.
હસમુખ અમીન