કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળ : કેન્દ્ર સરકાર હસ્તકના ઔદ્યોગિક એકમોની સલામતી માટે રચવામાં આવેલું ખાસ દળ. સ્થાપના : માર્ચ 1969. શરૂઆતમાં માત્ર ત્રણ બટાલિયન ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં સુરક્ષા સૈનિકોની કુલ સંખ્યા આશરે 2700 હતી, પરંતુ તે પછી તેનું વિસ્તરણ થતાં હવે તેમાં 85,000 સુરક્ષા કર્મચારીઓ છે. કેન્દ્ર સરકારની માલિકીના ઔદ્યોગિક અને અન્ય એકમોની સલામતી અને સુરક્ષા જાળવવાનું આ દળનું મુખ્ય કાર્ય છે. દા.ત., પોલાદનાં કારખાનાં, કોલસાની ખાણો, તેલ-શુદ્ધીકરણ માટેનાં કારખાનાં, વીજળી (ઉત્પન્ન કરતાં) મથકો, બંધો, સંશોધન-સંસ્થાઓ વગેરે.
ભારત સરકારના ગૃહ ખાતાના અંકુશ નીચે તે કાર્ય કરે છે. તેના સર્વોચ્ચ અધિકારી ડિરેક્ટર જનરલનો હોદ્દો ધરાવે છે. તેનાં વિભાગીય મથકોના અધિકારીઓ ઇન્સ્પેક્ટર-જનરલના હોદ્દા ધરાવતા હોય છે. મધ્યસ્થ તાલીમ કેન્દ્ર ઉપરાંત તેને હસ્તક નવા દાખલ થયેલા સુરક્ષા કર્મચારીઓ(recruits)ને તાલીમ આપવા માટેની સંસ્થા પણ છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલા ધોરણ મુજબ માત્ર ભારતીય નાગરિકો જ તેમાં જોડાઈ શકે છે. તેની દરેક બટાલિયન આત્મનિર્ભર હોય છે. દરેક સુરક્ષા કર્મચારી જરૂરી શસ્ત્રો ધરાવતો હોય છે. ભારતનાં બધાં જ રાજ્યોમાં ખાસ પસંદ કરવામાં આવેલાં મથકો અને સ્થળો પર તેની ટુકડીઓ ગોઠવેલી હોય છે.
જાન્યુઆરી 1964માં રાંચી ખાતે લાગેલી ભયંકર આગ તથા તે પછી રાંચી, રુરકેલા અને જમશેદપુરમાં ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં મોટા પાયા પર જાનમાલનું નુકસાન થયું હતું. આ બનાવોની પશ્ચાદ્-ભૂમિકામાંથી આ ખાસ દળની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હતો.
હસમુખ પટેલ
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે