કેન્દ્રીય અનામત પોલીસ દળ (Central Reserve Police Force – CRPF) : કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં રાજ્ય સરકારોને સહાય આપતું અર્ધ-લશ્કરી સંગઠન; સ્થાપના 1949. તે અંગેના કાયદાને ભારતના તત્કાલીન ગવર્નર-જનરલે ડિસેમ્બર 1949માં મંજૂરી આપી હતી. સ્થાપના સમયે તેનું મુખ્ય મથક નીમચ (મ. પ્ર.) ખાતે રાખવામાં આવ્યું હતું, પરંતુ તે પછી હવે તે દિલ્હી ખાતે છે. તેના વડા ડિરેક્ટર જનરલનો હોદ્દો ધરાવે છે. આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સ્થાનિક તંત્રને મદદ કરવા ઉપરાંત કુદરતી આફત વેળાએ તે રાહતકાર્યોનું આયોજન અને સંચાલન કરે છે. દેશ પર આક્રમણ થયું હોય ત્યારે લશ્કરના અંકુશ હેઠળ તે રાષ્ટ્રની સુરક્ષા માટેની કામગીરી પણ બજાવે છે.
ભારત સરકારના ગૃહખાતાના સીધા અંકુશ હેઠળના આ સંગઠનની ટુકડીઓ દેશભરમાં ફેલાયેલી હોય છે. તેની દરેક બટાલિયન સ્વનિર્ભર હોય છે અને તેના કમાન્ડન્ટની હકૂમત હેઠળ તે કાર્ય કરે છે. દરેક બટાલિયનમાં આશરે 100 જેટલા સશસ્ત્ર સૈનિકો હોય છે.
હસમુખ પટેલ
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે