કેન્ટૉન, સ્ટૅન (જ. 19 ફેબ્રુઆરી 1912, વિચિટા, કૅન્સાસ, અમેરિકા; અ. 25 ઑગસ્ટ 1979, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : અગ્રણી જાઝ સંગીતનિયોજક અને પિયાનિસ્ટ. તરુણાવસ્થામાં જાઝ
સંગીતકારો અર્લ હાઇન્સ, ક્લોદ થૉર્નહિલ અને બેની કાર્ટરથી પ્રભાવિત કેન્ટૉને એ જ વર્ષોમાં પિયાનોવાદન અને જાઝ-સંગીત-નિયોજક તરીકે સંગીત લખવું શરૂ કર્યું. 1940માં તેમણે પોતાનું અલગ બૅન્ડ રચ્યું અને સંગીતના જલસા કરવા માટે દુનિયાભરનું પરિભ્રમણ શરૂ કર્યું જે આમરણ ચાલ્યું.
વીસમી સદીના પૂર્વાર્ધના જાઝની લોકપ્રિય અને લાગણીઓના ઊંડાણ વગરની ‘સ્વિન્ગ’ નામે ઓળખાતી શૈલી ઉવેખીને ગંભીર સંગીત કેન્ટૉને લખ્યું. વળી, તેણે જાઝ-સંગીતમાં અત્યાર સુધી વર્જ્ય ગણાતાં વાયોલિન, વાયોલા અને ચેલો જેવાં તંતુવાદ્યોને સ્થાન આપ્યું. તેણે પોતાની રચનાઓ વગાડવા માટે પોતાના બૅન્ડમાં શ્રેષ્ઠ વાદ્યવાદકોને આમંત્ર્યા – સેક્સોફોન-વાદકો લી કૉનીટ્ઝ અને આર્ટ પેપર, ટ્રમ્પ્રેટ-વાદક કૉન્તે કાન્દોલી તથા ટ્રોમ્બોનવાદક ફ્રાન્ક રોસોલિનોને. મોટા અવાજમાં વગાડવામાં આવતાં ટ્રમ્પેટ, ટ્રૉમ્બોન, ટ્યૂબા અને સેક્સોફોન તેમના સંગીતની લાક્ષણિકતા છે. વળી લૅટિન અમેરિકન સંગીતનો પણ તેમના મૌલિક સંગીત ઉપર પ્રભાવ જોવા મળે છે. તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં સમાવેશ પામે છે :
(1) ‘આર્ટિસ્ટ્રી ઇન રિહધમ’;
(2) ‘ઇગર બીવર’;
(3) ‘ઇન્ટર્મિશન’; અને
(4) ‘પીનટ વેન્ડર’.
બે લેખકો દ્વારા કેન્ટૉનની જીવનકથા લખાઈ છે – કૅરોલ ઈસ્ટન દ્વારા ‘કેન્ટૉન સ્ટ્રેઇડ અહેડ : ધ સ્ટોરી ઑવ્ સ્ટૅન કેન્ટૉન’ (1973) તથા વિલિયમ લી દ્વારા : ‘સ્ટૅન કેન્ટૉન, આર્ટિસ્ટ્રી ઇન રિહધમ’ (1980).
અમિતાભ મડિયા