કેનેરી દ્વીપસમૂહ : આફ્રિકા ખંડની વાયવ્યે 100 કિમી અંતરે આટલાન્ટિક મહાસાગરમાં આવેલા જ્વાળામુખીજન્ય કેનેરી ટાપુઓ તે 28° 00′ ઉ. અ. અને 15° 30′ પ.રે. પર આવેલા છે. કુલ વિસ્તાર 7,300 ચો. કિમી. વસ્તી 22.1 લાખ (2019). આ ટાપુઓમાં ગ્રાન કાનારિયા, ટેનેરિફ, ગોમેરા, યેરો (ફેરો), લા પાલ્મા, તેમજ ફુઅરટીવેન્ટુરા અને લૅન્ઝરોટીનો સમાવેશ થાય છે. સ્પેને આ ટાપુઓ ઈ.સ. 1496માં જીતી લીધા હતા. ત્યારથી અહીં સ્પેનનું આધિપત્ય રહ્યું છે.
આ ટાપુઓમાં છેલ્લે ઈ.સ. 1909માં જ્વાળામુખીવિસ્ફોટ થયો હતો. આ ટાપુસમૂહની પર્વતમાળામા સૌથી ઊંચું શિખર પીકો-ડે-ટીડી 3,707 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ ટાપુઓની જમીન લાવામય હોવાથી તમાકુ, કપાસ, શેરડી, કેળાં, બટાકા તેમજ ફળોની ખેતી થાય છે. 1981માં સ્થપાયેલી ‘નોર્ધન હેમિસ્ફિયર ઑબ્ઝર્વેટરી’ લા પાલ્મા ટાપુ પર કાર્યરત છે.
આ ટાપુઓનો સમૂહ માછીમારી, ખનિજતેલ તેમજ અન્ય ખનિજો માટે જાણીતો છે. ઉદ્યોગો મોટેભાગે સાન્તાક્રૂઝ અને ટેનેરિફ ટાપુમાં વિકાસ પામ્યા છે.
મહેશ મ. ત્રિવેદી