કેનેડી, જ્હૉન એફ. (જ. 29 મે 1917, બ્રુકલિન, મૅસેચૂસેટ્સ; અ. 22 નવેમ્બર 1963, ડલાસ, ટેક્સાસ) : અમેરિકાના પાંત્રીસમા પ્રમુખ (1960-1963). વીસમી સદીમાં જન્મેલા કેનેડી સૌથી યુવાન વયના અને પ્રથમ કૅથલિક પ્રમુખ હતા. તેઓ પ્રમુખ બનતાં અમેરિકાની નવી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો આવ્યાં.
કેનેડીના પિતા જોસેફ કેનેડીએ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ સાથે કામ કર્યું હતું. તેઓ બ્રિટનમાં અમેરિકાના એલચી તરીકે પણ રહ્યા હતા. પોતાનાં નવ સંતાનોમાં તેમણે જાહેર બાબતો વિશે રસ જાગ્રત કરીને ઊંચી મહત્વાકાંક્ષાનું સિંચન કર્યું હતું. કેનેડીની કારકિર્દીના ઘડતરમાં તેમનાં માતાપિતા તથા કુટુંબે મોટો ભાગ ભજવ્યો હતો.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા બાદ જ્હૉન કેનેડીએ લંડનની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિટિક્સમાં શિક્ષણ લીધું હતું. જ્યાં તેમણે બ્રિટનની જર્મની પ્રત્યેની તુષ્ટિકરણ(appeasement)ની નીતિની ટીકા તેમના મહાનિબંધમાં કરી હતી. ‘વ્હાય ઇંગ્લૅન્ડ સ્લેપ્ટ’ (1940) એ શીર્ષક નીચે તે નિબંધ પ્રકાશિત થયો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેનેડી નૌકાકાફલામાં જોડાયા હતા. પૅસિફિક સમુદ્રમાંના સૉલોમન ટાપુઓ આગળ તેમની નૌકાનો નાશ થતાં તેઓ પંદર કલાક તરીને બચ્યા હતા. 29 વર્ષની ઉંમરે તેઓ ડેમોક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે કૉંગ્રેસની પ્રતિનિધિસભામાં ચૂંટાયા હતા (1947). ત્યારબાદ 1952માં સેનેટમાં તથા 1958માં ભારે બહુમતીથી ફરીને સેનેટમાં ચૂંટાયા હતા. આ દરમિયાન તેમણે ‘પ્રોફાઇલ્સ ઇન કરેજ’ નામનું પુસ્તક લખ્યું હતું જેમાં તેમણે હિંમત બતાવનારા રાજકીય નેતાઓનો જીવનવૃત્તાન્ત આપ્યો હતો. આ પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું હતું. સેનેટના સભ્ય તરીકે તેઓ ખૂબ ક્રિયાશીલ હતા તથા જાહેર જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં પ્રદાન કરતા રહ્યા હતા.
1960માં ડેમોક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે તેઓ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર રિચાર્ડ નિક્સન સામે ઊભા રહ્યા હતા. પ્રમુખીય ઉમેદવાર તરીકે તેમણે ‘નવી ક્ષિતિજો’(New Frontiers)નું સૂત્ર અપનાવ્યું હતું. અમેરિકાના રાજકીય જીવનમાં અને ચૂંટણીજંગ દરમિયાન પહેલી જ વાર કેનેડી અને નિક્સન વચ્ચે દૂરદર્શન ઉપર ચર્ચા ગોઠવાઈ જેમાં કેનેડીએ સરસાઈ મેળવી અને ચૂંટણીમાં વિજય મેળવ્યો. તેમના મંગળ પ્રવચનમાં કેનેડીએ અમેરિકાના લોકોને દેશની પાસેથી અપેક્ષાઓ રાખવાને બદલે દેશ માટે કાર્ય કરવાનું ઇજન આપ્યું.
પ્રમુખ થયા પછીની કેનેડીની સિદ્ધિઓમાં શાંતિદળ(Peace Corps)ની સ્થાપના, લઘુતમ વેતન તથા સામાજિક સુરક્ષામાં વધારો, અલ્પ સમયની બેકારીમાં સહાય વગેરે ગણાવી શકાય. વિદેશનીતિના ક્ષેત્રમાં કેનેડીએ ક્યૂબાના નિર્વાસિતો દ્વારા ક્યૂબા ઉપર ચડાઈ કરવાનો પ્રયાસ કર્યો, જે ‘બે ઑવ્ પિગ્ઝ’ના નામથી જાણીતો થયો. કેનેડીને તેમાં સંપૂર્ણ નિષ્ફળતા સાંપડી પરંતુ ઑક્ટોબર ’62માં રશિયાનાં પ્રક્ષેપાસ્ત્રો ક્યૂબામાં ગોઠવાયાંની જાણ થતાં કેનેડીએ વિરોધ નોંધાવીને ક્યૂબાની નાકાબંધી જાહેર કરી અને તેનું ઉલ્લંઘન કરનાર સામે લડી લેવાનો નિર્ણય જાહેર કર્યો. ક્યૂબાની કટોકટી દરમિયાન અમેરિકા અને રશિયા વચ્ચે ભયંકર અથડામણનો ભય ઊભો થયો. પરિસ્થિતિનો તાગ પામીને ક્રુશ્ચૉફે છેલ્લી ઘડીએ રશિયાનાં વહાણોને પાછાં વાળ્યાં અને બંને મહાસત્તાઓ વચ્ચે સમાધાન થયું. પરિણામે વૉશિંગ્ટન અને મૉસ્કો વચ્ચે સતત ચાલુ રહેતી ટેલિફોન લાઇન(hot line)ની શરૂઆત થઈ જેથી બંને મહાસત્તાઓ વચ્ચેની કોઈ પણ ગેરસમજ તરત દૂર થઈ શકે. ક્યૂબાની કટોકટીનો એક આકસ્મિક ફાયદો એ થયો કે બંને મહાસત્તાઓએ તેમની વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી ન થવા દેવાનો નિર્ધાર કર્યો, જોકે ઠંડું યુદ્ધ ચાલુ રહ્યું.
આ જ અરસામાં જ્યારે ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે કેનેડીએ નેહરુની વિનંતીને માન આપી ભારતને મદદ કરવા તૈયારી બતાવી હતી.
કેનેડીશાસનની બીજી મોટી સિદ્ધિ તે અણુશસ્ત્રોના પ્રયોગો ઉપર આંશિક પ્રતિબંધ મૂકતા 1963માં કરવામાં આવેલા કરારની હતી. પૂર્વ-પશ્ચિમ વચ્ચેની તંગદિલી હળવી કરવાના આશયથી કેનેડીએ અણુશસ્ત્રોનું વાતાવરણમાં પરીક્ષણ કરવાનું સ્વેચ્છાએ બંધ કરી રશિયાને પણ તેમ કરવા આમંત્રણ આપ્યું. પરિણામે મૉસ્કો ખાતે અમેરિકા, રશિયા અને બ્રિટન વચ્ચે કરાર થયા. વાતાવરણ, જમીન તથા સમુદ્ર ઉપરના અણુશસ્ત્રોના પરીક્ષણ ઉપર બંધી સ્વીકારવામાં આવી. માત્ર ભૂગર્ભમાં પ્રયોગ કરવાની છૂટ રહી. અલબત્ત, ફ્રાન્સ તથા ચીને આ કરારમાં જોડાવાની ના પાડી હતી.
વિશ્વવ્યાપી વિનાશ કરવાને સમર્થ એવાં અણુશસ્ત્રોના યુગમાં મનુષ્યને માટે શાંતિમય સહજીવન કે સર્વનાશ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એવી સમજદારી કેનેડી દ્વારા પુરસ્કૃત થઈ હતી.
આમ છતાં વિયેટનામમાં અમેરિકાના લશ્કરી પ્રવેશની શરૂઆત કેનેડીના સમયમાં જ થઈ અને લશ્કરી તાકાત વધારવાના કાર્યક્રમને વેગ મળ્યો.
1963ના નવેમ્બરની 22મી તારીખે ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં રસ્તા ઉપર મોટરકારમાં જતા કેનેડી ઉપર એક મકાનના મજલા ઉપરથી લી હાર્વે ઑસ્વાલ્ડ નામના યુવાને ગોળી છોડી અને તેમનું ત્યાં જ મરણ થયું. એક જ્વલંત કારકિર્દીનો યુવાન વયે અંત આવતાં અમેરિકાના પ્રજાજનોએ તેમજ દુનિયાએ ઊંડો આઘાત અનુભવ્યો.
કેનેડીના આગમનથી અમેરિકાએ જાણે કે એક નવા યુગમાં પ્રવેશ કર્યો હતો. અમેરિકાના જાહેર જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં રસ લઈને તેમણે પોતાના વિશે એક આભા ઊભી કરી હતી જેમાં તેમનાં આકર્ષક પત્ની જૅક્લીન, તેમના નાના ભાઈ રૉબર્ટ (જે કેનેડીના સમયમાં ઍટર્ની-જનરલ હતા) તથા એડવર્ડ (સેનેટના સભ્ય) અને તેમના બનેવી સાર્જન્ટ શ્રાઇવર (નિયામક, શાંતિદળ) વગેરેએ ટેકો આપ્યો હતો. સાઠીનો દસકો પૂરો થાય તે પહેલાં અમેરિકાનો માનવી ચન્દ્ર ઉપર પહોંચવો જોઈએ તેવી ઘોષણા પણ કેનેડીએ જ કરી હતી. અને તે પ્રમાણે 1969માં ચન્દ્ર ઉપર સફળ ઉતરાણ કરવામાં અમેરિકા સફળ થયું હતું.
તેમની હત્યાની તપાસ કરવા માટે તેમના અનુગામી લિન્ડન જૉન્સને દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ વૉરેનના પ્રમુખપણા હેઠળ એક પંચની નિમણૂક કરી હતી. પરંતુ આ પંચને તેના પર કોઈ ખાસ પ્રકાશ પાડવામાં સફળતા મળી ન હતી.
દેવવ્રત પાઠક