કેથીડ્રલ : ખ્રિસ્તીઓનું એક પ્રકારનું પ્રાર્થનાઘર. આવાં પ્રાર્થનાઘરો મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે. બાઝિલિકા (basilica), કેથીડ્રલ, ચર્ચ અને ચૅપલ. પ્રતિષ્ઠા કે ભવ્યતાની ર્દષ્ટિએ બાઝિલિકાઓ પહેલી હરોળનાં પ્રાર્થનાઘરો છે. પણ કેન્દ્રીકૃત ધર્મ જેવા ખ્રિસ્તી ધર્મમાં કેથીડ્રલો અગત્યનો ભાગ ભજવે છે. મોટા ધર્મપ્રાંતો (dioceses) કેથીડ્રલકેન્દ્રિત હોય તો નાના ધર્મપ્રાંતો (parishes) ચર્ચકેન્દ્રિત હોય છે. તીર્થધામોના કે કૉલેજ, મઠો જેવી સંસ્થાઓના પ્રાર્થનાખંડો કે પ્રાર્થનાઘરો ચૅપલ નામે ઓળખાય છે. ભારતમાં ચાર જ બાઝિલિકાઓ છે. કૅથલિક સંપ્રદાયની જ વાત લઈએ તોપણ એકસોવીસ જેટલાં કેથીડ્રલ છે.

‘કેથીડ્રલ’ ગ્રીક તેમજ લૅટિન શબ્દ કૅથીડ્રા (= આસન, ખુરસી, ગાદી વગેરે) ઉપરથી આવે છે. મોટા ધર્મપ્રાંતોના ધર્માધ્યક્ષો(bishops)ની ગાદીઓ (cathedra) આવાં દેવળોમાં મૂકવામાં આવે છે. તેથી એનું નામ કેથીડ્રલ પડ્યું. ચોથા સૈકાથી કેથીડ્રલો ધર્મપ્રાંતોનાં મુખ્ય શહેરોમાં હતાં. આશરે નવમી સદી સુધી કેથીડ્રલ સંકુલમાં ધર્માધ્યક્ષ જોડે પુરોહિતો (priests), પુરોહિત-સહાયકો (deacons) અને અન્ય ધાર્મિક લોકો રહેતા. આ લોકો બધાને જરૂરિયાત પ્રમાણે માલમિલકત વહેંચી આપીને સંઘભાવનાથી સહિયારું જીવન જીવતા. ધીમે ધીમે આ પ્રથા બંધ થઈ ગઈ અને પુરોહિતો પોતાને માટે માલમિલકત રાખવા લાગ્યા. જોકે બારમી સદીમાં સંઘજીવનમાં ફરીથી જાગૃતિ આવી.

નોત્રદામ(પૅરિસ)નું કેથીડ્રલ (1163 ઈ. સ.)

પશ્ચિમનાં સ્થાપત્ય તેમજ શિલ્પકલાના ઉત્તમોત્તમ નમૂના આ ચાર પ્રકારનાં પ્રાર્થનાઘરોમાં જોવા મળે છે. પશ્ચિમનાં કેથીડ્રલો એકંદરે દસમી સદી સુધી ‘રોમાનેસ્ક’ શૈલીનાં છે. બારથી પંદરમી સદી સુધી ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને જર્મનીમાં ઊંચાં શિખરોવાળાં ગૉથિક શૈલીનાં કેથીડ્રલો બાંધવામાં આવ્યાં. ભવ્યતા અને પ્રતિષ્ઠામાં રોમના સેંટ પીટર્સ નામે ઓળખાતાં બાઝિલિકા પ્રથમ સ્થાને હોય તો ઊંચાઈમાં (161 મી.) જર્મનીના ઉલ્મ શહેરનાં ગૉથિક કેથીડ્રલ પહેલા નંબરે છે. માઇકલઍન્જેલોની ચિત્રકૃતિઓથી ભરેલું વૅટિકનનું સિસ્ટાઇન ચૅપલ સૌથી વધુ પ્રખ્યાત છે.

પુનર્જાગૃતિ કાળનાં કેથીડ્રલોમાં બાંધણી પરત્વે સમતુલા, સમાનરૂપતા અને પ્રમાણબદ્ધતા ઉપર ખાસ ભાર મુકાયેલો છે. બાઇઝૅન્ટાઇન શૈલીનાં કેથીડ્રલો, મૉસ્કોના સંત બાસિલના કેથીડ્રલ જેવાં મોટાં અને ઊંચાં ડુંગળી આકારના ઘુમ્મટવાળાં હોય છે.

ઈશાનંદ