કૅથેરિનનો મહેલ : પુશ્કિન, લેનિનગ્રાડ ખાતે આવેલી વિશાળ, રમણીય અને ભવ્ય ઇમારત. પુશ્કિન શહેર ઝાર સત્તાધીશોના નિવાસસ્થાન તરીકે અઢારમી સદીમાં વસ્યું અને વિકસ્યું હતું. કૅથરિન પ્રથમ(1684-1727)ના નામ સાથે સંકળાયેલી આ ઇમારત સુશોભિત શિલ્પોની સમૃદ્ધિ માટે જાણીતી છે. ઍમ્બર રૂમ સહિત હારબંધ આવેલા સુંદર સોનેરી ખંડો રશિયાની સુશોભનમંડિત સ્થાપત્યશૈલીના સર્વોત્તમ નમૂના છે. 1717થી 1723 દરમિયાન બંધાયેલા આ મહેલનું 1743થી 1748 દરમિયાન વિસ્તરણ અને 1752થી 1757 દરમિયાન પુનર્નિર્માણ કરાયું હતું. આ સ્થળની નજીક ચાઇનીઝ વિલેજ તથા આર્ટ ગૅલરી આવેલાં છે; આ ગૅલરી મહેલના સ્થપતિ ચાર્લ્સ કૅમરોનની યાદમાં રચવામાં આવી છે.

જ. મૂ. નાણાવટી