કેકય : એ નામની વૈદિક કાળની એક પ્રજા. તે ભારતવર્ષના વાયવ્ય પ્રદેશમાં સિંધુ અને વિતસ્તા(બિયાસ)ના દોઆબમાં વસતી હતી. વૈદિક સાહિત્યમાં ‘અશ્વપતિ કૈકેય’ કેકય દેશના રાજા તરીકે વર્ણવાયેલો છે.
કેકય દેશ પુરાણો પ્રમાણે આગ્નેય કૌશલની ઉત્તરે હતો. એના રાજવી ‘કેકય’ કહેવાતા. શતપથ બ્રાહ્મણ અને છાંદોગ્ય ઉપનિષદમાં કેકય માટે કૈકેય શબ્દ પણ વપરાયેલો મળે છે. કેકયના રાજા અશ્વપતિની કુંવરી ‘કૈકેયી’, તે સૂર્યવંશના અયોધ્યાપતિ રાજા દશરથની ત્રીજી રાણી અને ભરતની માતા.
કે. કા. શાસ્ત્રી