કેઓલિનાઇટ (કેઓલિન) : માટી વર્ગનાં ખનિજો માટે અપાયેલું જૂથનામ. ચિનાઈ માટી (china clay) એ આ ખનિજ માટે વપરાતો પ્રચલિત પર્યાય છે. કેઓલિનાઇટ એ Al2(Si2O5)(OH)4ના સરખા બંધારણવાળાં કેઓલિનાઇટ, ડિકાઇટ અને નેક્રાઇટ, જેવાં જુદી જુદી અણુરચનાવાળાં ખનિજોને આપેલું જૂથનામ છે. કેઓલિનાઇટમાંનું કેઓલિન – Al2O3•2SiO2•2H2O – એ ચાઇના ક્લેનો મુખ્ય ઘટક ગણાય છે. આ ખનિજનું ‘કેઓલિન’ નામ ચીનમાં જૌચાઉ ફ્યુ પાસે આવેલી ટેકરી પરથી આપવામાં આવ્યું છે. કેઓલિનાઇટના ગુણધર્મો આ પ્રમાણે છે : રા. બં. – ઉપર મુજબ; સ્ફ. વ. – ટ્રાયક્લિનિક; સ્વ. – સૂક્ષ્મ ષટ્કોણ સ્ફટિક પતરીઓ, સામાન્યત: સૂક્ષ્મ મૃણ્મય પદાર્થ; રં. – સફેદ (શુદ્ધ પ્રકાર), રાખોડી કે પીળાશ પડતો; સં. – બેઝલ પિનેકોઇડને સમાંતર; ચ. – મૃણ્મય – ચળકાટવિહીન; સ્પર્શ – તૈલી; ભં.સ. – નથી; ચૂ. – સફેદ; ક. – સ્ફટિક માટે 2-2.5 પણ સામાન્ય રીતે તો નરમ, દબાવતાં ચૂર્ણશીલ; વિ. ઘ. – 2.6થી 2.63; પ્ર. અચ. (અ) વક્રી. α = 1.553થી 1.563; β = 1.559થી 1.569; γ = 1.560થી 1.570, (બ) 2γ = (24o – 50o); પ્ર. સં. – દ્વિઅક્ષી ve; પ્રા. સ્થિ. માટીજૂથના ખનિજ તરીકે મોટા પ્રમાણમાં; ગ્રૅનાઇટના બંધારણમાં રહેલા ફેલ્સ્પાર પર થતી ખવાણની અસરથી તેમજ ઉષ્ણજળજન્ય કે વાયવીય સ્થાપનની અસરથી ઉત્પન્ન થાય છે. નેક્રાઇટ અને ડિકાઇટ એ ધાતુખનિજો સાથે મળી આવતાં વિરલ ખનિજો છે. કેઓલિનાઇટ ભારતમાં મુખ્યત્વે કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાંથી મેળવાય છે.
ઉપયોગ : કેઓલિનનો શુદ્ધ અને સૂક્ષ્મ પ્રકાર પૉર્સલિન કે ચિનાઈ પર્યાયથી ઓળખાતી ચીજોના ઉત્પાદનમાં વપરાય છે. સામાન્ય માટી તરીકે તેનો ઉપયોગ માટીનાં વાસણો (stone ware) અને ઈંટોના ઉત્પાદનમાં થાય છે. આ ઉપરાંત કાગળ, રબર, રંગ ઉદ્યોગોમાં તેમજ દવાના ઉત્પાદનમાં પણ વપરાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે