કેઇજ, જોન (Cage John) (જ. 5 સપ્ટેમ્બર 1912, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 12 ઑગસ્ટ 1992, ન્યૂયૉર્ક) : અગ્રણી આધુનિક અમેરિકન સંગીતકાર. તેમના ક્રાંતિકારી વિચારોએ વીસમી સદીના ઉત્તરાર્ધના સંગીત પર ઊંડો પ્રભાવ પાડ્યો છે.

યુરોપની પ્રશિષ્ટ પ્રણાલીમાં કેઇજનું સાંગીતિક ઘડતર થયું. વીસમી સદીના ત્રણ આધુનિક પ્રશિષ્ટ સંગીતકારો તેમના ગુરુ હતા : આનૉર્લ્ડ શોઅન્બર્ગ, હેન્રી કોવેલ, અને એદગાર વારિસ. ત્યાર બાદ સેએટલ (Seattle) ખાતેની સંગીતશાળામાં તેઓ સંગીતશિક્ષક નિમાયા. અહીં તેમણે પિયાનો તથા ઠપકારીને વગાડવાનાં (percussion) વાદ્યો માટે કૃતિઓ લખવી શરૂ કરી. ખાસ તો હેરપિન, રબરબૅન્ડ જેવી અવરોધક વસ્તુઓ પિયાનોના તાર ઉપર લગાડીને તૈયાર કરેલ એવા પિયાનો પર વગાડવાની તેમની કૃતિઓ ધ્યાનપાત્ર બની; કારણ કે આધુનિકતાની ક્ષિતિજ પરનો આ પ્રયોગ હતો. ડેવિડ ટ્યૂડૉર નામના પિયાનિસ્ટે તેમની આવી કૃતિઓ સૌપ્રથમ વગાડેલી. બજારમાં અને રસ્તા પર જઈ દુનિયાનો ઘોંઘાટ કેસેટપ્લેયર પર રેકર્ડ કરી તેને પણ તેમણે તેમની કેટલીક કૃતિઓમાં વાપર્યો. એ પછીની તેમની કૃતિઓમાં તેઓ તેમનો સંગીતનિયોજક તરીકેનો ફાળો (role) ઓછો કરતા ગયા અને વાદક કે ગાયકોના સહજસ્ફુરિત (improvised) ઉમળકા પર વધુ ને વધુ મદાર રાખતા ગયા.

જોન કેઇજ

1968 પછી ચીની સંગીતકાર આઇ ચિન્ગના ચીની સંગીતનો પ્રભાવ તેમના પર પડ્યો છે.

કેઇજની મહત્ત્વની કૃતિઓ આ પ્રમાણે છે :

(1) ‘ફોર મિનિટ્સ ઍન્ડ થર્ટી થ્રી મિનિટ્સ’ (1952);

(2) ‘ઇમેજિનરી લૅન્ડ્સ્કેપ નં. 4’ (1951);

(3) તૈયાર કરેલા પિયાનો માટે સૉનાટા અને ઇન્ટરલ્યૂડ (1946-48);

(4) ‘ફોન્ટાના મિક્સ’ (1958) અને

(5) ‘ચિપ ઇમેજિનેશન’ (1969).

કેઇજે અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં જુદા જુદા વખતે સંગીતનું શિક્ષણ આપ્યું છે. તેમના શાગિર્દોમાંથી અર્લ બ્રાઉન, લેજારેન હિલર, મૉર્ટન ફેલ્ડમૅન અને ક્રિશ્ચિયન વુલ્ફે નામના મેળવી છે. કેઇજે ‘સાઇલન્સ’ (1961) નામે સંગીત-વિષયક પુસ્તક પણ લખ્યું છે.

અમિતાભ મડિયા