કૅવેન્ડિશ – હેન્રી સર

January, 2008

કૅવેન્ડિશ, હેન્રી સર (જ. 10 ઑક્ટોબર 1731, નીસ, ફ્રાન્સ; અ. 24 ફેબ્રુઆરી 1810, લંડન) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તેમજ રસાયણશાસ્ત્રી લૉર્ડ ચાર્લ્સ કૅવેન્ડિશના પુત્ર. 1742થી 1749 સુધી હૅકનીની શાળામાં અભ્યાસ કરી, 1749માં કેમ્બ્રિજના પીટરહાઉસમાં દાખલ થયા; પરંતુ સ્નાતકની પદવી મેળવ્યા વગર જ તે છોડી દીધું. હાઇડ્રોજન વાયુ કે જ્વલનશીલ (inflammable) હવાની શોધ પર તેમનો સૌપ્રથમ રાસાયણિક સંશોધનનો લેખ 1766માં પ્રગટ થયો હતો. ‘હવા પરના પ્રયોગો’ એ નામના તેમના બે અગત્યના અહેવાલ (reports) અનુક્રમે 1784 તથા 1785માં ‘ફિલૉસૉફિકલ ટ્રાન્ઝૅક્શન્સ’માં પ્રગટ થયા હતા. પ્રથમ રિપૉર્ટમાં વિદ્યુત સ્પાર્કની મદદથી સામાન્ય હવાના પાંચ ભાગને, હાઇડ્રોજનના બે ભાગ સાથે બાળવાથી થતી પાણીની ઉત્પત્તિ વિશે વર્ણન કરેલું છે જે પાણીના સંયોજનાત્મક (compound) સ્વરૂપનું સમર્થન કરે છે. બીજા રિપોર્ટમાં, વિદ્યુત સ્પાર્કથી નાઇટ્રોજન અને ઑક્સિજનનું પાણી સાથે સંયોજન કરવાથી નાઇટ્રિક ઍસિડની ઉત્પત્તિનો ઉલ્લેખ છે. અહીં કૅવેન્ડિશે એ નોંધ્યું કે હવાનો 1/120 ભાગ આ પ્રક્રિયામાં સક્રિય હોતો નથી. 100 વર્ષ બાદ સર વિલિયમ રામસેએ નિષ્ક્રિય (inert) આર્ગોન વાયુની શોધ કરીને આ નોંધનું સમર્થન કર્યું હતું. 1796થી 1798ના ગાળામાં કૅવેન્ડિશે ગુપ્ત ગરમી (latent heat) અને વિશિષ્ટ ગરમી (spcific heat) વિશે નિરીક્ષણ કર્યું હતું. તેમણે યુડીઓમીટર ટ્યૂબની શોધ કરી અને ભેજશોષક પદાર્થના વપરાશની હિમાયત કરી હતી. ઓગણીસમી સદીની વિદ્યુત અંગેની ઘણી બધી શોધ અંગે તેમણે અટકળ બાંધી હતી; પરંતુ તે વિશેના લેખ 1879 સુધી અપ્રગટ રહ્યા હતા. 1879માં ક્લાર્ક મૅક્સવેલે ‘માનનીય હેન્રી કૅવેન્ડિશનું રાસાયણિક સંશોધન’ નામના પુસ્તકનું સંપાદન કરી, તે બધાનો ઉલ્લેખ કર્યો હતો. કૅવેન્ડિશ, ફ્લોજિસ્ટનવાદના સમર્થક હતા, છતાં તેમના સમકાલીન લેવોઝિયેનો વિરોધ કર્યો નહિ અને એમ સ્વીકારી લીધું કે લેવોઝિયેનો વાદ ફ્લોજિસ્ટનવાદ જેવો જ સંતોષકારક હશે.

સર હેન્રી કૅવેન્ડિશ

તેમણે લગ્ન કર્યાં ન હતાં અને અઢળક સંપત્તિ હોવા છતાં સાદું જીવન જીવ્યા હતા. તે બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડના એક બહુ મોટા શેરહોલ્ડર હતા અને તેમને શાણા માનવીઓમાં સમૃદ્ધ અને સમૃદ્ધોમાં શાણા તરીકે વર્ણવવામાં આવતા હતા. રૉયલ સોસાયટીના તેઓ 1760માં ફેલો થયા હતા. 1803માં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફ્રાન્સ’ના પણ ‘ફૉરેન એસોશિયેટ’ બન્યા હતા. તેમના મૃત્યુ સમયે સાત લાખ પાઉન્ડ ટ્રસ્ટ રૂપે, પસાસ હજાર પાઉન્ડ બૅન્કમાં અને વાર્ષિક આઠ હજાર પાઉન્ડની આવકવાળી જાગીર તેમની પાછળ મૂકતા ગયા હતા. ડર્બીના ‘ઑલ સેન્ટસ્ ચર્ચ’માં તેમના પરિવાર માટે અલાયદા રાખેલ ઘુમ્મટવાળા ખંડમાં તેમને દફનાવવામાં આવ્યા હતા; અને 1927માં ત્યાં એક કાષ્ઠનું સ્મારક, તેમની સ્મૃતિમાં રચવામાં આવ્યું હતું. 1874માં તેમની ‘કૅવેન્ડિશ ભૌતિક પ્રયોગશાળા’ કેમ્બ્રિજ યુનિવર્સિટીને સમર્પિત કરવામાં આવી હતી.

તેમનાં પ્રકાશનો નીચે પ્રમાણે છે : (1) ફિનૉમિના ઑવ્ ઇલેક્ટ્રિસિટી જે લેખ ‘ફિલૉસૉફિકલ ટ્રાન્ઝૅક્શન’માં પ્રસિદ્ધ થયો હતો (1771); (2) ફ્રીઝિંગ પૉઇન્ટ ઑવ્ મર્ક્યુરી (1783); (3) ડિસ્કવરી ઑવ્ ધ કૉમ્પોઝિશન ઑવ્ વૉટર (1784); (4) ડિસ્કવરી ઑવ્ ધ કૉમ્પોઝિશન ઑવ્ નાઇટ્રિક ઍસિડ (1785); (5) એક્સપેરિમેન્ટ્સ ટુ ડિટરમિન ધ ડેન્સિટી ઑવ્ ધ અર્થ (1798); (6) ઍન ઇમ્પોર્ટન્ટ મેથડ ફૉર ગ્રૅડ્યુએટિંગ ઍસ્ટ્રોનૉમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (1800).

1851માં જ્યૉર્જ વિલ્સને કૅવેન્ડિશનું જીવનચરિત્ર પ્રસિદ્ધ કર્યું અને 1921માં રૉયલ સોસાયટીએ તેમનો વૈજ્ઞાનિક સંશોધન અંગેનો ઇતિહાસ બે ગ્રંથ(volumes)માં બહાર પાડ્યો.

જ. પો. ત્રિવેદી

એરચ મા. બલસારા