કૅલ્શિયમ માર્ગરોધકો (calcium channel blockers) : ઉત્તેજિત (stimulated) કોષમાં કૅલ્શિયમનાં આયનોના પ્રવેશને અટકાવતાં ઔષધોનું જૂથ. કોષમાં કૅલ્શિયમ આયનો પ્રવેશી શકે તે માટેનો ધીમો માર્ગ (slow channel) હોય છે જેના દ્વારા ઉત્તેજિત અથવા અધ્રુવિત (depolarised) કોષમાં કૅલ્શિયમનાં આયનો ધીમે ધીમે પ્રવેશે છે. આ માર્ગ કોષપટલનાં છિદ્રોનો બનેલો હોય છે. કોષમાં પ્રવેશેલા કૅલ્શિયમનાં આયનો હૃદયસ્નાયુ અને વાહિનીસ્નાયુના સંકોચનમાં મહત્વનું કાર્ય કરે છે. વળી, કોષમાં પ્રવેશેલા બહારના કૅલ્શિયમનાં આયનો કોષમાંનાં કૅલ્શિયમનાં આયનોને પણ છૂટાં કરતાં હોવાથી કોષમાં કૅલ્શિયમનાં આયનોનું પ્રમાણ વધે છે.
તે મુખ્યત્વે હૃદયના રોગો, લોહીના ઊંચા દબાણનો વિકાર તથા મસ્તિષ્કને લોહી પહોંચાડતી નસોના વિકારોમાં સારવાર માટે ઉપયોગી છે. લોહીની નસોના અનંકિત (smooth) સ્નાયુઓનાં સંકોચનોને ઘટાડીને તે લોહીનું દબાણ ઘટાડે છે તથા હૃદય અને મગજની નસો પહોળી થતાં હૃદય અને મગજમાં વધુ લોહી પહોંચી શકે છે. આમ હૃદયપીડ (angina pectoris) અને મસ્તિષ્કના વાહિની-વિકારો(cerebrovascular disorders)માં તે ઉપયોગી છે. તે શરીરમાંની નસોને પહોળી કરીને લોહીના ભ્રમણ સામેના અવરોધને ઘટાડે છે. એ રીતે તે લોહીના ઊંચા દબાણના વિકારમાં પણ ઉપયોગી રહે છે. વળી લોહીના ભ્રમણ સામેની ધમનિકાઓ (arteriales) અને શિરાઓમાંના અવરોધમાં ઘટાડો કરે છે. હૃદયસ્નાયુની સંકોચનશીલતા (inotropism) ઘટાડીને તેની ઑક્સિજનની માગ ઘટાડે છે તથા હૃદયધમની(coronary artery)ને પહોળી કરીને હૃદયસ્નાયુમાં લોહીનું ભ્રમણ વધારે છે. આ ત્રણે કારણોસર હૃદયમાં ઓછા લોહી(ઑક્સિજન)ને કારણે થતો દુખાવો (હૃદયપીડ) મટે છે.
સામાન્ય રીતે તેમની આડઅસરો ઓછી હોય છે. જોકે હૃદયરોધ(heart block)વાળા દર્દીઓમાં તેમનો સંભાળપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે હૃદયના ડાબા ક્ષેપક(ventricle)નું કાર્ય અપૂરતું હોય તોપણ તેમનો ઉપયોગ સંભાળપૂર્વક કરવાનું સૂચવાય છે. જો હૃદયની નિષ્ફળતા(heart failure)નાં ચિહ્નો જોવા મળે તો તેમનો ઉપયોગ બંધ કરાય છે. તેમની અન્ય મુખ્ય આડઅસરોમાં કબજિયાત, હૃદયસ્તંભન, લોહીના દબાણમાં અતિશય ઘટાડો, માથું દુખવું, ચક્કર આવવાં, થાક લાગવો વગેરે છે.
વિવિધ કૅલ્શિયમ માર્ગરોધકોમાંથી વેરાપામિલ, ડિલ્ટીઆઝિમ, નિફેડિપિન, નિમોડિપિન, નિકાર્ડિપિન તથા લીડોફલૅઝિન મુખ્ય છે. ડિલ્ટીઆઝિમની કાર્યક્ષમતા વેરાપામિલ અને નિફેડિપિનની કાર્યક્ષમતાની વચ્ચેની ગણાય છે.
તે હૃદયપીડ, વાહિનીઆકુંચનથી થતી હૃદયપીડ (prizmental angina), હૃદયના ઝડપી ધબકારા, હૃદયના ધબકારાના તાલના વિકારો (arrhythmia), ફેફસીશોફ (pulmonary oedema), ફેફસી અતિરુધિરદાબ (pulmonary hypertension), મગજમાં ઘટેલું લોહીનું પરિભ્રમણ વગેરે વિવિધ વિકારો અને રોગોમાં ઉપયોગી છે. જોકે જુદા જુદા વિકારોમાં જુદાં જુદાં ઔષધો ઉપયોગી છે; જેમ કે વેરાપામિલ હૃદયના ધબકારાને નિયમિત કરવામાં વધુ ઉપયોગી છે, જ્યારે નિફેડિપિન હૃદયરોગ(heart attack)ના હુમલામાં વધુ લાભકારક છે. જીભ નીચે નિફેડિપિન મૂકવાથી હૃદયરોગના તાજા હુમલામાં કે લોહીનું દબાણ અતિશય વધી ગયું હોય તો તાત્કાલિક ફાયદો થાય છે એવું નોંધવામાં આવેલું છે. શ્વસનમાર્ગના રોગો(દા.ત. દમ)વાળા દર્દીને આ જૂથનાં ઔષધો આપી શકાય છે. મસ્તિષ્ક(મગજ)માં લોહીના પરિભ્રમણના વિકારો થાય ત્યારે નિમોડિપિન ઉપયોગી ગણાય છે.
વિપુલ યાજ્ઞિક
શિલીન નં. શુક્લ
સંજીવ આનંદ