કૅલ્શિયમ અને ફૉસ્ફરસ (આયુર્વિજ્ઞાન) : શરીરના બંધારણ અને તેનાં વિવિધ કાર્યોમાં ઉપયોગી તત્વો. સામાન્ય રીતે બંને તત્વોનાં ચયાપચય (metabolism) એકબીજાં સાથે જોડાયેલાં છે. જથ્થાની ર્દષ્ટિએ માનવશરીરમાં કૅલ્શિયમનું સ્થાન પાંચમું છે અને તે મુખ્યત્વે હાડકાંમાં હોય છે. થોડાક પ્રમાણમાં તેનાં આયનો કોષની બહારના પ્રવાહીમાં, લોહીના પ્લૅઝ્મામાં તથા કોષના બંધારણ અને કોષરસ(cytoplasm)માં હોય છે. કૅલ્શિયમનાં આયનો (Ca++) શારીરિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. તેનાં મુખ્ય કાર્યક્ષેત્રોમાં (1) ચેતાઓ અને સ્નાયુઓની ક્રિયાશીલતા, (2) સ્નાયુઓનું સંકોચન, (3) હૃદયનું કાર્ય, (4) કોષના પટલો(membr-anes)ની અખંડિતતા તથા વહી જતા લોહીનું ગંઠાવું વગેરે છે. આ ઉપરાંત મોટાભાગના અંત:સ્રાવોની કોષો પરની અસરો કૅલ્શિયમનાં આયનો દ્વારા જ થાય છે.
કૅલ્શિયમ અને ફૉસ્ફેટ દૂધ અને દૂધની બનાવટોમાંથી મળે છે. ફૉસ્ફેટ મેળવવાનો બીજો અગત્યનો આહાર-ઘટક માંસ છે. આંતરડાંમાં ફૉસ્ફેટનું અવશોષણ (absorption) સરળ છે પરંતુ કૅલ્શિયમ માંડ 50 % જેટલું જ શોષાય છે. કૅલ્શિયમ માર્ગ (channel) દ્વારા તેનું અવશોષણ થાય છે અને તે કૅલ્શિયમ મૅગ્નેશિયમ એટીપેઝ(ATPase)ની મદદથી લોહીમાં ધકેલાય છે, જેથી કૅલ્શિયમ મળ દ્વારા ઉત્સર્ગ પામે છે. તે ઘણે ભાગે તેના ફૉસ્ફેટ ક્ષાર રૂપે જાય છે. સામાન્યપણે પુખ્ત વ્યક્તિના આહારમાં 800 મિગ્રા. કૅલ્શિયમ હોય છે અને તેના પાચક રસોમાંથી બીજું 600 મિગ્રા. કૅલ્શિયમ આંતરડાંમાં આવે છે. આ રીતે આશરે 1400 મિગ્રા. કૅલ્શિયમ આંતરડાંના પોલાણમાં આવે છે, જેમાંનું 700 મિગ્રા. શોષાય છે અને 700 મિગ્રા. મળ દ્વારા બહાર જતું રહે છે. આમ 800 મિગ્રા. કૅલ્શિયમમાંથી 100 મિગ્રા. (12.5 %) શોષાય છે. કૅલ્શિયમનો ઉત્સર્ગ 87.5 % મળ દ્વારા અને 12.5 % પેશાબ દ્વારા થાય છે. ફૉસ્ફેટનો મૂત્રમાર્ગીય ઉત્સર્ગ તેના કોષ બહારના પ્રવાહીમાંની સાંદ્રતા (concentration) પર આધારિત હોય છે. જો લોહી અને કોષ બહારના પ્રવાહીમાં ફૉસ્ફેટનાં આયનો ઓછાં હોય તો તેનો મૂત્રમાર્ગીય ઉત્સર્ગ બંધ થાય છે. કોષ બહારના પ્રવાહીમાંની ફૉસ્ફેટની જે સાંદ્રતાથી વધારાની સાંદ્રતાએ ફૉસ્ફેટ પેશાબમાં વહી જાય છે તેને ઉંબરસ્તરીય (threshold) મૂલ્ય કહે છે. ફૉસ્ફેટનું ઉંબરસ્તરીય મૂલ્ય 1 મિલીમોલ/લિટર છે. ફૉસ્ફેટના મૂત્રમાર્ગીય ઉત્સર્ગનો વિશદ અભ્યાસ કરાયેલો છે. પ્લૅઝ્મામાંનો 90 % ફૉસ્ફેટનો જથ્થો મૂત્રપિંડમાં ગળાય છે અને તેમાંનો મોટાભાગનો જથ્થો પુન:શોષિત પણ થાય છે. પરાગ્રંથીય અંત:સ્રાવ તેના પેશાબમાંના ઉત્સર્ગને વધારે છે, જ્યારે વિટામિન-ડી તે ઘટાડે છે. ફૉસ્ફેટ આયનોના ઉત્સર્ગના નિયમન દ્વારા પેશાબના તથા લોહીના અમ્લતા-વિકાર(acidosis)નું નિયમન કરાય છે.
કૅલ્શિયમ તેનાં કાર્યો કરી શકે તે માટે યોગ્ય પેશીમાં આયન-સ્વરૂપ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવું જરૂરી હોય છે. આ માટે અંત:સ્રાવીય નિયમન (hormonal control) દ્વારા તેની સાંદ્રતા જળવાય છે. અંત:સ્રાવો કૅલ્શિયમના આંતરડાંમાંના અવશોષણ અને મૂત્રપિંડ દ્વારા થતા ઉત્સર્ગનું નિયંત્રણ કરે છે તથા હાડકાંમાંના તેના વિપુલ જથ્થાનો ઉપયોગ કરે છે. કૅલ્શિયમના કોષમાં પ્રવેશવાની તથા કોષમાંના પટલોમાંથી પસાર થવાની ક્રિયા પણ નિયંત્રિત હોય છે. કોષપટલ(cell membrane)માંનાં છિદ્રો(pores)માંથી પ્રવેશ કરવાના માર્ગને અવરોધતાં ઔષધો પણ ઉપલબ્ધ છે, જેની મદદથી ઘણા રોગો અને વિકારોની સારવાર થઈ શકે છે.
લોહીમાં અને અન્ય પ્રવાહીઓમાં કૅલ્શિયમની સાંદ્રતા જાળવી રાખવા માટે ત્રણ અંત:સ્રાવો ઉપયોગી છે : (1) પરાગલગ્રંથીય (parathyroid) અંત:સ્રાવ, (2) અલ્પ-કૅલ્સિકારી અંત:સ્રાવ (calcitonin) તથા (3) વિટામિન-ડી. જ્યારે કૅલ્શિયમનું પ્રમાણ ઘટે ત્યારે પરાગલગ્રંથીય અંત:સ્રાવનું પ્રમાણ વધે છે અને તે આંતરડાંમાંથી કૅલ્શિયમનું અવશોષણ, મૂત્રપિંડમાંથી પુન:શોષણ (reabsorption) અને હાડકાંમાંથી સ્થળાંતર (transfer) કરાવીને લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ વધારે છે. આ ઉપરાંત આ અંત:સ્રાવ પેશાબ દ્વારા થતો ફૉસ્ફેટનો ઉત્સર્ગ પણ વધારે છે. અલ્પ-કેલ્સિકારી અંત:સ્રાવ અથવા કૅલ્સિટોનિન હાડકાંમાંથી થતું સ્થાનાંતર ઘટાડીને અને મૂત્રપિંડીય ઉત્સર્ગ વધારીને કૅલ્શિયમનો સ્તર ઘટાડે છે. પરાગલગ્રંથીય અંત:સ્રાવની અસર હેઠળ મૂત્રપિંડ વિટામિન-ડીમાંથી કૅલ્સિટ્રિઓલ અથવા કૉલિકૅલ્સિફેરોલ નામનો સક્રિય અંત:સ્રાવ બનાવે છે. તેને 1, 25 ડાયહાઇડ્રૉક્સિ-વિટામિન ડી3 પણ કહે છે. તેનું ઉત્પાદન લોહીમાંના ફૉસ્ફેટની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તે કૅલ્શિયમ અને ફૉસ્ફેટનું આંતરડાંમાંનું અવશોષણ વધારે છે, મૂત્રપિંડીય ઉત્સર્ગ ઘટાડે છે અને હાડકાંમાં થતાં સ્થાનાંતર વધારે છે. આમ તે લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ વધારે છે.
કૅલ્શિયમની દૈનિક જરૂરિયાત 800થી 2500 મિગ્રા. છે અને તેના લોહીમાં પ્લૅઝ્મામાંનો સ્તર 5 મિ. ઇક્વિવેલન્ટ/લિ. અથવા 10 મિગ્રા. / ડેસી લિ. જેટલો રહે છે. તેમાંનું 40 % ઍલ્બ્યૂમિન સાથે જોડાયું હોય છે. જ્યારે લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટે ત્યારે તેને અલ્પકૅલ્શિયમરુધિરતા (hypocalcaemia) કહે છે અને જ્યારે તે વધે ત્યારે તેને અતિકૅલ્શિયમરુધિરતા (hypercalcaemia) કહે છે. અલ્પકૅલ્શિયમરુધિરતા થાય ત્યારે સ્નાયુઓમાં સતત આકુંચન (spasms) થાય છે અને તેને અંગુલિવંકતા (tetany) કહે છે. કેટલાક રોગોમાં પણ અલ્પકૅલ્શિયમરુધિરતા જોવા મળે છે; જેમ કે પરાગલગ્રંથિની અલ્પક્રિયાશીલતા, મૂત્રપિંડની દીર્ઘકાલીન નિષ્ફળતા, મોટા પ્રમાણમાં સાઇટ્રેટવાળું લોહી નસ વાટે ચડાવાયેલું હોય વગેરે. સારવાર રૂપે કૅલ્શિયમ ગ્લુકોનેટ, લૅક્ટેટ, કાર્બોનેટ, લિવુલિનેટ વગેરે સંયોજનોની મુખમાર્ગી ગોળીઓ કે દ્રાવણો અપાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાવાળા દર્દીઓમાં કૅલ્શિયમ ક્લોરાઇડ અપાતું નથી, વળી તે જ્યાં ઇન્જેક્શન અપાયું હોય તે પેશીમાં બળતરા કરે છે અને તેને ઈજા પણ કરે છે. કૅલ્શિયમની ઊણપ હોય એવા વિકારો ઉપરાંત લોહીમાં જ્યારે પોટૅશિયમનું પ્રમાણ ઓછું હોય ત્યારે પણ સારવારમાં કૅલ્શિયમનો ઉપયોગ થાય છે.
અતિકૅલ્શિયમરુધિરતા સામાન્ય રીતે કોઈ રોગ સૂચવે છે; દા.ત., અતિપરાગલગ્રંથિતા (hyperparathyroidism), વિટામિન-ડીની વિષાક્તતા (hypervitaminosis-D), સારકોઇડોઇતા (sarcoido-sis), સ્તન અને અન્ય અવયવોનાં હાડકાંમાં ફેલાતાં કૅન્સર વગેરે. અતિકૅલ્શિયમરુધિરતા જીવનને માટે જોખમી સ્થિતિ છે અને તેની તાત્કાલિક સારવાર જરૂરી છે. સામાન્ય રીતે સારવાર માટે નસ વાટે વિપુલ પ્રમાણમાં પ્રવાહી, કોર્ટિકોસ્ટીરૉઇડ, મિથ્રામાયસિન, કૅલ્સિટોનિન અને ઇડિટેટ ડાયસોડિયમ નામનો કિલેટક ઉપયોગી રહે છે.
ફૉસ્ફેટના ચયાપચયના વિકારો વિવિધ રોગોમાં જોવા મળે છે; જેમ કે અસ્થિછિદ્રલતા (osteoporosis), સુકતાન (rickets), અસ્થિમૃદુતા (osteomalacia), સતંતુકોષ્ઠીય અસ્થિરોગ (osteitis fibrosa cystica), દ્વૈતીયિક અતિપરાગલગ્રંથિતા (secondary hyperpara-thyroidism), અલ્પપરાગલગ્રંથિતા (hypoparath-yroidism) .
શિલીન નં. શુક્લ
ભરત ત્રિવેદી