કૅલ્વિન-હેલ્મહોલ્ટ્ઝ સંકોચન : ગુરુત્વીય નિપાત (gravitational collapse) સાથે સંકળાયેલી ખગોલીય ઘટના. પ્રત્યક્ષ ઉદાહરણ વાદળ કે વિસરિત નિહારિકા (diffused nebula) છે, જેમાં વાયુ તથા રજકણો ગુરુત્વીય નિપાત અનુભવતા હોય છે. તારક વિકાસક્રમ(development sequence)નો આ એક મહત્વનો તબક્કો ગણાય છે. તારકના વિવિધ ઘટકો ગુરુત્વાકર્ષણ વડે બંધાયેલા હોવાથી તે ગુરુત્વીય સ્થિતિજ (potential) ઊર્જા ધરાવે છે; તારકગુચ્છમાં આવા ઘટકો તરીકે તારકો હોય છે. તારકના ઘટકો સંકોચન કે નિપાત અનુભવે ત્યારે પરસ્પરના ગુરુત્વીય આકર્ષણને કારણે એકબીજાની નજદીક આવવાથી તેમનું સંકોચન થાય છે. તેથી તેમની સ્થિતિજ (static) ઊર્જા ઘટે છે અને તેની સાથે તેમની ગતિજ (kinetic) ઊર્જામાં વધારો થાય છે; જેની અભિવ્યક્તિ (menifestation) દબાણ-વધારા તરીકે થાય છે. આ દબાણ ક્રાન્તિક (critical) મૂલ્યે પહોંચે ત્યારે સંકોચન કે નિપાત અટકી જાય છે. એનો પુન: આરંભ ત્યારે જ શક્ય બને છે જ્યારે વધારાની ઊર્જા ઉષ્મા તરીકે ઉત્સર્જિત થઈ શકે. તારકનું આંતરિક તાપમાન પણ વધે છે અને હર્ટસ્પ્રંગ-રસેલ આરેખ(Hertzsprung-Russell diagram)ના ઓછા તાપમાનવાળા વિભાગમાંથી આ તારક મુખ્ય અનુક્રમ(main sequence)માં આવી પહોંચે છે.
ગઈ સદીના મધ્યભાગમાં ભૌતિકશાસ્ત્રીઓ હેલ્મહોલ્ટ્ઝ અને કૅલ્વિને એવી ધારણા વ્યક્ત કરી હતી કે સૂર્યની દીપ્તિ(luminosity)નો ઉદભવ ગુરુત્વીય સ્થિતિજ-ઊર્જાનું વિકિરણ-ઊર્જામાં થતા રૂપાન્તર(transformation)ને આભારી છે. પરંતુ સૂર્યના કેન્દ્રભાગમાં થતી થર્મોન્યૂક્લિયર સંલયન (thermonuclear fusion) પ્રક્રિયા સૌર ઊર્જાનો મુખ્ય સ્રોત છે.
પ્ર. દી. અંગ્રેજી