કૅલે : વાયવ્ય ફ્રાન્સના પાસ દ કૅલે(ભૌગોલિક વિભાગ)નું સૌથી મોટું શહેર. વસ્તી : 14,65,278 (2019). ઇંગ્લૅન્ડ અને યુરોપ ખંડને જોડતી ઇંગ્લિશ ચૅનલના પ્રવેશદ્વાર સમાન બંદર. કૅલે 50° 57′ ઉ. અ. અને 1° 56′ પૂ. રે. ઉપર ઇંગ્લૅન્ડના ડોવર શહેરથી 40 કિમી. અને પૅરિસથી ઉત્તરે 257 કિમી. દૂર છે. જૂનું શહેર કૅલે નોર્દ તરીકે અને નવું શહેર સેંટ પિયર તરીકે ઓળખાય છે. તેની આબોહવા સમધાત છે. સરેરાશ વાર્ષિક તાપમાન 11° સે. રહે છે. વરસાદ 890 મિમી. પડે છે અને પશ્ચિમિયા પવનો (westerlies) બારે માસ વાય છે.

તે ખેતીવાડીની પેદાશનું વિતરણકેન્દ્ર અને મહત્વનું પ્રવાસધામ છે. કૉડ અને હેરિંગ માછલીઓની વિપુલતાને કારણે ત્યાં મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો છે. ગૃહઉદ્યોગ તરીકે ત્યાં લેસ, જાળીવાળું રેશમી કાપડ, ભરતકામ, કાષ્ઠકામ, ધાતુકામ પ્રચલિત છે. કેબલ, કાગળ, રસાયણ, સિન્થેટિક યાર્ન અને મીઠાના શુદ્ધીકરણનાં કારખાનાં ઉપરાંત દારૂ ગાળતા એકમો, જહાજવાડા વગેરે છે.

તેરમી સદીનો નિરીક્ષણ માટેનો ટાવર, ચૌદમી–પંદરમી સદીનું નોત્રદામનું દેવળ, અઢારમી સદીની હોટેલો, સંગ્રહસ્થાન, ફ્લેમિશ સ્થાપત્યશૈલીનો ટાઉનહૉલ વગેરે જોવાલાયક છે. 1347માં કૅલેમાં કત્લેઆમ અટકાવવા આત્મસમર્પણ કરનાર છ શહેરીઓનું રોદાંનું સ્મારક જગવિખ્યાત છે.

અગિયારમી સદી સુધી તે માછીમારોનું ગામડું હતું. 1347માં એડવર્ડ ત્રીજાએ તે જીતી લીધું, ત્યારથી તે મોટું વેપારી કેન્દ્ર બન્યું. 1588માં તેનો ફ્રાન્સે કબજો લીધો હતો. 1596-98 દરમિયાન થોડો વખત સ્પેનની સત્તા નીચે હતું. વ્યૂહાત્મક ર્દષ્ટિએ તેનું મહત્વ પિછાની પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તે બ્રિટિશ લશ્કરનું થાણું (base) બન્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં જર્મન વિમાનો કૅલેના થાણા પરથી ઇંગ્લૅન્ડ ઉપર વિમાની હુમલાઓ કરતાં હતાં.

વિમલા રંગાસ્વામી