કૅર્યોફાઇલેસી

January, 2008

કૅર્યોફાઇલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 88 પ્રજાતિઓ અને લગભગ 1,750 જેટલી જાતિઓનો સમાવેશ, કરવામાં આવ્યો છે. તેની સૌથી મોટી પ્રજાતિઓ Silene (500 જાતિઓ), Dianthus (350 જાતિઓ), Arenaria (160 જાતિઓ) અને Stellaria, Cerastium, Lychnis અને Gypsophila (પ્રત્યેક લગભગ 100 જાતિઓ) છે.

આ કુળની ગુજરાતમાં 4 પ્રજાતિઓ થાય છે : વેકરી (Vaccaria pyramidata Medic) Spergula fallax (Lowe) EHL. S. vernalis Willd., વજ્રદંતી કે ફૂલછોગારો (Polycarpaea corymbosa (L.) Lam.] અને P. spicata W. & A. Polycarpon prostratum (Forik) Aschers.

તે એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ; શાકીય, ભાગ્યે જ ક્ષુપ કે નાનું વૃક્ષ-સ્વરૂપ ધરાવે છે. પ્રકાંડ પર ફૂલેલી ગાંઠો આવેલી હોય છે. પ્રકાંડ મુખ્યત્વે અરસાળ (non-succulent) હોય છે. પર્ણો સાદાં, સંમુખ (ભાગ્યે જ એકાંતરિક), મોટેભાગે રેખીયથી માંડી ભાલાકાર, સદંડી, લગભગ સદંડી કે અદંડી અથવા પરિપત્રીય (perfoliate), ચતુષ્કિત (decussate), ઘણુંખરું ઉપપર્ણીય (stipulate) કે અનુપપર્ણીય હોય છે. ઉપપર્ણો જો હોય તો તે ઝિલ્લીરૂપ (scarious) હોય છે.

આકૃતિ 1 : કૅર્યોફાઇલેસી  Dianthus plumerius : (અ) પુષ્પસહિતની શાખા, (આ) વજ્ર અને દલપુંજ વિનાનું પુષ્પ, (ઇ) બીજાશયનો ઊભો છેદ, (ઈ) બીજાશયનો આડો છેદ, (ઉ) પ્રાવર પ્રકારનું ફળ

પ્રકાંડમાં ત્વક્ષૈધા (corkcambium) જોવા મળે છે અથવા તે ગેરહાજર હોય છે. ત્વક્ષૈધા આરંભમાં ઊંડે આવેલી હોય છે. ગાંઠ એકગર્તી (unilacunar) હોય છે. અંત:સ્થ (internal) અન્નવાહક પેશી હોતી નથી. સામાન્ય એધાવલય દ્વારા કે અનિયમિત (anomalous) દ્વિતીય વૃદ્ધિ થાય છે. Spergulariaમાં સમકેન્દ્રિત (concentric) એધાઓ દ્વારા દ્વિતીય વૃદ્ધિ થાય છે. Acanthophyllumમાં અંદરની તરફ વાહીપુલોનો બીજો વલય જોવા મળે છે. અંતર્વિષ્ટ (included) અન્નવાહક પેશી જોવા મળે છે. અથવા તે ગેરહાજર હોય છે. જલવાહક પેશી તંતુ-જલવાહિની(fibre-tracheid)વાળી કે તંતુ-જલવાહિની વિનાની હોય છે. તેમાં પોષવાહરૂપ (libriform) તંતુઓ જોવા મળે છે અથવા તે ગેરહાજર હોય છે. જલવાહિનીની અંત્ય દીવાલ સરળ હોય છે. ચાલનીનલિકા (sieve-tube)માં રંજકકણો P-પ્રકાર[પ્રકાર III(b)]ના હોય છે.

પુષ્પવિન્યાસ પરિમિત, એકાકીથી માંડી દ્વિશાખી (dichasial) પ્રકારનો અને સામાન્યત: અગ્રસ્થ હોય છે. પુષ્પ નિયમિત, સામાન્ય રીતે પંચાવયવી, ચક્રીય, ચતુષ્ચક્રીય (tetracyclic) કે પંચચક્રીય (pentacyclic), દ્વિલિંગી કે ભાગ્યે જ એકલિંગી (તો વનસ્પતિ દ્વિગૃહી (duiecuius)] અને અધોજાયી (hypogynous) હોય છે. પુષ્પાક્ષ પરથી ઘણી વાર જાયાંગધર (gynophore) ઉત્પન્ન થાય છે. અધોજાયી બિંબ (disk) જોવા મળે છે.

વજ્ર 4 કે 5 વજ્રપત્રોનું બનેલું, એકચક્રીય, મુક્ત વજ્રપત્રી કે યુક્તવજ્રપત્રી, સમાન, કોરછાદી (imbricate) હોય છે. દલપુંજ 4 કે 5 દલપત્રોનો બનેલો, એકચક્રીય, મુક્તદલપત્રી, નિયમિત, નહોરદાર (clawed), ઊંડે સુધી દ્વિશાખિત કે દ્વિખંડી કે ઝાલરદાર (fringed) અથવા અખંડિત હોય છે. દલપત્રો ક્યારેક જિહવા ધરાવે છે.

પુંકેસરચક્ર (1-) 5 અથવા 8 કે 10 પુંકેસરો ધરાવે છે. તે દલપત્રની સંખ્યા જેટલા અથવા બેગણા, દ્વિ-આવર્ત પુંકેસરી (diplostemonous), સામાન્યત: વજ્રપત્રસંમુખ (oppositisepalous) કે વજ્રપત્ર સાથે એકાંતરિક (દા.ત., colobanthus) હોય છે. Lychnisમાં પુંકેસરો પુંધર પરથી ઉત્પન્ન થાય છે. દરેક પુંકેસરના તલભાગેથી મધુનો સ્રાવ થાય છે. પરાગાશયનું સ્ફોટન લંબવર્તી ફાટ દ્વારા થાય છે. તેઓ અંતર્મુખી (introse) અને ચતુર્બીજાણુધાનીય (tetrasporangiate) હોય છે. લઘુબીજાણુજનન સમકાલિક (simaltaneous) હોય છે. પોષકસ્તર (tapetum) ગ્રંથિમય હોય છે. પરાગરજ 3-12 છિદ્રીય (apertuate); વિદરકી (colpate) અને 3-કોષીય હોય છે.

સ્ત્રીકેસરચક્ર 2-5 સ્ત્રીકેસરોનું બનેલું, યુક્ત સ્ત્રીકેસરી (syncarpous), અને ઊર્ધ્વસ્થ હોય છે. બીજાશય એકકોટરીય (કેટલીક વાર નીચેના ભાગેથી વધતે – ઓછે અંશે વિભાજિત અથવા અપરિપક્વ હોય ત્યારે વિભાજિત) હોય છે. પરાગવાહિની 2-5; મુક્ત અથવા અંશત: જોડાયેલી અને અગ્રસ્થ હોય છે. પરાગાસનો 2-5, શુષ્ક પ્રકારનાં અને પિટિકામય (papillate) હોય છે. જરાયુવિન્યાસ તલસ્થ કે મુક્તકેન્દ્રસ્થ (free central) હોય છે. અંડકો સામાન્યત: ઘણાં, બીજોપાંગવિહીન (non-arillate), અર્ધઅધોમુખી (hemianatropous), દ્વિઅંડાવરણીય અને સ્થૂલપ્રદેહી હોય છે. ભ્રૂણપુટ (embryo sac) વિકાસ પોલીગોનમ પ્રકારનો હોય છે. ધ્રુવીય કોષકેન્દ્રો polar nuclei ફૂલન પૂર્વે જોડાય છે. સહાયકકોષો (synergids) જમરૂખ કે અંકુશ આકારના (દા.ત., Spergula) જોવા મળે છે. ભ્રૂણવિકાસ ‘કૅર્યોફાઇલેડ’ કે ‘સોલેનેડ’ પ્રકારનો જોવા મળે છે.

ફળ શુષ્ક, સ્ફોટનશીલ કે અસ્ફોટનશીલ, સામાન્યત: પ્રાવર કે કેટલીક વાર કાષ્ઠીય (nut) પ્રકારનું હોય છે. પ્રાવર દંતવિદારક (denticidal) કે કપાટીય (valvular) હોય છે. બીજ ભ્રૂણપોષી કે અભ્રૂણપોષી હોય છે. ભ્રૂણપોષ તૈલી હોતો નથી. ભ્રૂણ હરિત દ્રવ્યવિહીન, ઘણુંખરું વક્ર કે કુંતલમય કે સીધો હોય છે.

C3-દેહધર્મવિદ્યા Arenaria, Cerastium, Dianthus, Gymnocarpos, Lychnis, Polycarpon, Silene, Spergularia, Stellaria, Tunicaમાં અને C4-દેહધર્મવિદ્યા Polycarpaeaમાં જોવા મળી છે.

Dianthus, Lychnis, Gypsophila અને Sileneની 70થી વધારે જાતિઓ બગીચામાં ઉગાડવામાં આવે છે. Stellaria પ્રતિકૅન્સર-પ્રક્રિયા દર્શાવે છે. તેની બે જાતિઓ, S. vestita હાડકાંના તેમજ વાના દુખાવામાં અને S. arvensis ફેફસાંના ક્ષયમાં તેમજ લીલા ખાતર તરીકે ઉપયોગી છે. Carastium અને Arenaria અપતૃણ તરીકે બહોળા પ્રમાણમાં થાય છે.

મીનુ પરબિયા

દીનાઝ પરબિયા

બળદેવભાઈ પટેલ