કૅરો ફ્રાન્ચેસ્કો (જ. 26 સપ્ટેમ્બર 1607, મિલાન, ઇટાલી; અ. 27 જુલાઈ 1665, મિલાન, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. એમનાં ચિત્રોમાંથી તીવ્ર લાગણીઓનાં ઘેરાં સ્પંદન ઊઠતાં હોવાને કારણે તે ખાસ્સી લોકપ્રિયતા પામ્યા હતા. ચિત્રકાર મોરાત્ઝો પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. તુરિન ખાતેના ડ્યૂક ઑવ્ સેવોય વિક્ટર આમાદિયસ પહેલાના દરબારી ચિત્રકાર તરીકે તેમણે ઘણાં વર્ષો સુધી ચિત્રસર્જન કરેલું. કોઈ એક જ બિંદુએથી પ્રગટ થતો નાટ્યાત્મક પ્રકાશ તેમનાં ચિત્રોમાં જોવા મળે છે. આ શૈલીમાં આલેખિત તેમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં સમાવેશ પામે છે : ‘હેરોડિયાસ’, ‘મેગ્ડેલિના ઇન એ સ્ટેટ ઑવ્ ઍક્ટ્સી’, ‘સેંટ ફ્રાન્સિસ ઇન એ સ્ટેટ ઑવ્ એક્સ્ટસી’, ‘સેંટ ટેરેસા’, ‘વિઝન ઑવ્ સેંટ પીટર ઍન્ડ સેંટ પૉલ’, ‘ડેથ ઑવ્ ધ બ્લેસેડ આન્દ્રેઆ આવેલિનો’, ‘ઍગની ઇન ધ ગાર્ડન’, ‘હેરોડિયાસ વિથ ધ હેડ ઑવ્ સેંટ જૉન ધ બૅપ્ટિસ્ટ’, ‘મારટરડમ ઑવ્ સેંટ એગ્નેસ’ અને ‘ડેથ ઑવ્ લુક્રેશિયા’. આ બધાં જ ચિત્રોમાં રતિભાવની અભિવ્યક્તિ પણ સ્પષ્ટ છે.
1638માં કૅરો રોમ ગયા ત્યારથી તેમની ચિત્રશૈલીમાં મોટો ફેર પડ્યો. પ્રકાશ અને છાયાની તીવ્ર સહોપસ્થિતિઓ આલેખવાનું છોડીને તેમણે પીંછીના ઢીલા-મુક્ત લસરકા વડે એકસરખી રીતે પ્રકાશિત સપાટીઓ આલેખવાનું શરૂ કર્યું. તેમની પર ચિત્રકારો પિયેત્રો દા કૉર્તોના અને વાન ડીકનો પ્રભાવ પડ્યો. કૅરોના આ રીતે આલેખિત ચિત્રોમાં શ્રેષ્ઠ છે : ‘મિસ્ટિક મૅરેજ ઑવ્ સેંટ કૅથેરાઇન’ તથા ‘મૅડોના ઍન્ડ ચાઇલ્ડ વિથ સેંટ કૅથેરાઇન ઑવ્ સિયેના ઍન્ડ સેંટ ઍલેક્ઝાન્ડ્રિયા’. આ ચિત્રોમાં નૈસર્ગિક પશ્ચાદભૂમાં માનવ-આકૃતિઓ આલેખાઈ છે; પરંતુ આ માનવઆકૃતિઓના ચહેરા ભાવશૂન્ય છે અને તેમની અંગભંગિઓ થીજેલી અક્કડ દેખાય છે.
1648માં કૅરો મિલાન ચાલ્યા ગયા. અહીં તેમણે બે ચિત્રો આલેખ્યાં : ‘ઍક્સ્ટસી ઑવ્ સેંટ ટેરેસા’ (1654) તથા ‘એઝમ્પ્શન’. આ બંને ચિત્રો નિષ્પ્રાણ જણાય છે. કૅરોનો શ્રેષ્ઠ સર્જનાત્મક તબક્કો તો ક્યારનો પૂરો થઈ ચૂક્યો હતો.
અમિતાભ મડિયા