કૅરિબિયન ડેવલપમેન્ટ બૅંક : કૅરિબિયન વિસ્તારના દેશોના ઝડપી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સ્થાપવામાં આવેલી પ્રાદેશિક વિકાસ બૅંક (1970). કૅરિબિયન સહિયારા બજારની સ્થાપના(1973)ને પગલે પગલે આ બૅંકની સ્થાપના કરવામાં આવી છે. મુખ્ય કાર્યાલય બાર્બાડોસ ખાતે વિદેશી મૂડીરોકાણ તથા વિદેશી વ્યાપારના ક્ષેત્રમાં આંતરપ્રાદેશિક સ્પર્ધાને સ્થાને પરસ્પર સહકાર અને નીતિવિષયક સંકલન દ્વારા સમાન પ્રાદેશિક ભૂમિકા તૈયાર કરીને મોટા દેશો સાથેના આર્થિક અને નાણાકીય વ્યવહારોમાં સમાન ધોરણે સંયુક્ત મંચ રચવો એ આ બૅંકનો મુખ્ય અભિગમ રહેલો છે. ઉપરાંત, બક સાથે સંલગ્ન કૅરિબિયન દેશો વચ્ચે સમાન નાણાકીય સેવાઓ ઊભી કરવી એ પણ આ સંસ્થાનો એક ઉદ્દેશ છે.
કૅરિબિયન વિસ્તારના દેશોમાં કૃષિ તથા ઔદ્યોગિક પરિયોજનાઓ માટે આ બક હળવા વ્યાજે ધિરાણ (soft loans) કરે છે તેમજ આર્થિક સહાય પૂરી પાડે છે. તેના 20 પ્રાદેશિક સભ્યો અને 5 અન્ય સભ્યો કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુ.કે. છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે