કૅરિકેસી (પપેયેસી) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે. આ કુળમાં 4 પ્રજાતિઓ (Carica, Cylicomorpha, Jacaratia અને Jarilla) અને 55 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કુળની વનસ્પતિઓ પોચા પ્રકાંડવાળાં, નાનાં તાડ જેવાં વૃક્ષ, ક્ષુપ કે શાકીય ભૂપ્રસારી (prostrate), (દા.ત., Jarilla) હોય છે. તેમનું પ્રકાંડ રસાળ (succulent) અથવા અરસાળ (non-succulent) હોય છે. તેઓ ક્ષીરવાહી (laticiferous) અને સ્થૂળ-સ્તંભી (pachycaul) સામાન્યત: અશાખિત પ્રકાંડ અને પર્ણમુકુટ ધરાવતી વનસ્પતિઓ] અથવા તનુસ્તંભી (leptocaul) હોય છે. પર્ણો સાદાં કે સંયુક્ત, એકાંતરિક, સદંડી, મોટાં, પંજાકાર [પર્ણિકાઓ કેટલીક વાર પક્ષવત્ (pinnately) ખંડોવાળી]; પર્ણદલ (lamina) સાદું હોય ત્યારે અખંડિત કે ભાગ્યે જ વિચ્છેદિત (dissected), સામાન્યત: પાણિવત્દર (palmatifid) કે ક્વચિત્ પક્ષવતદર (pinnatifid), મોટેભાગે અનુપપર્ણીય (exstipulate) કે ઉપપર્ણીય (stipulate) હોય છે. જો ઉપપર્ણો હોય તો કંટકીય હોય છે.
વનસ્પતિઓ તેમના પ્રકાંડ અને પર્ણની અંત:સ્થરચનામાં ક્ષીરવાહી પેશીઓ ધરાવે છે; જે સંધિત (articulated) અને શાખામિલની (anastomosing) હોય છે. પર્ણોમાં આવેલાં રંધ્રો અનિયમ-કોષી (anomocytic) હોય છે. પર્ણદલ પૃષ્ઠવક્ષી (dorsiventral) હોય છે. મધ્યપર્ણ (mesophyll) પેશીમાં કૅલ્શિયમ ઑક્સેલેટના સ્ફટિકો પુંજ સ્વરૂપે જોવા મળે છે. બાહ્યકીય (cortical) વાહીપુલો જોવા મળતા નથી.
વનસ્પતિઓ એકગૃહી (monoecious) કે દ્વિગૃહી (dioecious) હોય છે. નર પુષ્પોમાં સ્ત્રીકેસરચક્ર અવશિષ્ટ હોય છે અથવા તો તેનો અભાવ હોય છે.
પુષ્પો એકાકી અથવા અગ્રીય કે કક્ષીય પરિમિત પુષ્પવિન્યાસમાં ગુચ્છિત થયેલાં; નિયમિત, પંચાવયવી, ચક્રીય (cyclic) અને મુક્ત હાઇપેન્થિયમ (hypanthium) ગેરહાજર હોય છે.
વજ્ર 5 નાનાં વજ્રપત્રોનું બનેલું, એકચક્રીય, મુક્તવજ્રપત્રી (polysepalous) કે યુક્ત વજ્રપત્રી, હોય છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો, એકચક્રીય, યુક્તદલપત્રી (gamopetalous), વ્યાવર્તિત (contorted) કે ધારાસ્પર્શી (valvate) હોય છે. નર પુષ્પોમાં લાંબી અને માદા પુષ્પોમાં ટૂંકી દલપુંજનલિકા હોય છે.
નર પુષ્પોમાં પુંકેસરચક્ર 5 કે 10 પુંકેસરોનું બનેલું હોય છે. પુંકેસરો દલપુંજનલિકાની ગ્રીવા સાથે જોડાયેલાં, દલપત્રો સાથે સમાવયવી (isomerous) કે દ્વિ-આવર્તપુંકેસરી (diplostemonous), વજ્રસંમુખ (oppositisepalous), તંતુમય કે અદંડી હોય છે. પરાગાશયનું સ્ફોટન લંબવર્તી વિપાટન દ્વારા થાય છે. પરાગાશય અંતર્ભૂત (introse), ચતુર્બીજાણુધાનીય (tetrasporangiate) અને ઉપાંગીય (appendaged) હોય છે. જો ઉપાંગ હોય તો ટૂંકી લંબાયેલી સંયોગી(connective)પેશીમાંથી ઉત્પન્ન થાય છે. સ્ફોટીસ્તર (endothecium) તંતુમય અને પરાગાશયનું અધિસ્તર દીર્ઘસ્થાયી (persistent) હોય છે. લઘુબીજાણુજનન સમકાલિક (simultaneous) હોય છે. આરંભિક લઘુબીજાણુ-ચતુષ્ક (microspore-tetrads) ચતુષ્ફલકીય (tetrahedral) હોય છે. પરાગાશયની દીવાલ શરૂઆતમાં એક મધ્યસ્તર ધરાવે છે. પોષકસ્તર (tapetum) ગ્રંથિમય હોય છે. પરાગરજ ત્રિછિદ્રિષ્ઠ, છિદ્રક-વિદરકી (colporate) અને દ્વિકોષીય હોય છે.
સ્ત્રીકેસરચક્ર 5 સ્ત્રીકેસરોનું બનેલું, અંશત: દલાભ (petaloid) દા.ત., પરાગાસનો દલાભ કે અદલાભ (non-petaloid), સમાવયવી, યુક્તસ્ત્રીકેસરી (syncarpous), અને ઊર્ધ્વસ્થ હોય છે. બીજાશય એકકોટરીય કે પંચકોટરીય હોય છે. પરાગવાહિની 1 કે 5, મુક્ત કે અંશત: જોડાયેલી અને અગ્રસ્થ હોય છે. પરાગાસનો પાંચ, શુષ્ક પ્રકારનાં અને પિટિકામય (papillate) હોય છે. એકકોટરીય બીજાશયમાં જરાયુવિન્યાસ ચર્મવર્તી (parietal) પ્રકારનો અને બહુકોટરીય બીજાશયમાં અક્ષવર્તી (axile) પ્રકારનો હોય છે. એકકોટરીય બીજાશયમાં 50-100 અથવા તેથી વધારે અંડકો અને બહુકોટરીય બીજાશયમાં પ્રત્યેક કોટરમાં 30-50 કે વધારે અંડકો હોય છે. અંડક અધોમુખી (anatropous), દ્વિઅંડાવરણીય અને સ્થૂલપ્રદેહી (crassinucellate) હોય છે. ભ્રૂણપુટવિકાસ પોલીગોનમ પ્રકારનો હોય છે. પ્રતિધ્રુવકોષો (antipodal cells), 3 અને અલ્પજીવી હોય છે. સહાયક કોષો (synergids) ટોચ ઉપરથી પહોળા અને તંતુરૂપ (filiform) સાધન ધરાવે છે. ભ્રૂણપોષનું નિર્માણ કોષકેન્દ્રીય પ્રકારનું જોવા મળે છે. ભ્રૂણજનન દરમિયાન શરૂઆતમાં અનિયમિત વિભાજનો થાય છે.
ફળ માંસલ, અસ્ફોટક, અનષ્ઠિલ (berry) પ્રકારનું હોય છે. બીજ ભ્રૂણપોષી (endospermic) હોય છે. ભ્રૂણપોષ તૈલી હોય છે. ભ્રૂણ સારી રીતે વિભેદિત થયેલો હોય છે. બીજપત્રો 2, પહોળાં અને ચપટાં હોય છે. ભ્રૂણ ક્લૉરોફિલવિહીન (1/1) અને સીધો હોય છે.
વનસ્પતિમાં રાઈનું તેલ ઘણી વાર જોવા મળે છે. તે અસાયનોજનીય (noncynogenic) હોય છે. અને આલ્કેલૉઇડ (કાર્પેઇન) હોય છે અથવા હોતાં નથી. સેપોનિન/સેપેનોજેનિન હાજર કે ગેરહાજર હોય છે. Caricaમાં C3 ચક્ર જોવા મળે છે.
આ કુળને ઉપવર્ગ ડાઇકોટીલેડોની, સ્થૂલપ્રદેહી; ડ્હાલગ્રેનના ઉપરિગોત્ર વાયોલીફ્લૉરી અને ગોત્ર વાયોલેલ્સમાં ક્રૉન્ક્વિસ્ટના ઉપવર્ગ ડિલેનિડી, ગોત્ર વાયોલેલ્સમાં મૂકવામાં આવે છે.
પપૈયા(Carica papaya)માંથી ખાદ્યફળ પ્રાપ્ત થાય છે.
બળદેવભાઈ પટેલ