કૅમ્બ્રિયન રચના : પ્રથમ જીવયુગની છ ખડકરચનાઓ પૈકી જૂનામાં જૂની, ખડકરચના. આ રચના તૈયાર થવા માટેનો સમયગાળો એટલે કૅમ્બ્રિયન કાળ. ભૂસ્તરીય ઇતિહાસના ભૂતકાળમાં 10 કરોડ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલો કૅમ્બ્રિયન કાળ આજથી 60 કરોડ વર્ષ પૂર્વે શરૂ થયેલો અને 50 કરોડ વર્ષ પૂર્વે પૂરો થયેલો. આ રચના માટે સેજવિકે 1835માં આપેલું ‘કૅમ્બ્રિયન’ નામ ઇંગ્લૅન્ડમાં પશ્ચિમે આવેલા, કૅમ્બ્રિયન ખડકો માટે વિશિષ્ટ વિસ્તાર ગણાતા વેલ્સના જૂના રોમન નામ ‘કૅમ્બ્રિયા’ પરથી ઊતરી આવેલું છે. સ્તરવિદ્યાની ર્દષ્ટિએ બ્રિટિશ ટાપુઓમાં કૅમ્બ્રિયન રચના એ જીવાવશેષોની પ્રાપ્તિ માટેની જૂનામાં જૂની રચના ગણાય છે, જે અન્ય સ્થળોના તે સમયના સ્તરોના સહસંબંધ તેમજ વયનિર્ણય માટે નિર્ણાયક બની રહે છે. કૅમ્બ્રિયન સમયના ખડકસ્તરો નીચે તરફ પ્રિ-કૅમ્બ્રિયન વયના ખડકોથી અને ઉપર તરફ ઑર્ડોવિસિયન વયના ખડકોથી સ્પષ્ટ અસંગતિને કારણે જુદા પડે છે. કૅમ્બ્રિયન – ઑર્ડોવિસિયન વચ્ચે આવેલી ટ્રેમેડૉક શ્રેણી કૅમ્બ્રિયનની સૌથી ઉપરની શ્રેણી છે કે ઑર્ડોવિસિયનની નિમ્નશ્રેણી છે તે અંગે સ્તરવિદોમાં દ્વિધા પ્રવર્તતી હોવાથી તેને સંક્રમણ શ્રેણી (transitional series) તરીકે ગણાવવામાં આવેલી છે.
પ્રાચીન ભૌગોલિક સંજોગો : પ્રિ-કૅમ્બ્રિયન સમયે તૈયાર થયેલા, વાયવ્ય યુરોપથી આટલાન્ટિક થઈને ઉત્તર અમેરિકા સુધી ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલા, લાંબા, ઊંડા, વિશાળ યુરો-અમેરિકન ભૂસંનતિમય થાળામાં કૅમ્બ્રિયન રચનાની નિક્ષેપક્રિયા શરૂ થાય છે. પ્રારંભે છીછરું રહેલું આ થાળું નિક્ષેપક્રિયાની સાથે સાથે ઊંડું બને છે, જે કૅમ્બ્રિયનના અંત વખતે ભરાઈ જતાં ફરીથી છીછરું બની રહે છે. આ પ્રકારના સંજોગો હેઠળ બ્રિટિશ ટાપુઓમાં તૈયાર થયેલા કૅમ્બ્રિયન ખડક સ્તરોનો સ્તરાનુક્રમ નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવેલો છે :
કૅમ્બ્રિયન કાળ દરમિયાન તૈયાર થયેલા મહત્વના ખડકો પૈકી કોંગ્લૉમરેટ, રેતીખડકો, ક્વાર્ટઝાઇટ અને સ્લેટનો સમાવેશ કરી શકાય. કૅમ્બ્રિયનના અંતિમ ચરણ વખતે જ્વાળામુખીનું પ્રસ્ફુટન થયેલું અને તેની સાથે નાના પાયા પર અંતર્ભેદનો પણ થયેલાં.
કૅમ્બ્રિયન સમયમાં મોટાભાગના અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાયો મળી આવતા હોવા છતાં ભૂસ્તરીય રીતે પ્રાધાન્ય ધરાવતા જીવાવશેષો બહુ જ ઓછા છે.
ત્રિખંડી (arthropoda-trilobite) વિપુલ પ્રમાણમાં મળે છે. બ્રૅકિયોપૉડા પણ સર્વસામાન્ય બની રહે છે. ગ્રેપ્ટોલાઇટ સર્વપ્રથમ ટ્રેમેડૉકમાં દેખાય છે. ત્રિખંડી જીવાવશેષોની મદદથી કૅમ્બ્રિયન ખડકસ્તરોનું વિભાગીકરણ શક્ય બન્યું છે. ઓલિનેલસ, પૅરેડૉક્સાઇડ, ઓલિનસ વગેરે જેવા ત્રિખંડી જીવાવશેષો વિભાગીકરણ માટે નિર્દેશક જીવાવશેષો (zonal indices) બની રહ્યા છે. આ ઉપરાંત ઑર્થિસ, લિંગ્યુલા, ટીચોપારિયા, નિયોબોલસ, એગ્નોસ્ટસ, હાયોલિથ્સ જેવા અન્ય જીવાવશેષો પણ અગત્યના છે.
ભારતમાં કૅમ્બ્રિયન વયના દરિયાઈ ઉત્પત્તિવાળા જીવાવશેષયુક્ત ખડકો માત્ર બાહ્ય દ્વીપકલ્પ વિસ્તારના સૉલ્ટ રેન્જ, સ્પિટિ અને કાશ્મીરમાં મળી આવે છે.
- સૉલ્ટ રેન્જના પૂર્વ ભાગમાં એકમેકને સંગત સ્તરાનુક્રમવાળો, જાડાઈવાળો, પાંચ વિભાગોમાં વહેંચાયેલો ખડકસ્તરસમૂહ મળે છે.
સૉલ્ટ સ્યુડોમોર્ફ શેલ; 137 મીટર | : | ક્ષાર સ્ફટિકોના મૃદ્ પરરૂપ
સહિતના મૃણ્મય સ્તરો |
મૅગ્નેશ્યન રેતીખડક; 76 મીટર | : | ડૉલોમાઇટયુક્ત
પડરચનાવાળા રેતીખડકો |
નિયોબોલસ શેલ; 30 મીટર | : | જીવાવશેષયુક્ત શેલ ખડકો |
પર્પલ રેતીખડક; 137 મીટર | : | પૂર્ણસ્તરરચનાવાળા
રેતીખડકો, તળભાગમાં શેલ સહિત |
સેલાઇન શ્રેણી; 457 મીટર (?) | : | વિપુલ ક્ષારયુક્ત, ચિરોડી-
યુક્ત, ડૉલોમાઇટ સહિત સખત માટીના માર્લ ખડકો |
આ પૈકીના નિયોબોલસ સ્તરોમાંના જીવાવશેષો યુરોપના કૅમ્બ્રિયનને સમકક્ષ હોવાથી સાથે સંકળાયેલી સમગ્ર નિક્ષેપશ્રેણીને કૅમ્બ્રિયન વયમાં મૂકે છે. સેલાઇન શ્રેણીનાં યુગ અને ઉત્પત્તિ માટે ભારતીય ભૂસ્તરશાસ્ત્રીઓમાં મતમતાંતર પ્રવર્તે છે. સ્તરાનુક્રમને આધારે તેને કૅમ્બ્રિયનની તલશ્રેણી તરીકે ગણાવી શકાય, પરંતુ પર્પલ રેતીખડક સાથેના તેના રચનાત્મક સંબંધો તેમજ સહસંબંધિત લક્ષણો પરથી કેટલાક સ્તરવિદો તેને ‘ઇયોસીન’ વયની હોવાનું માનવા પ્રેરાય છે કારણ કે અહીં પ્રત્યક્ષ દેખાતું તેનું નિમ્નતમ સ્થાન અતિધસારા (over thrust) જેવી ભૂસંચલનની પ્રક્રિયાને જવાબદાર લેખાવે છે. આ શ્રેણીમાંથી દર વર્ષે અન્ય ક્ષારો ઉપરાંત હજારો ટન સિંધવ મેળવવામાં આવતું હોઈને તેની આર્થિક અગત્ય ઘણી વધી જાય છે. અન્ય સ્તરશ્રેણીઓમાં વિમાર્ગી પ્રસ્તરરચના, આતપ-તડો, વર્ષાબિંદુ છાપ, કૃમિદર વગેરે જેવા પુરાવા કૅમ્બ્રિયન રચના છીછરા-જળની દરિયાઈ ઉત્પત્તિવાળી નિક્ષેપરચના હોવાનું પુરવાર કરે છે.
જીવન : અહીં કૅમ્બ્રિયન યુગના મુખ્ય જીવાવશેષોમાં ત્રિખંડી બ્રૅકિયોપૉડ, પ્ટેરોપૉડ અને ક્રિનોઇડના સમૂહનો સમાવેશ થાય છે. આ પ્રત્યેક સમૂહ અસંખ્ય જાતિ-ઉપજાતિઓ દ્વારા દર્શાવાય છે જે પૈકી ત્રિખંડી મુખ્ય જીવનસમૂહ ગણાય છે.
- સ્પિટિ વિસ્તારના કૅમ્બ્રિયન ખડકો અતિવિકૃત વૈક્રિતા (Vaikrita) શ્રેણી(ધારવાડ વય)ના શિસ્ટ ખડકોની ઉપર રહેલા મળે છે. તે ખૂબ જ ગેડીકરણ અને વિક્ષેપ પામેલા અતિશય જાડાઈવાળા હોવાથી તેમને નિમ્ન, મધ્ય અને ઊર્ધ્વ એ પ્રમાણેના ત્રણ વિભાગોમાં વહેંચેલા છે. હિમાલયનાં ઉન્નત, હિમાચ્છાદિત શિખરોમાં આ ખડકો મળતા હોવાથી તેને ‘હેમન્તા રચના’ નામ આપેલું છે. તેમાં મુખ્યત્વે સ્લેટ, ક્વાર્ટ્ઝાઇટ અને શેલ-ડૉલોમાઇટના આંતરસ્તરો જોવા મળે છે. હેમન્તા રચનાનો ઊર્ધ્વ વિભાગ વિવિધ જીવાવશેષોવાળો હોવાથી સ્પષ્ટપણે દરિયાઈ ઉત્પત્તિવાળો છે તેથી યુરોપના મધ્ય કૅમ્બ્રિયનને સમકક્ષ ગણાયો છે. સ્પિટિ નદીની પારાહીઓ શાખાની ખીણમાં આ ખડકો પૂર્ણ વિકસિત સ્થિતિમાં જોવા મળે છે.
- કાશ્મીરમાં જેલમ નદીની ઉત્તરે બારામુલ્લા વિસ્તારના પર્વતોમાં જીવાવશેષવાળા કૅમ્બ્રિયન ખડકોની સ્તરબદ્ધ શ્રેણી પુરાના વયના ડોગ્રા સ્લેટની ઉપર સંગતપણે રહેલી છે. તે જીવાવશેષોવાળા માટીખડકો, સ્લેટ, ગ્રેવેક, રેતીખડકો, ક્વાર્ટ્ઝાઇટ અને ચૂનાખડકોથી બનેલા છે. આ ઉપરાંત હિમાલયમાં કુમાઉંમાં, લિડાર ખીણમાં, સિંધુની ખીણમાં તેમજ કુલુની ઉત્તરે તથા લાહૌલમાં પણ કૅમ્બ્રિયન ખડકો જોવા મળે છે.
હાલના મધ્ય અને બાહ્ય હિમાલયના વિસ્તારોને આવરી લેતા પ્રિ-કૅમ્બ્રિયન તેમજ કૅમ્બ્રિયન સહિતના પેલિયોઝોઇક ખડકોની પ્રાપ્તિ, એ કાળમાં અહીં અચોક્કસ સીમાઓ ધરાવતા સમુદ્રનું અસ્તિત્વ હોવાનું પુરવાર કરે છે. નવા સમયના ટેથિસનો પુરોગામી આ પુરાણો સમુદ્ર, અહીંથી દક્ષિણના મુખ્ય જમીનવિસ્તારની પેલિયોઝોઇક કાળ પહેલાંની જૂની ભૂમિ પરના નીચાણવાળા વિસ્તારમાં અસ્તિત્વમાં આવ્યો હોવો જોઈએ. અન્ય એક સંજોગ પણ નોંધવો જરૂરી બને છે કે કાશ્મીર વિસ્તારના કૅમ્બ્રિયન જીવાવશેષોનો સમૂહ સૉલ્ટ રેન્જ(જે કાશ્મીરથી માત્ર 240 કિમી.ના અંતરે હોવા છતાં)ના જીવાવશેષોથી જુદો પડે છે, જે ઉત્તર ભારત, ઇન્ડોચીન અને ઉત્તર અમેરિકાના કૅમ્બ્રિયન પ્રાણી-અવશેષો સાથે વધુ સામ્ય ધરાવે છે. આ બાબત સૂચવે છે કે કાશ્મીર અને સૉલ્ટ રેન્જ કોઈક સાંકડી ગિરિમાળા(સંભવિતપણે કિરાના અને સાંગલાની ટેકરીઓ અહીં સુધી વિસ્તરેલી હોય !)થી અલગ પડતા હોય, જેથી જુદો જળવિભાજક થવાને કારણે અલગ અલગ આબોહવા રહેવાથી જીવન-સ્વરૂપોમાં ફેરફાર થયો હોય ! (ઍન્ડીઝ ગિરિમાળાથી પશ્ચિમ પેરૂનો રણપટ્ટો ઍમેઝોન ખીણથી આ રીતે જ જુદો પડે છે.)
ગિરીશભાઈ પંડ્યા