કૅમ્પેન્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. (લૉબેલીઓઇડી સહિત) લગભગ 60 પ્રજાતિ અને 1500 જાતિઓનું બનેલું છે. મોટી પ્રજાતિઓમાં Campanula (230 જાતિઓ), Lobelia (225 જાતિઓ), Siphocampylus (200 જાતિઓ), Centropogon (200 જાતિઓ), Wahlenbergia (70 જાતિઓ), Phyteama (40 જાતિઓ), Cyanea (50 જાતિઓ) અને Lightfootia(40 જાતિઓ)નો સમાવેશ થાય છે.

આકૃતિ : કૅમ્પેલ્યુનેસી. Campanula latifolia : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પનો ઊભો છેદ, (ઇ) બીજાશયનો આડો છેદ, (ઈ) પ્રાવર, (ઉ) બીજાશય ઉપર ગ્રંથિ.

આ કુળની વનસ્પતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, શાકીય કે ઉપક્ષુપ (subshrub), ભાગ્યે જ વૃક્ષ (દા.ત., Clermontia spp. 18 મી. ઊંચું વૃક્ષ છે.) સ્વરૂપ ધરાવે છે. ક્ષીરરસ પાણી જેવો કે દૂધ જેવો હોય છે. પર્ણો સાદાં, એકાંતરિતક, કે ભાગ્યે જ સંમુખ [Ostrowskia અને Siphocampylusમાં ચક્રિલ (whorled) હોય છે.] અને અનુપપર્ણીય (estipulate) હોય છે. પુષ્પવિન્યાસ મૂળભૂત રીતે પરિમિત દ્વિશાખી (dichasial) કે એકશાખી (monochasial) હોય છે, છતાં કલગી (racemose) દ્રાક્ષશાખી (thyrsiform) કે લઘુપુષ્પગુચ્છ (paniculate) જેવો દેખાવ ધારણ કરે છે. પુષ્પ સામાન્યત: નિપત્રી (bract) અને નિપત્રિકા (bracteole) યુક્ત, નિયમિત કે અનિયમિત, દ્વિલિંગી, ઉપરિજાયી (epigynous) હોય છે. વજ્ર 5 વજ્રપત્રોનું બનેલું અને કોરછાદી (imbricate) કે ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપુંજ સામાન્યત: 5 દલપત્રોનો બનેલો સમાન, ઘંટાકાર (campanulate) અથવા નલિકાકારથી માંડી દ્વિઓષ્ઠીય (bilabiate) હોય છે. મોટાભાગની પ્રજાતિઓમાં યુક્તદલપત્રી (gamopetalous) હોય છે. પુંકેસરચક્ર દલપત્રોની સંખ્યા જેટલા પુંકેસરોનું બનેલું હોય છે. તેઓ એકાંતરિક, મુક્ત અથવા વિવિધ રીતે જોડાયેલા હોય છે. પુંકેસરતંતુઓ તલપ્રદેશે પહોળા બની મધુગ્રંથિમય ઉપરિજાયી બિંબ (disc) પર ઘુંમટાકારનું કોટર બનાવે છે અને દલલગ્ન (epipetalous) હોય છે. પરાગાશય દ્વિખંડી, અંતર્ભૂત (introse), મુક્ત (distinct), સંબદ્ધિત (coherent) કે સહજાત (connate) હોય છે. સ્ત્રીકેસરચક્ર 2 અથવા 5 સ્ત્રીકેસરોનું બનેલું અને યુક્ત હોય છે. બીજાશય અધ:સ્થ હોય છે. જરાયુવિન્યાસ (placentation), અક્ષવર્તી (axile), 2, 3, 5 અથવા ભાગ્યે જ 10 ખંડી [આ ખંડો કૂટપટ(false septum)ના નિર્માણ દ્વારા થાય છે.] કે Downingia, Legenere અને Howelliaમાં ચર્મવર્તી (parietal) જરાયુઓ સહિત એકકોટરીય હોય છે. અંડકો અસંખ્ય અને અધોમુખી (anatropous) હોય છે. Merciera અને Siphocodonમાં અંડકો ઓછાં અને તલસ્થ જરાયુ પર ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની એક, પાતળી, કેટલીકવાર 2-5 શાખિત અને પરાગાસન સામાન્યત: 2-5 ખંડી હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું અને અગ્રભાગે ફાટો પડતાં (દા.ત., Lobelia, Wahlenbergia) અથવા અનુપ્રસ્થ સ્ફોટન દ્વારા (દા.ત., Lysipomia) કે અગ્રસ્થ કે તલસ્થ છિદ્રો દ્વારા સ્ફોટન થાય છે, અથવા કેટલીકવાર અનષ્ઠિલ [(berry), દા.ત., Centropogon, Canarina)] પ્રકારનું હોય છે. બીજા નાનાં હોય છે. ભ્રૂણ સીધો અને ભ્રૂણપોષ વિપુલ પ્રમાણમાં હોય છે.

આ કુળની ઘણી વનસ્પતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે; જેમાં Campanula, Lobelia, Wahlenbergia, Edrianthus, Codonopsis, Platycodon, Adenophora, Specularia વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ કુળની 3 પ્રજાતિઓ મળે છે. સેક્સટન અને સેજવિકે (1918) Sphenocleaની તલોદ વિસ્તારના ખાબોચિયાંઓમાં તેની નોંધ લીધી છે. Campanula છોટાઉદેપુરનાં જંગલોમાં કવચિત્ જ મળી આવે છે. Wahlenbergia ડાંગમાં ઉનાઈ અને આંબાપાડા પાસેની નદીઓના પટમાં અને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કૅમ્પસ પર માર્ચ માસમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

બળદેવભાઈ પટેલ