કૅમ્પૅન્ડૉન્ક – હીન્રીખ

January, 2008

કૅમ્પૅન્ડૉન્ક, હીન્રીખ (Campendonk, Heinrich) (જ. 3 નવેમ્બર 1889, ક્રેફેલ્ડ, જર્મની; અ. 9 મે 1957, ઍમસ્ટર્ડૅમ, નેધર્લૅન્ડ્ઝ) : જર્મન અભિવ્યક્તિવાદી (expressionist) ચિત્રકાર. ક્રેફેલ્ડ ખાતેની કલાશાળા સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ્સ ખાતે ચિત્રકાર થૉર્ન-પ્રીકર પાસે તેમણે 1905થી 1909 સુધી કલાનો અભ્યાસ કર્યો. 1911માં તેઓ સિન્ડેસ્ડૉર્ફ ગયા અને ત્યાં અભિવ્યક્તિવાદી ચિત્રકારો માર્ક અને માકે સાથે દોસ્તી કરી. વિન્સેન્ટ વાન ગોઘ અને પૉલ સેઝાંનાં ચિત્રોથી તેઓ પ્રભાવિત થયા. માર્ક સાથેની દોસ્તીથી કૅમ્પૅન્ડૉન્કે ઘનવાદી શૈલીથી પારદર્શક-અર્ધપારદર્શક આકૃતિઓ આલેખવી શરૂ કરી. આ આકૃતિઓ મુખ્યત્વે પશુપંખીઓ અને વનસ્પતિની હતી. પ્રાથમિક શ્રેણીના ભડક એવા મૂળ રંગો અને જાડી પીંછીથી થતું આલેખન એમની ચિત્રકલાની લાક્ષણિકતા બની રહ્યું. ઘણાં ચિત્રોમાં માનવીની આકૃતિને તેમણે પશુપંખીઓ અને પ્રકૃતિની સહોપસ્થિતિમાં સામંજસ્યપૂર્ણ માહોલમાં આલેખી છે. 1913 પછી એમનાં ચિત્રો અમૂર્ત થતાં ગયાં, કારણ કે આકૃતિઓ દેખીતા વિશ્વમાંથી ઓળખી શકાય તેવી રહી નહિ.

હીન્રીખ કૅમ્પૅન્ડૉન્ક

1913માં કૅમ્પૅન્ડૉન્કે બર્લિન ખાતે યોજાયેલા આધુનિક જર્મન ચિત્રકલાના પ્રદર્શનમાં ભાગ લીધેલો. 1914થી 1916 સુધી તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મન લશ્કરમાં સૈનિક તરીકે સેવા આપી હતી. 1922થી 1926 સુધી તેમણે ક્રેફેલ્ડ ખાતે એક શાળામાં કલાઅધ્યાપન કર્યું. 1926થી 1934 સુધી તેઓ ડુસેલ્ડૉર્ફની સ્ટેટ એકૅડેમી ઑવ્ આર્ટમાં કલાના પ્રાધ્યાપક બન્યા. 1934થી 1935 સુધી તેમણે બેલ્જિયમમાં નિવાસ કર્યો. 1935થી 1957 સુધી તેમણે ઍમસ્ટર્ડૅમમાં સ્થાનિક કલાશાળામાં અધ્યાપન કર્યું. 1937માં નાત્ઝી હકૂમતે જર્મનીના મ્યુઝિયમોમાં રહેલા કૅમ્પૅન્ડૉન્કનાં 87 ચિત્રો બાળી મૂકી તેમને ‘સડેલા’ જાહેર કર્યા હતા !

અમિતાભ મડિયા