કૅમેરૂન : પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકાની વચમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 6o 00 ઉ. અ. અને 12o 00 પૂ. રે.. તેનું સત્તાવાર નામ રિપબ્લિક ઑવ્ કૅમેરૂન છે. તેની વાયવ્યમાં નાઇજીરિયા, ઈશાનમાં ચાડ, પૂર્વમાં મધ્ય આફ્રિકાનું પ્રજાસત્તાક, દક્ષિણમાં કાગો, વિષુવવૃત્તીય ગીની અને ગેબન તથા નૈર્ઋત્યમાં આટલાન્ટિક મહાસાગર છે. આ દેશનો વિસ્તાર 4,75,442 ચો. કિમી. છે.
કૅમેરૂન ચાર પ્રાકૃતિક વિભાગોમાં વહેંચાયેલો છે. દક્ષિણનો સરેરાશ 300 મી. ઊંચાઈ ધરાવતો પ્રદેશ ગાઢ જંગલવાળો છે. મધ્ય ભાગ 800 મી.થી 1500 મી. ઊંચો છે. સમુદ્ર નજીકનાં મેદાનો ઉચ્ચપ્રદેશને આટલાન્ટિક મહાસાગરથી જુદો પાડે છે, જ્યારે છેક ઉત્તરમાં સવાના પ્રકારનાં ઊંચાં ઘાસનાં મેદાનોનો ચાડ સરોવર તરફ ઢળતો પ્રદેશ છે.
ઉષ્ણકટિબંધીય આબોહવાના કારણે દેશનું સરેરાશ તાપમાન જાન્યુઆરીમાં 24.4o સે. અને જુલાઈમાં 22.8o સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1555 મિમી. જેટલો પડે છે. દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે બહુ થોડો તફાવત હોય છે. હવા ગરમ અને ભેજવાળી હોય છે.
દક્ષિણના ગરમ અને ભેજવાળા પ્રદેશનાં સતત લીલાં જંગલોમાં મેહૉગની, અબનૂસ જેવાં કઠણ લાકડાવાળાં વૃક્ષો. મધ્ય વિસ્તારમાં પર્ણપાતી અને નિત્ય લીલાં જંગલોનું મિશ્રણ તથા ઉત્તરના ભાગમાં ઊંચું ઘાસ અને નાનાં વૃક્ષો જોવા મળે છે.
કૅમેરૂનમાં જંગલી ભેંસ, સિંહ, હાથી, હિપોપોટેમસ, વિવિધ હરણાં, જિરાફ, વાંદરાં, દીપડો, વિરાટકાય દેડકો તથા વિવિધ પક્ષીઓ વસે છે.
રોકડિયા પાકની ખેતી, જંગલની પેદાશો અને મચ્છીમારી ઉપર દેશનું અર્થતંત્ર સામાન્ય રીતે નિર્ભર છે. કસાવા, શેરડી, જુવાર, શકરિયાં, કંદ, કઠોળ, બાજરી, મકાઈ, મગફળી, પામોલીન, કૉફી, કોકો, કેળાં, શિંગ અને કપાસ મુખ્ય પાક છે. જંગલની પેદાશમાં મુખ્યત્વે ઇમારતી લાકડું અને રબર ઉત્પન્ન થાય છે. કૅમેરૂનનું અર્થતંત્ર વિકસતું છે. ખેતીના પાકો વપરાશ પૂરતા છે. પશુપાલન-પ્રવૃત્તિ ચાલે છે.
કૅમેરૂનમાં લોખંડ, બૉક્સાઇટ, તાંબું, નિકલ અને ક્રોમિયમ વધતાઓછા પ્રમાણમાં મળે છે. કુદરતી તેલ, વિદ્યુતશક્તિ, કાગળ, કાપડ, પગરખાં, ઍલ્યુમિનિયમ, સિગારેટ અને પેટ્રોલિયમ-શુદ્ધીકરણ જેવા ભારે તેમજ હળવા ઉદ્યોગો ત્વરિત ગતિએ વધી રહ્યા હોવાથી કૅમેરૂન મહત્વનું ઔદ્યોગિક ક્ષેત્ર બની રહ્યું છે. રસ્તા, રેલવે, હવાઈ મથક તથા બંદરોની ફૂલગૂંથણીએ ઔદ્યોગિક વિકાસમાં મદદ કરી છે છતાં મોટા પાયા ઉપરના ઔદ્યોગિકીકરણ માટે વર્તમાન પરિવહનની સુવિધાઓ અપૂરતી છે.
કૅમેરૂનની પ્રજા સૌથી વધારે જાતિ-જૂથોમાં વહેંચાયેલી છે. તેમાં પાંચ જૂથ મુખ્ય છે. ઉત્તરમાં પ્રજા મોટેભાગે મુસ્લિમ છે. દક્ષિણમાં ખ્રિસ્તી છે. કૅમેરૂન મુખ્યત્વે ગ્રામીણ છે.
સ્વાતંત્ર્ય મળ્યા પછી શૈક્ષણિક સગવડમાં ઘણો વધારો થયો છે. અહીં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા છે. તબીબી સગવડ પણ હવે સુધરી છે. લોકો બાન્ટુ, સુદાનિક વગેરે ભાષા બોલે છે. પરંતુ સરકારી વ્યવહારમાં અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાનું ચલણ છે.
દેશની કુલ વસ્તી વિશ્વબૅન્ક દ્વારા દર્શાવેલી માહિતી અનુસાર 2.65 કરોડ (2020) જેટલી હતી. રાજધાનીનું શહેર યાઉન્દે દક્ષિણ મધ્ય-ભાગમાં આવેલું છે. ડુઆલા દેશનું સૌથી મોટું શહેર તેમજ મુખ્ય બંદર છે. તે કૅમેરૂન ઉપરાંત અન્ય બે દેશો – સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને ચાડનું પણ વ્યાપારી કેન્દ્ર છે.
ઇતિહાસ : દેશના પ્રાચીન ઇતિહાસ વિશે ઓછું જાણવા મળે છે. શુષ્ક સહરાના રણનો વસવાટ છોડીને ઉત્તરમાંથી સ્થાનાંતર કરનારાઓના સમયથી ઇતિહાસની શરૂઆત થઈ છે. થોડી સદીઓ અગાઉ ફૂલાની લોકોએ ઉત્તર કૅમેરૂનમાં છૂટોછવાયો પ્રવેશ શરૂ કર્યો અને મુસ્લિમ રાજ્યોની સ્થાપના કરી. તેમનું અર્થતંત્ર આસપાસનાં બિનમુસ્લિમ પાડોશી રાજ્યોમાંથી પકડેલા ગુલામોના વેપાર અને ઢોરઉછેર ઉપર નભતું હતું. કૅમેરૂન 1884માં જર્મનીનો સંરક્ષિત પ્રદેશ બન્યું અને પ્રથમ વિશ્વયુદ્ધ સુધી જર્મન સંસ્થાન રહ્યું. 1922માં તેના બે ભાગલા પાડીને લીગ ઑવ્ નેશન્સના મેન્ડેટ મુજબ ફ્રેન્ચ અને બ્રિટિશ વહીવટ હેઠળ મૂકવામાં આવ્યું. મેન્ડેટ નીચેનાં આ બંને સંસ્થાનો 1946માં સંયુક્ત રાષ્ટ્રસંઘના વાલીપણા (trusteeship) નીચે મુકાયાં. 1960માં ફ્રેન્ચ વિસ્તાર સ્વતંત્ર દેશ બન્યો. એક વર્ષ પછી 1961માં બ્રિટિશ વિસ્તાર પણ તેમાં જોડાઈ ગયો. 1960થી 1982 સુધી કૅમેરૂન ઉપર અલહાજી અહમદુ અહિદ્જોનું શાસન રહ્યું. તેમણે રાજીનામું આપ્યા પછી પાઉલ બીયાએ શાસનની ધુરા સંભાળી છે.
જયન્તિલાલ પો. જાની