કૅમ : ચક્રીય ગતિને આવર્ત (reciprocating) ગતિ કે ત્રુટક (intermittent) ગતિમાં ફેરવવા કે તેનાથી ઊલટી ગતિ કરવા માટેનો યંત્રનો એક ભાગ. ‘કૅમ’ શબ્દ ઘણું કરીને કૉમ્બ (કૂકડાની કલગી) શબ્દની સાથે સંબંધ ધરાવે છે. આ શબ્દ દ્વારા તકતી કે ચક્રનો કૉમ્બનો આકાર સૂચવાય છે. સરળ રૂપે જોઈએ તો કૅમ પરિવર્તી
ત્રિજ્યા સાથે ભ્રમણ કરતી તકતી છે જેને એક બાજુએથી જોતાં તેની રૂપરેખા (profile) વર્તુળાકાર દેખાવાને બદલે ઉત્કેન્દ્રીય (eccentric) દેખાય છે. પરિભ્રમણ કરતી આ સપાટી સાથે એક દંડ અથવા ઉચ્ચાલનને છેડે એક નાનું સરકતું કે પરિભ્રમણ કરતું ચક્ર હોય છે, જે અનુગામી (follower) કહેવાય છે. તકતી પરિભ્રમણ કરે ત્યારે તેની ધાર કૅમ-અનુગામીને ધકેલતી હોય છે. ત્રિજ્યાના ફેરફારના જેટલો જ કૅમ-અનુગામી ઉપર કે નીચે સરકતો હોય છે. કૅમ-અનુગામી કૅમના સંપર્કમાં જ રહે તે માટે કમાન(spring)ની ગોઠવણ કરેલી હોય છે. (જુઓ આકૃતિ). તેમની ગતિ, પ્રારંભિક બળોને કાટખૂણે હોય છે. કેટલીક પદ્ધતિમાં પ્રણોદક-દંડ(push rod)ને સ્થાને, વાલ્વની ઉપર આવેલા સિલિન્ડર બ્લૉકને મથાળે કૅમશાફ્ટ બેસાડેલો હોય છે. તેથી ઑટોમોટિવ એન્જિનમાં કૅમનો ઉપયોગ, વાલ્વને ઉઘાડ-બંધ કરવા માટે થાય છે. કૅમ અને અનુયાયી જેવી, પરિવર્તનશીલ અને સાદી ડિઝાઇનની બીજી એક પણ યંત્રરચના નથી. પરંતુ કૅમ બનાવવો મુશ્કેલ અને મોંઘો પડે છે. તે ઘણી વાર દોલન ઉત્પન્ન કરી અવાજ ઉત્પન્ન કરે છે અને તેને કારણે જલદીથી ઘસાઈ જાય છે.
ધમણમાંનાં દોલન, પવનચક્કીનું નિયંત્રણ તથા વરાળયંત્રના વાલ્વની પ્રક્રિયામાં સમય જળવાઈ રહે તે માટે કૅમનો ઉપયોગ ખૂબ જાણીતો છે.
આજે આંતરિક દહન (internal combustion) એન્જિન, કાપડઉદ્યોગ, સીવવાના સંચા, બૂટ બનાવવાનાં મશીન, સ્વયંસંચાલિત મશીનટૂલ્સ, છાપકામનાં યંત્રો વગેરેમાં કૅમ એક અનિવાર્ય ઉપકરણ ગણાય છે. સ્વયંસંચાલિત લેથ મશીનમાં લેથ વડે થતા કાર્યની શ્રેણીબદ્ધ ક્રમિક પ્રક્રિયાઓનું સંચાલન જટિલ આકારના કૅમની મદદથી કરવામાં આવે છે.
હરેશ જયંતીલાલ જાની
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ