કૅબિનેટ ઑવ્ ડૉ. કેલિગુરી (1919) : જર્મન ફિલ્મ. નિર્માતા : એરિક પૉમર; દિગ્દર્શક : રૉબર્ટ વીની; પટકથા : કાર્લ મેયર, હૅન્સ જેનોવિટ્ઝ; પ્રથમ રજૂઆત : ફેબ્રુઆરી 1920, બર્લિન.
ફિલ્મકલામાં ‘અભિવ્યક્તિવાદ’ (expressionism) પ્રથમ પ્રગટ કરવાનો યશ આ ફિલ્મને પ્રાપ્ત થાય છે.
ફિલ્મની કથાનો પ્રારંભ જર્મનીના એક નાના ગામથી થાય છે, જ્યાં ડૉ. કેલિગુરીના આગમન સાથે ખૂનોની પરંપરા શરૂ થાય છે. સ્થાનિક મેળામાં ડૉ. કેલિગુરી લોકોને જાદુના ખેલ બતાવતો અને તંદ્રાધીન અવસ્થામાં રહેતા તેના તાબેદાર સીઝર પાસે હુકમનું પાલન કરાવતો. એક યુવતી જેઈનના પ્રેમમાં પડેલા બે મિત્રો એલન અને ફ્રાન્સિસ આ ખેલના સાક્ષી હોય છે. તંદ્રાધીન સીઝર એલનના મૃત્યુની આગાહી કરે છે અને તે રાત્રિએ એલનનું ખૂન થાય છે. ફ્રાન્સિસ રહસ્યમય કેલિગુરીનો પીછો કરે છે. સીઝર જેઈનનું અપહરણ કરીને નાસે છે અને તે નાસભાગમાં પછડાતાં સીઝર મરણ પામે છે. તપાસ દ્વારા જાણવા મળે છે કે સીઝર ત્યાંની ગાંડાની સ્થાનિક હૉસ્પિટલમાંથી નાસી છૂટેલો પાગલ દર્દી હતો. ડૉ. કેલિગુરી તે હૉસ્પિટલનો અધ્યક્ષ હતો અને અઢારમી સદીના મધ્યકાલીન ખૂની પ્રયોગો કરવાની ધૂન તેના માનસ પર સવાર હતી.
આ આખું કથાનક ફ્રાન્સિસના શબ્દોમાં ફિલ્મમાં દર્શાવાયું છે. ફિલ્મની શરૂઆત એક પાર્કમાં થાય છે. ફ્રાન્સિસ એક માણસ સાથે બેઠો છે. માનસિક રીતે ભાંગી પડેલી જેઈન તેમની સામેથી પસાર થઈ રહી છે. જેઈનની આ પરિસ્થિતિના સંદર્ભમાં ફિલ્મનું કથાનક ચાલે છે.
ફિલ્મને અંતે ર્દશ્ય ફ્રાન્સિસ ઉપર કેન્દ્રિત થાય છે ત્યારે પ્રેક્ષકોને ખ્યાલ આવે છે કે ફ્રાન્સિસ પણ ગાંડાની હૉસ્પિટલનો દર્દી છે. તેનો ડૉક્ટર તે ફ્રાન્સિસે વર્ણવ્યા મુજબનો ડૉ. કેલિગુરીની પ્રતિકૃતિ છે. ફ્રાન્સિસના કથન પછી તેને સારવાર આપતો તે ડૉક્ટર અંતે જણાવે છે કે ફ્રાન્સિસનો કેસ તે સંપૂર્ણ રીતે સમજી ચૂક્યો છે. ત્યાં ફિલ્મનો અંત આવે છે.
પૅરિસના એક છબીઘરમાં 1921માં જ્યારે તે રજૂઆત પામી ત્યારે એક જ છબીઘરમાં સતત સાત વર્ષ સુધીની અવિરત રજૂઆતનો વિશ્વવિક્રમ સ્થપાયો.
પીયૂષ વ્યાસ