કૅપ્લરનો ‘નોવા’ : કૅપ્લરના તારા તરીકે ઓળખાતો પરમ વિસ્ફોટજન્ય તારક (super nova). ખગોળીય વિષુવવૃત્ત ઉપર, વૃશ્ચિકથી ઉત્તરે આવેલા સર્પધર (Ophiuchus) નક્ષત્રમાં તેનો પરમ વિસ્ફોટ ઑક્ટોબર 1604માં થયો હતો. ખગોળશાસ્ત્રી યોહાનસ કૅપ્લરના મદદનીશ યાન બ્રુનોવ્સ્કીએ આ ધ્યાનાકર્ષક આગંતુકને પ્રથમ જોયો હતો. પરંતુ તેનો વ્યવસ્થિત અભ્યાસ કૅપ્લરે કર્યો હતો. તેથી તેને કૅપ્લરનો ‘નોવા’ કહ્યો છે. અત્યંત તેજસ્વી દેખાયો ત્યારે તે તારક ગુરુના ગ્રહ કરતાં પણ વધારે તેજસ્વી [તેજવર્ગ (magnitude) આશરે 2.5] જણાતો હતો. અઢાર માસ સુધી એટલે કે માર્ચ 1606 સુધી તે નરી આંખે જોઈ શકાતો હતો. આ નોંધપાત્ર ઘટનાએ ખગોળશાસ્ત્રી ગૅલિલિયોનું પણ ધ્યાન ખેંચ્યું હતું. શર્મિષ્ઠા (Cassiopeia) નક્ષત્રમાં નવેમ્બર 1572માં ર્દશ્યમાન થયેલા ટાયકો બ્રાહીના પરમ વિસ્ફોટજન્ય તારકની જેમ જ આ તેજસ્વી તારક દેખાતાં, ‘તારક જગત કદીય પરિવર્તન દાખવે જ નહિ’ એ રૂઢ માન્યતા પડી ભાંગવાની શરૂઆત થઈ અને છેવટે નાબૂદ થઈ ગઈ. આ તારકના કોઈ ર્દશ્યમાન અવશેષો આજે જોવા મળતા નથી.
હિંમતલાલ ચૂનીલાલ શુક્લ
પ્ર. દી. અંગ્રેજી