કૅપ્પેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્પેરેસી કુળની વૃક્ષ અને ઉન્નત અથવા ભૂપ્રસારી કે આરોહી ક્ષુપ સ્વરૂપ ધરાવતી એક પ્રજાતિ. દુનિયામાં તેની 270 જેટલી જાતિઓ થાય છે, તે પૈકી ભારતમાં 40 જેટલી જાતિઓ થાય છે. કેટલીક જાતિઓ આર્થિક અગત્ય ધરાવે છે. તેની જાણીતી જાતિઓમાં Capparis decidua Edgew (કેરડો, કેર), C. grandis L. (ડૂમરો, ધુતી), C. spinosa L. (કાંટાળો કંથેર), C. sepiaria L. (કંથેર), C. zeylanica L. syn., C. horrida Linn. f.(ગોવિંદફળ, ડાંભો)નો સમાવેશ થાય છે.

કેરડો, ડૂમરો, કાંટાળો કંથેર, કંથેર ગોવિંદફળ અને કાતર કે ઠીંકરી ગુજરાતમાં જોવા મળતી જાતિઓ છે. કંથેર તારંગા, અંબાજી અને ધાનેરા તરફ થાય છે.

C. decidua Edgew syn. C. aphylla Roth. (સં. કરીર; મ. નેબતી; હિં. કરીલ ટીંટ; ગુ. કેરડો, કેર; બહુશાખિત ક્ષુપ કે નાનું કાંટાળું વૃક્ષ છે. તેની કુમળી શાખાઓ પર શીઘ્રપાતી (caducous), નાનાં અને બહુ ઓછાં પર્ણો હોય છે. ઉપપર્ણો (stipules) કંટકીય હોય છે. તેનું પ્રકાંડ લીલું હોઈ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે (પર્ણકાર્યસ્તંભ – phylloclade). તે મરુનિવાસી વનસ્પતિ છે. તેનાં નાનાં, ગોળ, માંસલ ગુલાબી ફળો અને પુષ્પકલિકાઓ ખાદ્ય હોય છે અને તેનું અથાણું બનાવવામાં આવે છે. પુષ્પકલિકાઓનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. કેટલાક આ ફળોને છાશમાં મીઠું નાખી તેમાં ત્રણ દિવસ પલાળી રાખી, સૂકવી પછી તેનું શાક કરે છે. તેનાં પાકાં ફળોનો રંગ લાલ હોય છે. તેને પીચુ કહે છે. તેનાં ફળો સંકોચક (astringent) છે અને હૃદયરોગમાં તથા પિત્તપ્રકોપ(biliousness)માં ઉપયોગી છે. કુમળી શાખાઓ અને પર્ણો દાઝ્યા પર અને સોજા પર પ્લાસ્ટર તરીકે વપરાય છે. તેને ચૂસવાથી દાંતનો દુખાવો મટે છે. તેની છાલ તીખી, રેચક, પ્રસ્વેદક (diaphoratic), વિષનિવારક (alexteric) અને કૃમિનાશક (anthelmintic) હોય છે અને તે કફ, દમ અને સોજાની બળતરામાં ઉપયોગી છે. તેનું મૂળ અને મૂળની છાલ તીખાં અને કડવાં હોય છે અને આંતરિયા તાવ અને વામાં વપરાય છે.

આયુર્વેદ અનુસાર કેરડો ઉષ્ણ, તૂરો, તીખો, આધ્માનકારક, રુચિકર, ભેદક અને સ્વાદુ હોય છે. તે કફ, વાયુ, આમ, વિષ, સોજો, વ્રણશોથ, કૃમિ, ખરજ, અરુચિ, સર્વશૂળ અને શ્વાસનો નાશ કરે છે. તેનાં ફળ તીખાં, કડવાં, ઉષ્ણ, તૂરાં, વિકાસી, મધુર, ગ્રાહક, મુખને સ્વચ્છ કરનારાં, હૃદ્ય તેમજ રુક્ષ હોય છે. તે કફ, લેહ અને અર્શનો નાશ કરે છે. તેનાં પુષ્પો વાતકારક, તૂરાં અને કફ-પિત્તનાં નાશક હોય છે.

તેનું કાષ્ઠ હાથાઓ, ગાડાનાં પૈડાં, ધરી અને હોડીના ભાગો બનાવવામાં ઉપયોગી છે.

C. grandis Linn. (મ. કાંટેલ; ગુ. ધુતી, ડુમરો) નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી જાતિ છે. તે તેલ ઉત્પન્ન કરે છે, જે પ્રદીપક (illuminant) તરીકે વપરાય છે. છાલ અને પર્ણોનો કાઢો સોજા અને ફોલ્લાઓ પર આપવામાં આવે છે.

તેનું કાષ્ઠ ખરાદીકામ (turnary) માટે યોગ્ય ગણાય છે. તેનો ઉપયોગ હળ અને તરાપા બનાવવામાં થાય છે.

C. spinosa Linn. (હિં. કાબ્રા; ગુ. કાંટાળો કંથેર; અં. કૅપરબુશ) નાનો, ભૂપ્રસારી ક્ષુપ છે.

બજારમાં મળતું ‘યુરોપિયન કૅપર્સ’ C. spinosaની પુષ્પકલિકાનું અથાણું છે. તે તીખો તમતમતો સ્વાદ ધરાવે છે અને સ્કર્વીમાં ઉપયોગી છે. ભારતમાં પણ ફળ અને પુષ્પકલિકાઓનો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પુષ્પીય કલિકાઓમાં રુટિન નામનો ગ્લાયકોસાઇડ હોય છે, જેના ઍસિડ જલાપઘટનથી રહેમ્નોઝ, ડેક્સ્ટ્રોઝ અને ક્વિર્સેટિન આપે છે. રુટિનેઝ ઉત્સેચક દ્વારા જલાપઘટન કરતાં તે રુટિનોઝ (C12H24O10) નામની શર્કરા અને ક્વિર્સેટિન ઉત્પન્ન કરે છે. રુટિનોઝના ઍસિડ જલાપઘટનથી રહેમ્નોઝ અને ડેક્સ્ટ્રોઝ ઉત્પન્ન થાય છે. પુષ્પીય કલિકાઓમાં શુષ્ક વજનને આધારે આશરે 4 % પેન્ટોસન હોય છે. તે રુટિક ઍસિડ, પૅક્ટિક ઍસિડ, એક લસણ જેવી સુગંધી ધરાવતો પદાર્થ, એક બાષ્પશીલ વમનકારી ઘટક અને સેપોનિન ધરાવે છે. તેનાં બીજ 34 %થી 36 % આછા પીળા રંગનું તેલ ઉત્પન્ન કરે છે. મૂળની છાલમાં રુટિક ઍસિડ અને લસણની ગંધ ધરાવતો એક બાષ્પશીલ પદાર્થ હોય છે. છાલ કડવી, રેચક (aperient), મૂત્રલ (diuretic), કફોત્સારક (expectorant), આર્તવપ્રેરક (emmenagogue) અને બલ્ય છે અને તેનો ઉપયોગ સંધિવા, લકવો, દાંતનો દુખાવો, યકૃત, બરોળ અને ગુલિકીય (tubercular) ગ્રંથિઓની તકલીફોમાં થાય છે. છૂંદેલાં પર્ણોનો ગાઉટમાં પોટિસ તરીકે ઉપયોગ થાય છે.

પર્ણો અને ફળો ઘેટાં-બકરાં ખાય છે. પર્ણોમાં પાણી 69.6 %, પ્રોટીન 13.8 %, ઈથર-નિષ્કર્ષ 1.5 %, રેસો 7.9 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 53.7 %, અદ્રાવ્ય ભસ્મ 5.5 % અને દ્રાવ્ય ભસ્મ 17.7 % હોય છે.

C. sepiaria Linn. મોટી આરોહી ક્ષુપ વનસ્પતિ છે. તે જ્વરહર (febrifuge), રૂપાંતરક (alterative) અને બલ્ય છે અને ત્વચાના રોગોમાં ઉપયોગી છે. તેનો વાડ બનાવવામાં પણ ઉપયોગ થાય છે.

C. zeylanica Linn. (હિં. અર્ડંડા; બં. કલોકેરા; ગુ. ગોવિંદફળ, ડાંભો; મ. ગોવિંદી; કાંટાળી આરોહી ક્ષુપ વનસ્પતિ છે.

તેનાં ફળોનું અથાણું થાય છે. પર્ણોનો ઉપયોગ પ્રત્યુત્તેજક (counter-irritant) તરીકે અને દાઝ્યા પર, સોજા પર અને મસામાં પોટીસ (cataplasm) તરીકે થાય છે. મૂળની છાલ કડવી, શામક (sedative), ક્ષુધાપ્રેરક (stomachic), પિત્તનિસ્સારક (cholagogue) અને સ્વેદરોધક (anti-hydrotic) હોય છે અને તે કૉલેરામાં ઉપયોગી છે. તે આલ્કેલૉઇડ, ફાઇટોસ્ટેરોલ, શ્લેષ્મી પદાર્થ અને જલદ્રાવ્ય ઍસિડ ધરાવે છે.

C. brevispina DC.(syn. C. zeylanica Hook f. & Thoms.)નાં લીલાં ફળો અથાણું બનાવવા માટે ઉપયોગી છે. C. heyneana Wallનાં પર્ણો સંધિવામાં વપરાય છે. તેનાં પુષ્પો રેચક હોય છે.

C. micracantha DC. મોટા ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપ જાતિ છે. તે દમ, શ્વસનીશોથ અને હૃદયના દુખાવાઓમાં ઉપયોગી છે. તેનાં પર્ણો સોજાઓ પર પોટીસ તરીકે વપરાય છે. તેનાં મૂળ મૂત્રલ હોય છે. ગોળ જાંબલી ફળો મીઠાં, સુગંધિત અને ખાદ્ય હોય છે.

બળદેવભાઈ પટેલ