કૅન, ઇલાઇશા કેન્ટ (જ. 3 ફેબ્રુઆરી 1820, ફિલાડેલ્ફિયા; અ. 16 ફેબ્રુઆરી 1857, હવાના, ક્યૂબા) : ઉત્તર ધ્રુવના શોધક. શિક્ષણ વર્જિનિયા તથા પેન્સિલવેનિયા યુનિવર્સિટીઓમાં 1842માં ડૉક્ટરની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી અમેરિકાના નૌકાદળમાં આસિસ્ટન્ટ સર્જન તરીકે જોડાયા. 1850માં પ્રથમ ગ્રિનેલ અન્વેષણમાં સર્જન તથા પ્રકૃતિવાદી તરીકે જોડાયા. તે જ વર્ષે અમેરિકાના તટવર્તી સર્વેક્ષણ વિભાગના સર્જનની હેસિયતથી 1845થી ગુમ થયેલા બ્રિટિશ શોધક સર જ્હૉન ફ્રૅન્કલિનની શોધ કરવા માટેના અભિયાનમાં જોડાયા; પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી. 1853માં ‘ઍડવાન્સ’ નામના જહાજમાં ઉત્તર-પશ્ચિમ ગ્રીનલૅન્ડ પ્રદેશ તરફના બીજા ગ્રિનેલ અન્વેષણમાં તેના નેતા તરીકે જોડાયા અને અજ્ઞાત દરિયાઈ પ્રદેશમાં દાખલ થયા. આ દરિયાઈ પ્રદેશને હવે ‘કેન તટપ્રદેશ’ તરીકે ઓળખવામાં આવે છે. આ અન્વેષણ દરમિયાન તેમણે ભૂગોળ, ઋતુવિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્ર જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધન કર્યું તથા પ્રાણીઓ અને એસ્કિમોનો અભ્યાસ કર્યો. આ અન્વેષણ દરમિયાન તેમને અજાણ્યા પ્રદેશમાં રહેવું પડ્યું તેને લીધે ઘણી યાતનાઓ સહન કરવી પડી (1853-55). એક રાહત ટુકડીએ તેમને ખોળી કાઢતાં ઑક્ટોબર 1855માં એઓ ન્યૂયૉર્ક પાછા ફર્યા હતા.

ઇલાઇશા કેન્ટ કૅન

અન્વેષક તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે ચીન, ઈસ્ટ ઇન્ડીઝ, અરબસ્તાન, ઇજિપ્ત, યુરોપના દેશો, આફ્રિકાના પશ્ચિમ કિનારાના પ્રદેશો તથા મેક્સિકોની મુલાકાત લીધી હતી.

1850ના તેમના પ્રથમ અન્વેષણ અંગેનું વિવરણ 1854માં ઉપલબ્ધ થયું હતું. ઉપરાંત, તેમના બીજા (1853) અન્વેષણની રસપ્રદ વિગતો તેમના ગ્રંથ ‘આકર્ટિક એક્સપ્લોરેશન, ધ સેકન્ડ ગ્રિનેલ એક્સપિડિશન ઇન સર્ચ ઑવ્ સર જ્હૉન ફ્રેન્કલિન, ઇન ધી ઇયર્સ 1853, 54, 55’માંથી જાણવા મળે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે