કૅન્સાસ શહેર : કૅન્સાસ નદી અને મિસૂરી નદીના સંગમ પર વસેલું અમેરિકાનું મહત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : 39o 6′ ઉ. અ. અને 94o 37′ પ. રે.. વિસ્તારની ષ્ટિએ કૅન્સાસ રાજ્યમાં તેનો બીજો ક્રમ છે. આ નગરના બે જુદા જુદા રાજકીય એકમો છે : (1) કૅન્સાસ નગર KS, (2) કૅન્સાસ (મિસૂરી) MO. 1821માં ત્યાં વ્યાપારના મથક તરીકે પ્રથમ કાયમી વસાહત ઊભી થઈ. 1843માં કૅન્સાસ નગરની સ્થાપના થઈ. 1861માં તે અમેરિકાના સંઘરાજ્યનો ઘટક બન્યું. 1865માં પ્રથમ રેલમાર્ગનાં મંડાણ થતાં નગરને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થઈ. આજનું કૅન્સાસ નગર આજુબાજુનાં આઠ ગામોના એકીકરણમાંથી ઊભું થયેલું છે. રાજ્યની 6 યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ઑવ્ કૅન્સાસ સૌથી મોટી છે. શહેરમાં બે જાણીતાં સંગ્રહાલયો છે, પ્રાકૃતિક, ઇતિહાસવિષયક સંગ્રહાલય અને કલા સંગ્રહાલય. પાટનગર ટૉપીકાની વસ્તી 1,25,049 (2024) છે. તે એક મહત્વનું રેલ જંક્શન છે; તેના ધોરી માર્ગો તથા જળમાર્ગોનો પણ વિકાસ થયેલો છે. આંતરવિગ્રહના અંતથી 1939 સુધી તે માત્ર કૃષિપેદાશો તથા ઢોરઢાંખરનાં ખરીદ-વેચાણ માટે તથા અનાજના પ્રક્રમણ માટે જાણીતું હતું. તે પછીના ગાળામાં તે ઔદ્યોગિક નગર તરીકે વિકાસ પામ્યું છે. નગરમાં અનાજ દળવાની મિલો, કૃષિ-ઉપકરણો, ડેરી-પેદાશો તથા સ્વયંચાલિત યંત્રોના છૂટા ભાગો જોડવાના એકમો (auto-assembling), ઍલ્યુમિનિયમ તથા પોલાદની વસ્તુઓ, રસાયણો, સાબુ, ખનિજ તેલ-શુદ્ધીકરણ, વિમાનનાં એન્જિન, વસ્ત્રો, લાકડા તથા પોલાદનું રાચરચીલું તથા છાપકામના ઔદ્યોગિક એકમોનો નોંધપાત્ર વિકાસ થયો છે. આ શહેરનું જાન્યુઆરીનું તાપમાન 1.1o સે. અને જુલાઈનું તાપમાન 26.1o સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 947 મિમી. જેટલો પડે છે.

કૅન્સાસ રાજ્યનું પાટનગર ટૉપિકા ખાતે આવેલ કૅપિટૉલ બિલ્ડિંગ

નગરમાં યુનિવર્સિટી ઑવ્ કૅન્સાસ મેડિકલ સેન્ટર (1899), ડોનેલી કૉલેજ, કૅન્સાસ સિટી કમ્યુનિટી કૉલેજ (1949) તથા યુનિવર્સિટી ઑવ્ મિસૂરી (1963) જેવી ઉચ્ચ શિક્ષણની માતબર સંસ્થાઓ છે. પર્યટકો માટે અમેરિકાનું વિખ્યાત ગણાતું નેલ્સન-અટકિન્સ કળા સંગ્રહાલય, 1,200 હેક્ટર જમીન પર તૈયાર કરેલાં મ્યુનિસિપલ ઉદ્યાનો, ગુલાબનાં ઉદ્યાનો, વિશાળ જળાશય, કૉન્સ્ટિટ્યૂશન હૉલ તથા વાઇનડોટ નૅશનલ સેમિટરી આકર્ષણનાં મુખ્ય સ્થળો છે. કૅન્સાસ નગરની વસ્તી 4.86 લાખ (2019) છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે