કૅન્સર – સ્વાદુપિંડ(pancreas)નું

January, 2008

કૅન્સર, સ્વાદુપિંડ(pancreas)નું : સ્વાદુપિંડનું કૅન્સર થવું તે. જઠરમાંથી પચવો શરૂ થયેલો ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે તેના શરૂઆતના ભાગમાં સ્વાદુપિંડનો પાચકરસ તથા પિત્તરસ ખોરાક સાથે ભળે છે અને ખોરાકનું પાચન થાય છે. નાના આંતરડાનો આ ભાગ અંગ્રેજી મૂળાક્ષર ‘સી’ જેવો હોય છે અને તેને પક્વાશય (duodenum) કહે છે. તેના અંતર્ગોળ ભાગમાં સ્વાદુપિંડ આવેલો હોય છે. સ્વાદુપિંડ પેટના પાછલા ભાગમાં આવેલો, લગભગ આડો ગોઠવાયેલો 12.5 સેમી. ´  2.5 સેમી.ના માપનો અવયવ છે. તેનો બહિ:સ્રાવી (exocrine) ભાગ પાચકરસ ઉત્પન્ન કરે છે, જે સ્વાદુપિંડનળી દ્વારા પક્વાશયમાં ઝરે છે. સ્વાદુપિંડમાં આવેલા લાંગરહાનના દ્વીપ(islets)માં અંત:સ્રાવી (endocrine) ગ્રંથિકોષો (દ્વીપકોષો) છે, જે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન નામના અંત:સ્રાવો(hormones)નું ઉત્પાદન કરે છે. આ અંત:સ્રાવો સીધેસીધા લોહીમાં પ્રવેશે છે. સ્વાદુપિંડના 3 ભાગ ગણવામાં આવે છે : પક્વાશયના અંતર્ગોળ ભાગમાં આવેલા પહોળા ભાગને શીર્ષ કહે છે, તેના બરોળના મુખદ્વાર (hilum) પાસે આવેલા ભાગને પુચ્છ કહે છે તથા વચલા ભાગને કાય (body) કહે છે. સ્વાદુપિંડના 95 %  કૅન્સર બહિ:સ્રાવી કોષોમાં ઉદભવે છે, જેમાંનો 2/3 કૅન્સર સ્વાદુપિંડ-શીર્ષમાં થાય છે. સ્વાદુપિંડના શીર્ષભાગમાં સ્વાદુપિંડનળી તથા પિત્તનળી (bile duct) જોડાય છે અને વૅટરના વિપુટ (ampulla of Vater) દ્વારા પક્વાશયમાં ખૂલે છે. વૅટરના વિપુટ પાસે આવેલી સ્વાદુપિંડ-શીર્ષમાં ઉદભવેલી ગાંઠને કારણે પિત્તમાર્ગ અવરોધાતો હોવાથી કમળો થાય છે.

સ્વાદુપિંડનું કૅન્સર : (1) સ્વાદુપિંડનું શીર્ષ (2) સ્વાદુપિંડની કાય, (3) સ્વાદુપિંડની પૂંછડી, (4) નિવાહિકા શિરા (portal vein), (5) મહાધમની (aorta), (6) પક્વાશય (duodenum), (7) પિત્તનળી, (8) સ્વાદુપિંડનળી, (9) વૅટરનું વિપુટ (ampulla), (10) બરોળ (spleen), (11) T1 તબક્કાની ગાંઠ, (12) પિત્તનળીને અસરગ્રસ્ત કરતી T2 તબક્કાની ગાંઠ, (13) પક્વાશયને અસરગ્રસ્ત કરતી T2 તબક્કાની ગાંઠ, (14) બરોળમાં ફેલાતી T3 તબક્કાની ગાંઠ, (15) અસરગ્રસ્ત થતી N1 તબક્કાની લસિકાગ્રંથિઓ. (અ) સ્વાદુપિંડની સામાન્ય શરીરરચના, (અથી ઉ) સ્વાદુપિંડની ગાંઠના તબક્કા, (ઉથી એ) લસિકાગ્રંથિમાં ફેલાવો, (ઊ) સ્વાદુપિંડશીર્ષમાં ગાંઠ, (ઋ) સ્વાદુપિંડ-કાયમાં ગાંઠ, (એ) સ્વાદુપિંડ પૂંછડીમાં ગાંઠ.

વસ્તીરોગવિદ્યા : અમેરિકામાં તે પાચનમાર્ગનું બીજા ક્રમે આવતું અને બધાં કૅન્સરમાં ચોથા સ્થાને આવતું કૅન્સર છે. આ પ્રકારના કૅન્સરનું નિદાન સામાન્યત: મોડું થાય છે. ક્યારેક ફક્ત લસિકાગ્રંથિમાં ગ્રંથિકૅન્સર (adenocarcinoma) જોવા મળે અને પ્રાથમિક કૅન્સરનું સ્થાન જાણી શકાયું ન હોય એવા અનેક કિસ્સામાં મૂળસ્થાન સ્વાદુપિંડ હોય છે એમ માનવામાં આવે છે. ભારતમાં દર એક લાખ પુરુષોમાં 0.65થી 2.7ના દરે સ્વાદુપિંડનું કૅન્સર થાય છે. સૌથી વધુ દર બર્શીના ગ્રામવિસ્તારમાં (2.7) અને મુંબઈમાં (2.5) નોંધવામાં આવેલો છે. સ્ત્રીઓમાં આ દરનો ગાળો 0.6થી 2.0 છે અને સૌથી વધુ દર દિલ્હીમાં (2.0) નોંધાયેલો છે. અમદાવાદમાં આ દર પુરુષો અને સ્ત્રીઓમાં અનુક્રમે 0.65 અને 0.82 છે.

કારણો : ઉંમર વધે તેમ સ્વાદુપિંડના કૅન્સરનો દર વધે છે. મોટા ભાગના દર્દીઓ 50 વર્ષથી વધુ વયના હોય છે (80 %). જોકે યુવાનો તથા બાળકોમાં પણ તે જોવા મળે છે. પુરુષોમાં તે સહેજ વધારે અને વહેલું થાય છે. ઇઝરાયલ અને અમેરિકાની યહૂદી પ્રજામાં તે વધુ જોવા મળે છે. માટે તેમાં પ્રજાતીય (racial) પરિબળો પણ કાર્યરત હોય છે એમ મનાય છે. જેઓ ધૂમ્રપાન કરતા નથી તેમનામાં સ્વાદુપિંડના કૅન્સરનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. કૉલેજકાળમાં જે ધૂમ્રપાન કરતા હોય તેમનામાં સ્વાદુપિંડનું કૅન્સર થવાની શક્યતા 2.5 ગણી વધે છે. ધૂમ્રપાનથી એન-નાઇટ્રોસોએમાઇન્સ વધે છે જે આશરે 30 % સ્વાદુપિંડના કૅન્સરનું કારણ હોય છે. સામાન્ય રીતે દીર્ઘકાલી સ્વાદુપિંડશોથ (chronic pancreatitis) તથા મધુપ્રમેહના દર્દીઓમાં સ્વાદુપિંડના કૅન્સરનું પ્રમાણ વધે છે. જોકે કેટલાક કિસ્સાઓમાં ખાસ કરીને સ્ત્રીઓમાં, તરત નિદાન કરાયેલા મધુપ્રમેહ પછી સ્વાદુપિંડનું કૅન્સર થયેલું જોવા મળ્યું છે. કૉફીને કારણે આ પ્રકારનું કૅન્સર થતું નથી. પરંતુ દારૂના સેવનને કારણે કદાચ તેનું પ્રમાણ વધે છે. કોક, કોલ-ગૅસ, બીટા-નેફ્થાયલેમાઇન અને બેન્ઝીડિનના ઉત્પાદન સાથે સંકળાયેલા કામદારોમાં તેનું વધુ પ્રમાણ જોવા મળે છે. તે ફળ અને શાકભાજી ખાનારાઓમાં ઓછું થાય છે જ્યારે ચરબી અને માંસ તેનું જોખમ વધારે છે. સ્વાદુપિંડનું કૅન્સર ધરાવનારા મોટાભાગના દર્દીઓમાં કોઈ ચોક્કસ પરિબળની હાજરી હોતી નથી છતાં પણ તે થાય છે માટે તેનું જોખમ વધારનારાં મુખ્ય કારણો વિશે હજુ અજ્ઞાન પ્રવર્તે છે. કેટલાંક જનીની પરિબળો કાર્યરત છે જેમ કે p16 વિકૃતિ, PRSS1 તથા BRAC2 જનીનો.

નિર્દેશન અને નિદાન : તેનાં ચિહનો અને લક્ષણો ધીમે ધીમે વધતાં હોય છે અને તે વિશિષ્ટ પ્રકારનાં, શંકાપ્રેરક નથી હોતાં; તેથી વહેલું નિદાન ભાગ્યે જ શક્ય બને છે. મુખ્ય લક્ષણોમાં વજનનો ઘટાડો, પેટના ઉપલા ભાગમાં દુખાવો, સતત વધતો જતો કમળો તથા ભૂખ ન લાગવી તે છે. ક્યારેક ઊલટી કે મળમાં લોહી પડે છે. ગાંઠના સ્થાન પ્રમાણે લક્ષણો ઉદભવે છે. સ્વાદુપિંડ-શીર્ષમાંની ગાંઠ પિત્તનળીઓ પર દબાણ કરીને પિત્તરોધ (biliary obstruction) કરે છે, જેથી કમળો થાય છે. કાય અને પુચ્છ વિસ્તારની ગાંઠ લાંબા સમય સુધી ખાસ તકલીફ કરતી નથી. સ્વાદુપિંડના શીર્ષમાં થતા કૅન્સરને કારણે પિત્તનળી દબાય છે અને તેને કારણે રોધજન્ય (obstructive) કમળો થાય છે. તેથી ઝાડો સફેદ રંગનો થાય છે અને શરીરમાં બધે ખૂજલી આવે છે. વિટામિન ‘કે’ની ઊણપ થાય છે તથા તેલ-ચરબીવાળો ખોરાક પચાવવામાં તકલીફ પડે છે. તેને કારણે પાતળા પાણીવાળા ઝાડા (અતિસાર) અથવા તૈલીદ્રવ્યવાળા પાતળા ઝાડા એટલે કે મેદસાર (steatorrhoea) થાય છે. પેટમાં વાયુની તકલીફ થાય છે. પિત્તમાર્ગમાં અવરોધ થવાથી પિત્તાશય મોટું થાય છે. શરીરમાં જુદા જુદા ભાગમાં આવેલી નસોમાં લોહી ગંઠાઈ જાય તો તે આ કૅન્સરનું સૂચક ચિહન ગણાય છે, સ્વાદુપિંડના કૅન્સરનો દુખાવો ઘણી વખત પીઠમાં ફેલાય છે.

નિદાનસૂચક મહત્વની કસોટીઓમાં પેટનું ધ્વનિચિત્રણ (સૉનોગ્રાફી) તથા સીએટી-સ્કૅન છે. તેની મદદથી પાતળી સોય વડે સ્વાદુપિંડની ગાંઠમાંથી શોષીને થોડા કોષો મેળવી શકાય છે, જેને કોષવિદ્યા(cytology)ની પદ્ધતિ અથવા fine needle aspiration cytology (FNAC) કહે છે. આ ઉપરાંત અંત:દર્શક(endoscope)ની મદદથી અવળા માર્ગે પિત્તનળી અને સ્વાદુપિંડનળીનું ચિત્રણ (અંત:દર્શકીય વિપરીતમાર્ગી પિત્તનળી-સ્વાદુપિંડી ચિત્રણ, endoscopic retrograde changio- pancreatography, ERCP) મેળવી શકાય છે. હાલ તેમાં અંત:દર્શકીય ધ્વનિચિત્રણ(endoscopic sonography)ની તપાસનો ઉમેરો થયો છે. શારીરિક તપાસ અને કોષવિદ્યાની મદદથી 80 %થી 90 % કિસ્સામાં નિદાન કરી શકાય છે. આ ઉપરાંત વાહિનીચિત્રણ (angiography) અને ઉદર-નિરીક્ષા-(laparoscopy)ની મદદથી પણ નિદાન કરાય છે. યકૃતની કાર્યક્ષમતાસૂચક કસોટીઓ કરીને યકૃતનો કેટલા પ્રમાણમાં વિકાર ઉદભવ્યો છે તે જાણી શકાય છે. કાર્સિનો એમ્બ્રિયૉનિક ઍન્ટિજન (CEA), CA19-9 (70 %થી 90 % દર્દીઓમાં વધારો), પૅન્ક્રિયાટિક ઓન્કોફિટલ ઍન્ટિજન (POA) અને GTII પ્રકારનાં કૅન્સરસૂચક દ્રવ્યો (tumour markers) પણ નિદાન માટે ઉપયોગી છે. K-ras પ્રકારની જનીની વિકૃતિ જોવા મળે છે. CA19-9ની મદદથી રોગનું નિયંત્રણ અને ઊથલો જાણી શકાય છે.

વર્ગીકરણ : સ્વાદુપિંડનું કૅન્સર મુખ્યત્વે ગ્રંથિકૅન્સર (adeno-carcinoma) પ્રકારનું છે. TNM વર્ગીકરણ તથા કૅન્સરના તબક્કા સારણી 1 અને 2માં દર્શાવ્યા છે.

સારણી 1 : સ્વાદુપિંડના કૅન્સરનું TNM વર્ગીકરણ

T : મૂળ ગાંઠ
T1 ફક્ત સ્વાદુપિંડમાં કૅન્સર
T2 પક્વાશય, જઠર કે પિત્તનળીમાં ફેલાવો, છતાં શસ્ત્રક્રિયા શક્ય
T3 ઉપર જણાવેલ અવયવોમાં વધુ ફેલાવો, જેથી શસ્ત્રક્રિયા અશક્ય
N : લસિકાગ્રંથિઓ (lymphnodes)
N0 સ્થાનિક લસિકાગ્રંથિ કૅન્સરમુક્ત
N1 સ્થાનિક લસિકાગ્રંથિમાં ફેલાવો
M : દૂરના અવયવોમાં ફેલાવો (સ્થાનાંતરતા)
M0 દૂરના અવયવોમાં ફેલાવો નહિ
M1 દૂરના અવયવોમાં લોહી દ્વારા ફેલાવો
નોંધ :  Tx Nx Mx અનુક્રમે મૂળ ગાંઠ, લસિકાગ્રંથિ કે સ્થાનાંતરની માહિતી મળે નહિ.

સારવાર : સ્વાદુપિંડના શીર્ષના કૅન્સરમાં શસ્ત્રક્રિયા મહત્વની સારવારપ્રક્રિયા છે. લગભગ 6 %થી 20 % કિસ્સામાં સંપૂર્ણપણે દૂર કરી શકાય એવી ગાંઠ હોય છે. સ્વાદુપિંડ અને પક્વાશયને શસ્ત્રક્રિયા વડે દૂર કરવાની શસ્ત્રક્રિયાને વ્હિપલની અથવા સ્વાદુપિંડ-પક્વાશય ઉચ્છેદન (pancreatoduodectomy)ની શસ્ત્રક્રિયા કહે છે. તેમાં સ્વાદુપિંડના શીર્ષ અને પક્વાશયને દૂર કરીને નાના આંતરડાના મધ્યભાગ (jejunum), સાથે જઠર, બાકીનો સ્વાદુપિંડ તથા

સારણી 2 : સ્વાદુપિંડના કૅન્સરના તબક્કા

તબક્કો TNM વર્ગીકરણ રોગનો ફેલાવો
1 T12 N0 M0 શસ્ત્રક્રિયા થઈ શકે તેવા સ્વાદુપિંડમાં

સીમિત કે જઠર, પિત્તનળી કે પક્વાશયમાં

ફેલાયેલી ગાંઠ

2 T3 N0 M0 શસ્ત્રક્રિયા ન થઈ શકે એટલી ફેલાયેલી

ગાંઠ

3 T13 N1 M0 મૂળ ગાંઠ ગમે તેટલા કદની, પરંતુ

સ્થાનિક લસિકાગ્રંથિમાં ફેલાવો

4 T1-3 N0-1 M1 દૂરના અવયવોમાં લોહી દ્વારા ફેલાવો

પિત્તનળીને જોડવામાં આવે છે. શસ્ત્રક્રિયા પછી 50 % જેટલા દર્દીઓ 2.5 વર્ષથી વધુ જીવે છે. જેમની બાબતમાં શસ્ત્રક્રિયા વડે ગાંઠ દૂર કરી શકાય તેમ ન હોય, તેમનામાં પાચનમાર્ગ અને પિત્તમાર્ગના અવરોધને એક બાજુએ રાખીને પાચનક્રિયા તથા પિત્તનો સ્રાવ થતો રહે તે માટે નાના આંતરડાના મધ્યભાગ સાથે જઠર તથા પિત્તાશયને જોડવામાં આવે છે. તેને પિત્તાશય-મધ્યાંત્ર છિદ્રયુગ્મન (choledochojejunostomy) કહે છે. તેમાં પિત્તાશયને મધ્યાંત્ર

સારણી 3 : સ્વાદુપિંડના અંત:સ્રાવી કોષોનાં કેટલાંક કૅન્સર

પ્રકાર નિદાન અને સારવાર
1

 

 

 

2

 

 

 

 

3

 

 

 

4

ઇન્સ્યુલિનોમા

 

 

 

ગૅસ્ટ્રીનોમા

 

 

 

 

ગ્લુકેગોનોમા

 

 

 

વી.આઈ.પી.ઓમા

સૌથી વધુ પ્રમાણ છે. લોહીમાં ગ્લુકોઝ ઘટે છે.

શસ્ત્રક્રિયા મુખ્ય સારવારપદ્ધતિ છે. દવા રૂપે

સ્ટ્રેપ્ટોઝોટોસિન, ક્લોરોટોસિન, ડાયાઝોક્સાઇડ અને

ડાયફિનાયલ હાયડેન્ટોઇન વપરાય છે.

ઝાડા, પેપ્ટિક ચાંદા જેવી અસર તથા જઠરમાં

ઍસિડનું વધુ ઉત્પાદન થાય છે. તેને ઝોલિંગર-

એલિસનનું સંલક્ષણ કહે છે. મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા

છે. સ્ટ્રેપ્ટોઝોટોસિન, ડૉક્સોરુબિસિન અને 5-

ફ્લ્યુરોયુરેસિલ ઉપયોગી દવાઓ છે.

વજન ઘટે, મધુપ્રમેહ થાય, ચામડીનો વિકાર થાય,

ઝાડા થાય. મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે.

ડૉક્સોરુબિસિન અને સ્ટ્રેપ્ટોઝોટોસિન નામની દવાઓ

વપરાય છે.

ઝાડા થાય, જઠરમાં ઍસિડ બંધ થાય તથા

પોટૅશિયમ ઘટે. મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે.

(jejunum), જઠરને મધ્યાંત્ર તથા મધ્યાંત્રના એક ભાગને બીજા ભાગ સાથે જોડવામાં આવે છે. આથી આ શસ્ત્રક્રિયાને ત્રિ-ઉપપથીય શસ્ત્રક્રિયા (triple bypass) કહે છે. તેને કારણે ખોરાકનું પાચન થતું રહે છે. અવરોધજન્ય કમળો મટે છે. દુખાવો ઘટાડવા તથા શસ્ત્રક્રિયા પછી જીવનકાળ લંબાવવા સહાયક સારવાર રૂપે દવાઓ તથા વિકિરણન-ચિકિત્સા વપરાય છે. 5-ફ્લ્યુરોયુરેસિલ, લ્યુકોવૉરિન કૅલ્શિયમ, જેમ્સાયટાબિન, માયટોમાયસિન-સી, ડૉક્સોરુબિસિન તથા મિથાયલ સીસીએનયુ વગેરે દવાઓને વિવિધ જૂથમાં સામૂહિક ઔષધચિકિત્સા (combination chemotherapy) રૂપે અપાય છે.  હાલ જેમ્સાયટાબિનવાળા ઔષધસમૂહો વધુ લાભકારક જણાયા છે. ખાસ કરીને જેમ્સાયટાબિન અને 5-ફલ્યુરોયુરેસિલ અપાય છે. શસ્ત્રક્રિયા પછી દવાઓ અને વિકિરણન વડે સહાયક (adjuvant) સારવાર આપવાથી જીવનકાળ 20 % કિસ્સાઓમાં 5 વર્ષથી વધુ લંબાવી શકાય છે. શસ્ત્રક્રિયા શક્ય ન હોય તેમને દવાઓ અને વિકિરણનની સારવાર આપવાથી વિવિધ તકલીફોમાં રાહત આપી શકાય છે. જેમને આવી રાહતદાયી (palliative) સારવારથી ફાયદો થયો હોય તેમનો જીવનકાળ પણ લંબાય છે. હાલ જેમ્સાયટાબિન ઑક્ઝેલોપ્લૅટિનની સામૂહિક ચિકિત્સા ઉપયોગી જણાઈ છે.

પરિણામ : સ્વાદુપિંડના કૅન્સરના 5 વર્ષ જીવતા દર્દીઓનું પ્રમાણ 5 % હોય છે. મોટા કદની ગાંઠ, લસિકાગ્રંથિમાં ફેલાવો તથા અવિભેદિત (undifferentiated) કૅન્સર મૃત્યુદર વધારે છે. લસિકાગ્રંથિ (lymphnode) અસરગ્રસ્ત ન હોય તેવા 25 %થી 30 % દર્દી 3 વર્ષ જીવે છે જ્યારે લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત હોય તો મધ્યક જીવનકાળ 6-8 મહિનાનો હોય છે.

સ્વાદુપિંડનાં અન્ય કૅન્સર : સ્વાદુપિંડનાં અન્ય કૅન્સર તેના અંત:સ્રાવી કોષોમાં ઉદભવે છે. જે પ્રકારના કોષમાંથી તે ઉદભવે છે તે પ્રકારે તેને ઓળખવામાં આવે છે. તેમના ઉદગમકોષો લાંગરહાનના દ્વીપ(islets)માં આવેલા હોવાથી તેમને દ્વીપકોષો પણ કહે છે. તેમની સારવારની મુખ્ય પદ્ધતિ સારણી 3માં દર્શાવી છે. આ બધા જ પ્રકારનાં કૅન્સર બહુ જ થોડા પ્રમાણમાં જોવા મળે છે.

શિલીન નં. શુક્લ