કૅન્સર, ફેફસા(lung)નું : ફેફસાનું કૅન્સર થવું તે. ફેફસું શ્વસનતંત્રનો અવયવ છે. છાતીમાં બે ફેફસાં આવેલાં છે જેમાં શ્વાસનળી(trac-hea)માંથી આવતી હવા શ્વસનનલિકા (bronchus) દ્વારા પ્રવેશ પામે છે. ફેફસામાં આવતી ફુપ્ફુસ (ફેફસી, pulmonary) ધમનીમાંનું કાર્બન ડાયૉક્સાઇડવાળું અશુદ્ધ લોહી વાયુપોટા(alveoli)ની આસપાસથી પસાર થાય છે ત્યારે સાદા પ્રસરણ(diffusion)ના સિદ્ધાંતને આધારે તેમાં ઑક્સિજન ભળે છે. આવું ઑક્સિજનયુક્ત શુદ્ધ લોહી ફેફસી શિરા દ્વારા હૃદયમાં થઈને શરીરમાં પહોંચે છે. દરેક ફેફસાને એક શ્વસનનલિકા હોય છે. ફેફસાનું કૅન્સર મોટે ભાગે શ્વસનનલિકાનું કૅન્સર (bronchogenic carcinoma) જ હોય છે.

ફેફસાનું કૅન્સર : (1) શ્વાસનળી, (2) મુખ્ય શ્વસનનલિકા, (3) ફેફસું, (4) નાની શ્વસનનલિકાઓ, (5) સ્થાનિક લસિકાગ્રંથિઓ, (6) T1 તબક્કાની ગાંઠ, (7) વાતવિહીનતા (atelectasis) કરતી T2 તબક્કાની ગાંઠ, (8) છાતીની દીવાલ, ઉરોદરપટલ(diaphragm)માં ફેલાતી કે ફેફસાના આવરણમાં પ્રવાહી ઉત્પન્ન કરતી અથવા આખા ફેફસાને વાતવિહીન (atelectatic) કરતી T3 તબક્કાની ગાંઠ, (9) વાતવિહીન ફેફસું, (10) કૅન્સરકોષો ન દર્શાવી શકાય તેવું પરિફેફસી પ્રવાહી, (11) ઊર્ધ્વ મહાશિરા (superior vena cava) દબાવતી અથવા T4 કક્ષાની ગાંઠ, (12) કૅન્સરકોષોવાળું પરિફેફસી પ્રવાહી, (13) છાતીની મધ્યમાં આવેલું હાડકું, (14) છાતીની દીવાલ, (15) હૃદય, (16) કરોડના મણકામાં ફેલાતી T4 તબક્કાની ગાંઠ, (17) કૅન્સરની ગાંઠ જેનો ફેલાવો લસિકાગ્રંથિમાં થયો હોય. (અ) ફેફસાની રચના, (આ થી ઉ) ફેફસામાંની ગાંઠના વિવિધ તબક્કા, (ઊ) છાતીનો આડછેદ, જે સીએટી-સ્કૅનમાં જોઈ શકાય, (ઋ) લસિકાગ્રંથિમાં ફેલાવાના તબક્કા.

વસ્તીરોગવિદ્યા : વિશ્વભરમાં ફેફસાના કૅન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તેનું એક મહત્વનું પાસું એ નોંધવામાં આવ્યું છે કે સ્ત્રીઓમાં પણ તેનું પ્રમાણ વધી રહ્યું છે. એવું મનાય છે કે સમયસર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો આ સદીના અંતે તે સૌથી વધુ મારક કૅન્સર હશે. ધૂમ્રપાન વિરોધી ઝુંબેશને કારણે પશ્ચિમી દેશોમાં નવા દર્દીઓની સંખ્યા ઘટવાની શરૂઆત થયેલી છે. ભારતમાં પુરુષોના કૅન્સરમાં 9 % કૅન્સર ફેફસાનાં હોય છે (છઠ્ઠું સ્થાન). યુરોપ અને અમેરિકામાં તેનું પ્રમાણ ઘણું વધારે છે. દર 1 લાખ પુરુષોએ યુ.કે.માં 68.8થી 100.4ને તથા અમેરિકામાં 19.5થી 89.8ને ફેફસાનું કૅન્સર થાય છે. ભારતમાં આ દર 1.2થી 14.6 છે (સૌથી વધુ મુંબઈમાં). વિશ્વભરમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં ફેફસાનું કૅન્સર ઓછા પ્રમાણમાં થાય છે. દર 1 લાખ સ્ત્રીઓમાં યુ.કે.માં 19.5થી 28.6ને તથા અમેરિકામાં 5.4થી 33.3ને ફેફસાનું કૅન્સર થાય છે, જ્યારે ભારતમાં આ દર 0.6થી 3.7 છે (સૌથી વધુ મુંબઈ). અમદાવાદમાં દર 1 લાખ પુરુષોએ 14.1ને તથા 1 લાખ સ્ત્રીઓએ 2.6ને ફેફસાનું કૅન્સર થાય છે.

કારણો : ફેફસાનું કૅન્સર થવાનું સૌથી મહત્વનું કારણ તમાકુનું ધૂમ્રપાન છે. ધૂમ્રપાન કરતા હોય તેમને ફેફસાનું કૅન્સર થવાની શક્યતા દસગણી વધુ છે. જેમ વધુ બીડી કે સિગારેટ વધુ સમય માટે પીધી હોય તેમ તેનું જોખમ વધુ. વળી સિગારેટની જેટલી લંબાઈ, કશ જેટલો ઊંડો ખેંચ્યો હોય તથા સિગારેટમાં ટારનું પ્રમાણ જેટલું વધુ તેટલું જોખમ વધે.

એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રોજ 2 પૅકેટ સિગારેટ પીતી દર 7 વ્યક્તિમાંથી એક વ્યક્તિનું ફેફસાના કૅન્સરથી મૃત્યુ થાય છે. જો વ્યક્તિ રોજ 2 પૅકેટ 10 વર્ષ સુધી (10 × 2 = 20 પૅકેટ-વર્ષ) કે રોજ 5 પૅકેટ 4 વર્ષ માટે (4 × 5 = 20 પૅકેટ-વર્ષ) પીએ તો કૅન્સર થવાનો દર 1 % (દર સોએ 1) છે. જેમ જેમ પૅકેટની સંખ્યા અથવા વર્ષોની સંખ્યા વધે તેમ તેમ ‘પૅકેટ-વર્ષ’નો અંક વધે અને તેમ તેમ કૅન્સર થવાની સંભાવનાનો દર પણ વધે છે. તેથી 20 વર્ષ સુધી દરરોજ 3 સિગારેટનાં પૅકેટ (20 × 3 = 60 પૅકેટ-વર્ષ) પીતી 100 વ્યક્તિઓમાંની 5 વ્યક્તિને તથા 20 વર્ષ સુધી દરરોજ 5 પૅકેટ પીતી 100 વ્યક્તિઓમાંની 13 વ્યક્તિઓને ફેફસાનું કૅન્સર થાય છે. આમ જો પૅકેટ-વર્ષનો અંક 135થી વધુ હોય તો ત્રીજા ભાગની વ્યક્તિઓને કૅન્સર થાય છે. ફેફસાના બધા જ પ્રકારની કૅન્સરની શક્યતા વધે છે પરંતુ સૌથી વધુ શક્યતા લાદીસમ અધિચ્છદીય અને જવકોષી પ્રકારના કૅન્સરની છે. ધૂમ્રપાન છોડ્યા પછી કૅન્સર થવાનું જોખમ ક્રમશ: ઘટે છે અને તે 15 વર્ષે અન્ય સામાન્ય વ્યક્તિ જેટલું થાય છે.

ફેફસાનું કૅન્સર એ મોટી ઉંમરનો રોગ છે. તે 40 વર્ષ પહેલાં ભાગ્યે જ જોવા મળે છે અને જેમ ઉંમર વધુ તેમ તેનો નવસંભાવ્ય દર પણ વધુ. ફેફસાનું ગ્રંથિકૅન્સર (adenocarcinoma) પ્રકારનું કૅન્સર જૂની રૂઝપેશી(scar)માં ખાસ જોવા મળે છે. તેથી પહેલાં જ્યાં ક્ષય થયો હોય તે ભાગમાં તે થતું જોવા મળે છે. ઍસ્બેસ્ટૉસના સંસર્ગમાં આવતા કામદારોમાં ફેફસાનું કૅન્સર થાય છે. જો તેઓ ધૂમ્રપાન કરતા હોય તો તેની શક્યતા વધે છે. આ ઉપરાંત યુરેનિયમ અને કઠણ ખડકના ખાણિયાઓ, કોલસી ડામર (coal tar), ખનિજ તેલ (petroleum), ક્રોમિયમ, નિકલ, આર્સેનિક અને મસ્ટાર્ડ વાયુને લગતા વ્યવસાયોમાં કામ કરતા કામદારોને ફેફસાનું કૅન્સર થાય છે. શહેરી વસ્તીમાં ફેફસાનું કૅન્સર વધુ જોવા મળે છે તેનું કારણ હવાનું પ્રદૂષણ હશે એમ મનાય છે. જેમને ફેફસાનું કૅન્સર થયું હોય તેમનાં ભાઈબહેનો અને બાળકોમાં તે થવાની શક્યતા થોડી વધુ રહે છે પરંતુ તે વારસાગત રોગ નથી. વિટામિન-એની ઊણપ હોય તેમનામાં ફેફસાનું કૅન્સર થવાનો ભય રહે છે. વળી જેમને એક વખત ફેફસાનું કૅન્સર થયું હોય અને તેની સફળતાપૂર્વક સારવાર થયેલી હોય તેમને ફરીથી ફેફસાનું કૅન્સર થવાની શક્યતા વધુ રહે છે.

પેશીરુગ્ણવિદ્યા (histopathology) : શ્વસનનલિકાઓ (bronchi) અને ફેફસાની પ્રમુખપેશી(parenchyma)માં વિવિધ પ્રકારનાં કૅન્સર ઉદભવે છે (જુઓ સારણી 1). તેમાંનાં મોટા ભાગનાં અધિચ્છદીય (epithelial) પેશીમાંથી ઉદભવે છે. ફેફસાનું કૅન્સર મુખ્યત્વે બે પ્રકારનું ગણાય છે – લઘુકોષીય (small cell) અને બિનલઘુકોષીય (non-small cell) કૅન્સર. ફેફસાનાં ત્રીજા ભાગનાં (35 %) કૅન્સર લાદીસમ-અધિચ્છદીય કૅન્સર (squamous cell carcinoma) હોય છે. તે પુરુષોમાં તથા ધૂમ્રપાન કરનારાઓમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે તે ફેફસાનો વચલો ભાગ અથવા ફેફસીદ્વાર(hilum)માં વધુ જોવા મળે છે. જ્યારે તેની ગાંઠ પરિઘીય વિસ્તારમાં હોય ત્યારે તેમાં ગુહાસમ પોલાણ (cavity) ઉત્પન્ન થાય છે. કોષના વિભેદનને આધારે તેને પૂર્ણ વિભેદિત, અપૂર્ણ વિભેદિત, અલ્પ વિભેદિત (poorly differentiated) એમ વિવિધ ઉપપ્રકારોમાં વહેંચવામાં આવે છે. અલ્પ વિભેદિત કૅન્સરને અવિકસિત (anaplastic) કૅન્સર પણ કહે છે. 35 % કિસ્સામાં ગ્રંથિકૅન્સર (adenocarcinoma) ઉદભવે છે. તે સામાન્ય રીતે પરિઘના વિસ્તારોમાં (ફેફસાની કિનારી પાસે) થાય છે અને તેમાં પોલાણ થતું નથી. તે ઘણી વખત ક્ષયના તંતુઓવાળી રૂઝપેશી(scar)માં પણ વિકસે છે. તે ઘણી વખત અન્ય અવયવોમાં પ્રસરે છે. તેના પણ વિભેદનના પ્રમાણને આધારે વિવિધ ઉપપ્રકારો છે. શ્વસનનલિકા-વાયુપોટાકીય (broncho-alveolar) કૅન્સર ગ્રંથિકૅન્સરનો વિશિષ્ટ પ્રકાર છે, જેમાં એક કે વધુ ગંડિકાઓ(nodules)ના રૂપે અથવા ન્યુમોનિયા જેવાં એક્સ-રે ચિત્રણ જોવા મળે છે. 15 % કિસ્સામાં અવિભેદિત ગુરુકોષીય કૅન્સર થાય છે. અન્ય પ્રકારના બિનલઘુકોષીય કૅન્સરનું પ્રમાણ ઘણું ઓછું છે. 20 %થી 25 % કિસ્સામાં લઘુકોષીય કૅન્સર થાય છે.

સારણી 1 : ફેફસાનાં કૅન્સરના પ્રકારો

લઘુકોષીય ફેફસી કૅન્સરની કેટલીક લાક્ષણિકતાઓ છે. તેના ઘણા દર્દીઓમાં અર્બુદઅવદમકજનીન (tumour suppressor gene) નિષ્ક્રિય બનેલો હોય છે, 90 % કિસ્સામાં ત્રીજા રંગસૂત્રની ટૂંકી ભુજા જતી રહેલી હોય છે અને 80 % કિસ્સામાં p53 જનીન પણ નિષ્ક્રિય થયેલો હોય છે. તેના ઘણા કિસ્સામાં c-myc જનીન (42 %) અને
BCL-2 જનીન(72 %)નું કાર્ય વિવર્ધિત (amplified) થયેલું હોય છે. આ ઉપરાંત પણ અનેક પ્રકારની ક્રિયાણુલક્ષી (molecular) વિષમતાઓ પણ જોવા મળે છે. જેમકે ઇન્સ્યુલિન-સમવૃદ્ધિઘટક (insulin like growth factor) અને તેનો સ્વીકારક (receptor), સી-કિટ, ટેલોમરેઝ વગેરે.

લઘુકોષીય અને બિનલઘુકોષીય કૅન્સરના વિકાસ, ફેલાવા અને સારવારમાં ઘણો તફાવત છે અને તેથી ફેફસાના કૅન્સરને મુખ્ય બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે : લઘુકોષીય અને બિનલઘુકોષીય કૅન્સર.

પ્રારંભિક નિર્દેશન અને નિદાન : મોટા ભાગના (88 %) કિસ્સામાં કૅન્સરને કારણે તકલીફો ઉદભવે છે, પરંતુ 12 % કિસ્સામાં આકસ્મિક નિદાન થાય છે અને તે વખતે કોઈ પણ તકલીફ ન પણ હોય. થોડાક દર્દીઓને કૅન્સરની ગાંઠ દ્વારા ઉત્પન્ન કરાતાં દ્રવ્યોની શારીરિક અસરોને કારણે તકલીફો થાય છે. તેને પરાકૅન્સરીય સંલક્ષણ (paraneoplastic syndrome) કહે છે. ઉધરસ (88 %) તથા ગળફામાં લોહી પડવું (50 %થી 60 %) એ મુખ્ય લક્ષણો છે. ક્યારેક હાંફ ચડે અને સસણી (wheezing) બોલે. 40 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિની લાંબા ગાળાની ઉધરસમાં દેખીતો તફાવત આવે કે તેમને ગળફામાં લોહી પડે તો ફેફસાના કૅન્સરની શક્યતા અંગે તપાસ કરવામાં આવે છે. જો ગાંઠને કારણે શ્વાસની નળીઓમાં અવરોધ ઉદભવે તો તેમાં ચેપ (infection) લાગે છે અને ત્યારે તાવ આવે તથા પીળા ગળફા પડે છે. ક્યારેક તેમાં ન્યુમોનિયા કે ગૂમડું પણ થાય છે. શ્વાસનળીના અવરોધને કારણે શ્વાસ ચડે, ક્યારેક લોહી અને શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય (hypoxia), ન્યુમોનિયા થાય કે ફેફસાના ચોક્કસ ભાગમાં હવા જતી અટકી જાય તો તે દબાઈ જાય. કૅન્સરની ગાંઠ ફેફસાના આવરણને અસર કરે તો દુખાવો થાય અને ફેફસાની આસપાસ પાણી ભરાય (12 %). ક્યારેક ગાંઠ અન્નનળીને દબાવે તો ખોરાક ગળવાની તકલીફ થાય, સ્વરપેટીની ચેતા દબાય તો અવાજ બેસી જાય અને જો પાંસળીમાં કૅન્સર ફેલાય તો સખત દુખાવો ઊપડે. ગાંઠ ક્યારેક ઉરોદરપટલ(diaphragm)ની ચેતાને અસર કરે તો ઉરોદરપટલનો લકવો થાય છે તથા જો માથા અને હાથમાંથી લોહી લાવીને હૃદયમાં પહોંચાડતી ઊર્ધ્વમહાશિરા (superior vena cava) અથવા ઉપલી મોટી શિરા દ્બાય તો ગળા તથા મોઢા પર સોજા આવે છે અને છાતીના આગલા ભાગમાં નવી વાંકીચૂકી શિરાઓ ઊપસી આવે છે. તેને ઊર્ધ્વમહાશિરારોધ (superior vena caval obstruction) કહે છે. તેની તાત્કાલિક સારવાર આપવી જરૂરી ગણાય છે. એક્સ-રે ચિત્રણમાં ફેફસામાં કોઈ ડાઘો દેખાય અને જો દર્દીને દુખાવો થતો હોય તો ફેફસાના કૅન્સરની તપાસ કરાય છે.

છાતીના ઉપલા ભાગ પાછળની બાજુએ થતા ફેફસાના કૅન્સરને પાન્કોસ્ટની ગાંઠ કહે છે. તેમાં ડોકના છેલ્લા અને પીઠના પહેલા મણકા પાસેથી નીકળતી ચેતા દબાય છે અને તેના કારણે હાથમાં અને ખભામાં દુખાવો થાય છે તથા ઝણઝણાટી થાય છે. ઘણી વખત પહેલી કે બીજી પાંસળીનો પાછલો છેડો કૅન્સરની અસર હેઠળ ખવાઈ જાય છે. તેને કારણે પણ સખત પીડા થાય છે. આ ઉપરાંત તે ચહેરો, કીકી તથા ઉપલા પોપચાની ચેતાના ચેતાકંદુક(ganglion)ને અસર કરે છે. તે અનુકંપી ચેતાતંત્ર(sympathetic system)નો ચેતાકંદુક છે અને તેથી ચહેરાના તે ભાગમાં પરસેવો થતો નથી, ઉપલું પોપચું ઢળેલું રહે છે અને કીકી સાંકડી થઈ જાય છે. એને હૉર્નરનું સંલક્ષણ કહે છે.

ફેફસાનું કૅન્સર લોહી દ્વારા શરીરમાં જુદા જુદા અવયવોમાં ફેલાય છે. મુખ્યત્વે તે હાડકાં, મગજ અને યકૃત(liver)માં જાય છે. જે તે અવયવમાં ફેલાયેલું કૅન્સર તેનાં ચિહનો અને લક્ષણો સર્જે છે. આ ઉપરાંત ફેફસાનું કૅન્સર અન્ય અવયવમાં ન ફેલાયું હોય તોપણ ક્યારેક તે અન્ય અવયવોની કાર્યક્ષમતાને અસર કરીને તત્પૂરતાં ચિહ્નો અને લક્ષણો પેદા કરે છે. તેને પરાકૅન્સરી (paraneoplastic) સંલક્ષણ કહે છે (સારણી 2).

સારણી 2 : પરાકૅન્સરી સંલક્ષણો

1. અંત:સ્રાવી (endocrine) :

અલ્પમૂત્રક અંત:સ્રાવ(ADH)ની અધિકતા, કુશિંગનું સંલક્ષણ,

કાર્સિનૉઇડ સંલક્ષણ, લોહીમાં કૅલ્શિયમનું વધેલું પ્રમાણ.

2. ચેતા-સ્નાયુલક્ષી :

માયસ્થેનિયા-ગ્રેવિસ જેવો વિકાર, નાના મગજની અપક્ષીણતા

(degeneration), પરિઘીય ચેતાઓનો વિકાર (peripheral

neuropathy), સ્નાયુવિકાર (myopathy)

3. ચામડી :

ઍકૅન્થૉસિસ નિગ્રિકાન્સ, ચામડી અને સ્નાયુનો વિકાર

(dematomyopathy)

4. લોહી :

પાંડુતા (anaemia), નસોમાં લોહી જામી જવું, લોહીમાં શ્વેતકોષોની

વધતી સંખ્યા, રક્તકોષોનું ઉત્પાદન બંધ

5. વાહિનીજન્ય વિકાર :

નસમાં લોહીનું જામી જવું અને ચેપ લાગવો (સગુલ્મશિરાશોથ,

thrombophlebitis), હૃદયના વાલ્વનો ચેપ વગરનો સોજો.

ફેફસાના કૅન્સરનું નિદાન મુખ્યત્વે છાતીના એક્સ-રે ચિત્રણથી થાય છે. તેના દ્વારા ગાંઠનું સ્થાન તથા માપ, શ્વસનનળીનો અવરોધ, ફેફસામાં લાગેલો ચેપ, ઉરોદરપટલનો લકવો, ફેફસાની આસપાસ પરિફેફસી પ્રવાહી ભરાવું કે પાંસળીઓમાં કૅન્સરનો ફેલાવો થવો વગેરે જાણી શકાય છે. આ ઉપરાંત શ્રેણીબદ્ધ એક્સ-રે ચિત્રણો લેવાયાં હોય તો ગાંઠની વૃદ્ધિનો દર જાણી શકાય છે. સામાન્ય રીતે ફેફસાનું કૅન્સર 18થી 24 મહિનામાં બમણા કદનું થાય છે. આ ઉપરાંત સીએટી-સ્કૅન તથા એમઆરઆઈનાં ચિત્રણો મેળવવાથી ગાંઠનું નિદાન તથા તે શસ્ત્રક્રિયા વડે દૂર કરી શકાશે કે નહિ તે જાણી શકાય છે. ગાંઠના કોષોનો પ્રકાર જાણવા માટે મુખ્ય બે પદ્ધતિઓ છે : કોષવિદ્યા (cytology) અને જીવપેશીપરીક્ષણ (biopsy). ગળફા દ્વારા કે શ્વસનનલિકા-અંત:દર્શન (bronchoscopy) દ્વારા મેળવેલા પ્રવાહીમાંના કોષોનો અભ્યાસ નિદાનસૂચક છે. તેને કોષવિદ્યા કહે છે. આ ઉપરાંત પાતળી સોય વડે છાતીની દીવાલની આરપાર કોષો લેવામાં આવે તો તે પણ ઉપયોગી તપાસપદ્ધતિ છે. તેને ફાઇન નીડલ ઍસ્પિરેશન સાયટોલૉજી (FNAC) અથવા તનુસૂચિ અવશોષી કોષવિદ્યા કહે છે. જીવપેશીપરીક્ષણ માટે શ્વસનનલિકા-અંત:દર્શન વખતે અથવા ગળા કે બગલમાં અસરગ્રસ્ત થયેલી લસિકાગ્રંથિને નાની શસ્ત્રક્રિયા વડે દૂર કરીને પેશીનો ટુકડો લેવાય છે. ક્યારેક ફેફસાની આસપાસ ફેલાયેલા પ્રવાહીમાં છૂટા પડેલા કૅન્સરના કોષોનો અભ્યાસ પણ નિદાન માટે ઉપયોગી હોય છે. શસ્ત્રક્રિયા કરીને કૅન્સરની ગાંઠને દૂર કરતાં પહેલાં ફેફસાની શ્વસનક્ષમતા જાણી લેવાય છે.

તબક્કા : ફેફસાના કૅન્સરને 4 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે (જુઓ સારણી 3 અને 4).

સારણી 3 : ફેફસાનાં કૅન્સરનું TNM વર્ગીકરણ

T0, N0, M0

 

Tx, Nx, Mx

 

Tis

T1

 

T2

 

T3

 

 

T4

અનુક્રમે મૂળગાંઠ (T), અસરગ્રસ્ત લસિકાગ્રંથિ (N) તથા

અન્યત્ર ફેલાયેલી ગાંઠ (M) નથી.

અનુક્રમે મૂળગાંઠ, લસિકાગ્રંથિ કે અન્યત્ર ફેલાવાની

માહિતી નથી.

અતિસીમિત મૂળગાંઠ

મુખ્ય શ્વસનનલિકા(bronchus)થી દૂર, 3 સેમી.થી નાની

ગાંઠ

શ્વાસનળી(trachea)ના દ્વિભાજનથી 2 સેમી. દૂર, 3 સેમી.

કે મોટી ગાંઠ

ફેફસાની આસપાસનું આવરણ, હૃદય આસપાસનું

આવરણ, શ્વસનનલિકાનું ઉદગમસ્થાન કે છાતીની

દીવાલમાં ફેલાવો અથવા ઉરોદરપટલનો લકવો

હૃદય, મોટી નસો, શ્વાસનળી, અન્નનળી, કરોડના

મણકામાં ફેલાવો

N1

N2

 

N3

ગાંઠની બાજુના ફેફસીદ્વારની લસિકાગ્રંથિઓમાં ફેલાવો

બે ફેફસાં વચ્ચેના પોલાણ(મધ્યવક્ષ, mediastinum)માં

ગાંઠની બાજુની લસિકાગ્રંથિઓમાં ફેલાવો

છાતીમાં સામેની બાજુની લસિકાગ્રંથિઓમાં ફેલાવો

M1 દૂરના અવયવોમાં લોહી દ્વારા ફેલાવો

સારવાર અને પરિણામ : ફેફસાના કૅન્સરના બે મુખ્ય પ્રકારો – લઘુકોષીય (નાના કોષવાળું) અને બિનલઘુકોષીય કૅન્સર – ની સારવારના સિદ્ધાંતો જુદા જુદા છે. લઘુકોષીય કૅન્સરમાં દવાઓની સારવાર મહત્વની છે અને તે શરૂઆતથી જ અપાય છે. બિનલઘુકોષીય કૅન્સરની શરૂઆતના તબક્કામાં શસ્ત્રક્રિયા ઉપયોગી રહે છે. સામાન્ય રીતે બિનલઘુકોષીય કૅન્સર જો પહેલા 2 તબક્કામાં હોય તો તેને શસ્ત્રક્રિયા વડે દૂર કરી શકાય છે. જ્યારે બે ફેફસાંની વચ્ચેના પોલાણ(મધ્યવક્ષ, mediastinum)માંની ગાંઠ તરફની લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત થઈ હોય ત્યારે શસ્ત્રક્રિયા કરવી કે નહિ તેનો નિર્ણય ખૂબ સાવચેતીપૂર્વક લેવો પડે છે. જો લસિકાગ્રંથિઓમાં કૅન્સર ફેલાયેલું ન હોય (પ્રથમ તબક્કો) તો શસ્ત્રક્રિયા પછી 85 % દર્દીઓ પાંચ વર્ષથી વધુ જીવવાની શક્યતા રહે છે. લસિકાગ્રંથિઓમાંનો ફેલાવો જેટલો વધારે તેટલું પરિણામ ઓછું સારું. કેટલાંક કેન્દ્રોમાં ‘3a’ તબક્કા સુધી પણ શસ્ત્રક્રિયા કરાય છે અને 50 % દર્દીઓ પાંચ વર્ષ સુધી જીવે છે એવું નોંધાયું છે. પ્રથમ બે તબક્કામાં ફેફસાનો અસરગ્રસ્ત ખંડ (lobe) દૂર કરવામાં આવે છે. તેને ખંડોચ્છેદન (lobectomy) કહે છે. જો ગાંઠ ફેફસીદ્વાર પાસે હોય તો આખું ફેફસું દૂર કરાય છે. તેને ફેફસીઉચ્છેદન (pneumonectomy) કહે છે. ક્યારેક ફેફસાનો ઉપખંડ (segment) દૂર કરવાની શસ્ત્રક્રિયા થાય છે. તેને ઉપખંડોચ્છેદન (segmental resection) કહે છે. સામાન્ય રીતે શસ્ત્રક્રિયા પછી લાદીસમ અધિચ્છદીય કૅન્સર(squamous cell carcinoma)વાળા દર્દીઓ અન્ય પ્રકારો કરતાં વધુ જીવે છે.

સારણી 4 : ફેફસાનાં કૅન્સરના તબક્કા

તબક્કો TNM વર્ગીકરણ રોગનો ફેલાવો
0 Tis N0 M0 અતિસીમિત કૅન્સર
1 T12 N0 M0 શ્વસનનળીથી 2 સેમી. દૂર ગાંઠ
2 T1–2 N2 M0 તબક્કો 1 + ગાંઠની બાજુના ફેફસી-

દ્વારની લસિકાગ્રંથિઓમાં ફેલાવો

3a T1–2 N2 M0 તબક્કો 1 + મધ્યવક્ષની ગાંઠ

તરફની લસિકાગ્રંથિઓમાં ફેલાવો

T3, ગમે તે N, M0 ફેફસાના આવરણમાં તથા તેને

અડીને આવેલી પેશીઓમાં ફેલાવો

3b T1–4 N3 M0 સામેની બાજુની લસિકાગ્રંથિઓમાં

ફેલાવો અથવા આસપાસના

અવયવોમાં ફેલાવો

4 કોઈ પણ T,

કોઈ પણ N, M1

દૂરના અવયવોમાં ફેલાવો

વિકિરણનચિકિત્સા (radiotherapy) – શરૂઆતની સારવારરૂપે, તકલીફોમાં રાહત આપવા માટે કે હાડકામાં ફેલાયેલા કૅન્સરનો દુખાવો દૂર કરવા અપાય છે. બિનલઘુકોષીય કૅન્સરમાં ભારે માત્રામાં વિકિરણનસારવાર આપવાથી ઘણી રાહત થઈ શકે છે. દર્દીના બાકીના ફેફસાની કાર્યક્ષમતા સારી હોય તે ખાસ જોવામાં આવે છે. વિકિરણનની મદદથી શસ્ત્રક્રિયા પૂર્વે કૅન્સરની ગાંઠ નાની કરી શકાય છે અથવા શસ્ત્રક્રિયા પછી જો થોડી ગાંઠ રહી ગઈ હોય તો તેની પણ સારવાર કરી શકાય છે.

દવાઓની સારવાર (ઔષધચિકિત્સા, chemotherapy) લઘુકોષીય કૅન્સરમાં મહત્વની હોય છે. બિનલઘુકોષીય કૅન્સર જ્યારે વ્યાપક રૂપે ફેલાયું હોય ત્યારે પણ દવાઓ વડે સારવાર કરાય છે. સિસ-પ્લૅટિન અને જેમ્સાયટેબિનની સામૂહિક સારવાર, ઇટોપોસાઇડની સામૂહિક સારવાર, સાઇક્લોફૉસ્ફેમાઇડ, ડૉક્સોરુબિસિન, મિથોટ્રેક્ઝેટ અને પ્રોકાર્બાઝિનની સામૂહિક સારવાર, માયટોમાયસિન-સી અને વિન્બ્લાસ્ટિનની સામૂહિક સારવાર ટેક્સેન (પેક્લિટેક્સેલ કે ડોસિટેક્સેલ) વડે સારવાર વગેરે વિવિધ દવાઓના જુદા જુદા સમૂહો (combinations) વડે સારવાર કરાય છે. જો માથા અને હાથમાંથી લોહી લાવતી મોટી શિરાનું દબાણ થયેલું હોય તો તેવા સંજોગોમાં ઝડપથી અસર કરે એવી વાયુરૂપ દવા નાઇટ્રોજન મસ્ટાર્ડ નસ વાટે અપાય છે. દવાઓની મદદથી જીવનકાળ બમણો કરી શકાય છે. હાલ શસ્ત્રક્રિયા પૂર્વે પણ દવાઓ આપીને ફેફસાના કૅન્સરનો તબક્કો ઘટાડવા માટે ઔષધો અપાય છે.

અન્ય સારવાર પદ્ધતિઓ રૂપે પ્રતિરક્ષાલક્ષી (immune) સારવાર, લેઝર વડે સારવાર, પ્રકાશગતિકી (photodynamic) સારવાર તથા શ્વસનનલિકાની અંદર સમીપસ્થાની વિકિરણનસારવાર(brachy- therapy)ની અજમાયશ થઈ રહી છે. સિસ-પ્લૅટિન અને ટેક્સેન વડેની સારવાર નિષ્ફળ રહે તે કિસ્સામાં જેફિટિનિવ અને એર્લોટિનિવ અપાય છે.

લઘુકોષીય કૅન્સરની સારવાર : સારવારની ર્દષ્ટિએ તેને બે જૂથમાં વહેંચવામાં આવે છે – સીમિત ફલકીય (limited stage) અને વ્યાપક ફલકીય (extensive stage). એક ફેફસામાં રહેલું તથા બંને ફેફસીદ્વાર (bilar), મધ્યવક્ષ (mediastium) અને સમપાર્શ્વી (ipsilateral) અથવા ગાંઠની બાજુના હાંસડીના હાડકાથી ઉપર આવેલી લસિકાગ્રંથિમાંની ગાંઠવાળું ‘એક વિકિરણન ક્ષેત્ર’માં સમાવેશ થતું કૅન્સર સીમિત ફલકીય કૅન્સર ગણાય છે. તેની બહાર ફેલાયેલું હોય કે ફેફસાની બહાર તેના આવરણમાં પ્રવાહી ફેલાયું હોય તો તેને વ્યાપકફલકીય કૅન્સર કહે છે.

સીમિતફલકીય કૅન્સરમાં સામૂહિક ઔષધચિકિત્સા (combination chemotherapy) અને અતિઅલ્પાંશીય (hyperfractionaled) વિકિરણનચિકિત્સા અપાય છે. રોગ મગજમાં પ્રસરતો અટકે તે માટે પ્રતિરોધીય (prophylactic) મસ્તિષ્કી વિકિરણન અપાય છે. તેમાં મગજને વિકિરણનચિકિત્સા આપીને રોગને મગજમાં ફેલાતો અટકાવાય છે. વ્યાપકફલકીય રોગમાં સામૂહિક ઔષધચિકિત્સા અપાય છે.

પાનકોસ્ટનું કૅન્સર (Pancoast tumour) : તેને ઊર્ધ્વગર્તીય અર્બુદ (superior suleus tumour) પણ કહે છે. તેને સન 1924માં પાનકોસ્ટે વર્ણવ્યું હતું. તેમાં ફેફસાના કૅન્સરની ગાંઠ પાછળના ભાગે બીજી પાંસળી જ્યાં કરોડસ્તંભ સાથે જોડાય છે તે ભાગે થાય છે. તેમાં ડોકના નીચલા ભાગમાં (C8) અને છાતીના ઉપલા ભાગે (T1, T2) આવેલા મજ્જારજ્જુલક્ષી ચેતાઓ(spinal nerves)ના વિસ્તારમાં એટલે કે ડોકના નીચલા અને છાતીના ઉપલા ભાગમાં મુખ્યત્વે પાછળ તથા ખભાની પાછળ દુખાવો થાય છે તથા ક્યારેક હૉર્નરનું સંલક્ષણ થાય છે. સામાન્ય રીતે બીજી પાંસળીનો પાછલો છેડો કૅન્સરગ્રસ્ત થયેલો હોય છે. તે T3 કે T4 તબક્કામાં હોય છે અને બિનલઘુકોષી પ્રકારનું (ગ્રંથિકૅન્સર) હોય છે. જો લસિકાગ્રંથિ અસરગ્રસ્ત થઈ હોય તો તે ખરાબ પરિણામ સૂચવે છે. સારવારમાં વિકિરણનચિકિત્સા અથવા શસ્ત્રક્રિયા કરાય છે. 5 વર્ષનો જીવનકાળ 15 %થી 50 % કિસ્સામાં જોવા મળે છે.

શ્રેષ્ઠ રાહતદાયી સારવાર (best supportive care) : પરિણામલક્ષી સારવાર અપાતી હોય ત્યારે કે તે નિષ્ફળ ગઈ હોય તે પછી દર્દીની તકલીફો દૂર કરતી સાર-સંભાળને શ્રેષ્ઠ રાહતદાયી સારવાર કહે છે. જેમાં દુખાવો, ખાંસી, શ્વાસ ચડવો, ઊબકા, ઊલટી, મનોવિકારી ચિંતા, ખિન્નતા, પાંડુતા, થાક, અશક્તિ વગેરે વિવિધ તકલીફોને ઘટાડવાની સારવારનો સમાવેશ થાય છે.

લઘુકોષીય કૅન્સરના દર્દીઓને દર ત્રણ અઠવાડિયે સામૂહિક ઔષધ સારવાર આપવામાં આવે છે. તે માટે સિસ-પ્લૅટિન,  ઇટોપોસાઇડ, સાઇક્લોફૉસ્ફેમાઇડ, વિન્ક્રિસ્ટિન, વિન્બ્લાસ્ટિન, ડૉક્સોરુબિસિન તથા કાર્બોપ્લૅટિન વપરાય છે. 70 % દર્દીઓમાં દવાઓની ઘણી સારી અસર થાય છે. તેમાંના 30 % દર્દીઓમાં ગાંઠ પૂરેપૂરી દૂર થાય છે. ફરીથી તે જ સ્થળે કૅન્સર ન થાય તે માટે વિકિરણનની સારવાર અપાય છે. જેમને સંપૂર્ણ સારું થયું હોય તેવા લઘુકોષીય કૅન્સરના દર્દીઓના મગજમાં રોગ ન પ્રસરે તે માટે મગજ પર વિકિરણનની સારવાર અપાય છે.

શિલીન નં. શુક્લ

જયેશ પટેલ