કૅન્સર પિત્તમાર્ગ(biliary tract)નું
January, 2008
કૅન્સર, પિત્તમાર્ગ(biliary tract)નું : પિત્તાશય (gall bladder) તથા પિત્તનળીઓ(bile ducts)નું કૅન્સર. યકૃતમાંથી બે યકૃતનલિકાઓ (hepatic ducts) નીકળે છે જે જોડાઈને મુખ્ય યકૃતનલિકા (common hepatic duct) બનાવે છે. યકૃતમાં બનતું પિત્ત આ નળી દ્વારા પિત્તાશયમાં એકઠું થાય છે. પિત્તાશય 7થી 10 સેમી. લાંબી કોથળી જેવું છે. તે યકૃતની નીચેની સપાટી પર આવેલું છે. પિત્તાશયમાંથી પિત્તાશયનલિકા (cystic duct) નીકળે છે, જે મુખ્ય યકૃતનલિકા સાથે જોડાય છે અને મુખ્ય પિત્તનળી (common bile duct) બનાવે છે. મુખ્ય પિત્તનળી તથા સ્વાદુપિંડનળી વૅટરના વિપુટ (ampulla of Vater) દ્વારા પક્વાશય(deodenum)માં ખૂલે છે. પક્વાશય નાના આંતરડાનો શરૂઆતનો ભાગ છે જ્યાં પાચનની મહત્વની ક્રિયાઓ થાય છે. પિત્તાશય એક ફુગ્ગા જેવી કોથળી છે જેમાં પિત્તનો સંગ્રહ થાય છે તથા પિત્તની સાંદ્રતા (concentration) વધે છે. જ્યારે ચરબી કે તેલવાળો ખોરાક પક્વાશયમાં આવે ત્યારે તેને પચાવવા પિત્તાશય સંકોચાઈને પક્વાશયમાં પિત્તરસ(bile)ને ઠાલવે છે. પિત્તમાર્ગના મુખ્ય રોગોમાં ચેપ લાગવો, પથરી થવી તથા પથરી કે ગાંઠને કારણે અવરોધ પેદા થવો વગેરે છે. પિત્તમાર્ગમાં કૅન્સરજન્ય અટકાવ પેદા થાય ત્યારે પિત્તનો ભરાવો થાય છે, પિત્તાશય ફૂલે છે તથા નલીરોધજન્ય (obstructive) કમળો થાય છે. તેલ-ચરબીનું પાચન ઘટે છે તેથી વાયુપ્રકોપ, તૈલીદ્રવ્ય(મેદ)વાળા ઝાડા (મેદસાર, steatorrhoea) તથા મેદદ્રાવી વિટામિનો(ખાસ કરીને વિટામિન કે)ની ઊણપ થાય છે.
વસ્તીરોગવિદ્યા : પાચનમાર્ગના કૅન્સરમાં પિત્તમાર્ગના કૅન્સરનું સ્થાન ચોથું છે. તેમાંનાભાગનાં કૅન્સર પિત્તાશયમાં અને ભાગનાં કૅન્સર પિત્તનળીઓમાં થાય છે. ભારતમાં પિત્તાશયના કૅન્સરનો વધુમાં વધુ દર 3/1 લાખ પુરુષો સુધીનો છે, જ્યારે સ્ત્રીઓમાં વધુમાં વધુ દર 7/1 લાખ સ્ત્રીઓ છે. સૌથી વધુ દર્દીઓ દિલ્હીમાં નોંધાયા છે. અમદાવાદમાં સ્ત્રીઓ અને પુરુષોમાં આ દર 0.6/1 લાખ વસ્તી જેટલો છે.
કારણો : પિત્તાશયના કૅન્સરના દર્દીઓ મોટે ભાગે વૃદ્ધ (60થી વધુ વયના) હોય છે. સ્ત્રીઓમાં તે થોડું વધારે થાય છે. પ્રજાતીય (racial) પરિબળોને આધારે તે મેક્સિકન આદિવાસી, અમેરિકાના ઇન્ડિયન આદિવાસીઓ તથા અલાસ્કાની મૂળ પ્રજામાં વધુ થાય છે. જેમને પિત્તમાર્ગમાં પથરી થઈ હોય તેમને ખાસ વધારે પ્રમાણમાં કૅન્સર થતું જોવા મળ્યું નથી. પરંતુ જેમને પિત્તાશયનું કૅન્સર થયું હોય તેમનામાં પથરીનો રોગ વિશેષ (70 %થી 80 %) જોવા મળે છે.
વર્ગીકરણ : મોટા ભાગનાં પિત્તાશયનાં કૅન્સર ગ્રંથિકૅન્સર (adenocarcinoma) પ્રકારનાં છે (85 %). પિત્તમાર્ગની નળીઓના કૅન્સરને, જે તે નળીના સ્થાનને આધારે વર્ગીકૃત કરાય છે. તે મુખ્યત્વે પિત્તનળી-કૅન્સર (cholangiocarcinoma) પ્રકારનાં હોય છે. ઘણી વખત તેને જઠરાંત્રમાર્ગના કૅન્સરથી સૂક્ષ્મદર્શક વડે અલગ તારવવું અઘરું બને છે. તે કલિકામય (papillary), ગંડિકામય (nodular) અથવા સંપ્રસરિત (diffuse) પ્રકારનું હોય છે.
પિત્તાશયનું કૅન્સર કઠણ (scirrhous) ઉપપ્રકારનું અથવા શ્લેષ્મ-સ્રાવી (mucus secreting) ઉપપ્રકારનું હોય છે. કઠણ ઉપપ્રકારના કૅન્સરમાં પિત્તાશય નાનું, સંકોચાયેલું અને જાડું થાય છે, જ્યારે શ્લેષ્મસ્રાવી ઉપપ્રકારમાં તે ફૂલે છે અને ક્યારેક તેમાં કાણું પડે છે. પિત્તાશયના કૅન્સરને પાંચ તબક્કામાં વહેંચવામાં આવે છે (જુઓ સારણી).
સારણી : પિત્તાશયના કૅન્સરના તબક્કા
તબક્કો | રોગનો ફેલાવો |
1 | શ્લેષ્મસ્તર(mucosa)માં કૅન્સર |
2 | સ્નાયુસ્તરમાં ફેલાવો |
3 | પિત્તાશયની આખી દીવાલ અસરગ્રસ્ત |
4 | પિત્તાશયનળીની લસિકાગ્રંથિમાં ફેલાવો |
5 | યકૃતમાં સીધો ફેલાવો |
નિર્દેશન અને નિદાન : પેટમાં જમણી બાજુ પર ઉપરના ભાગમાં દુખાવો, ભૂખ ન લાગવી, ઊબકા, ઊલટી, ખૂજલી, વજનનો ઘટાડો, કમળો તથા પિત્તાશયને સ્થાને ગાંઠનું વિકસવું ઇત્યાદિ તેનાં મુખ્ય લક્ષણો છે. ધ્વનિચિત્રણ (sonography), અંત:દર્શક (endoscope) વડે પિત્તમાર્ગનું ચિત્રણ તથા સીએટી-સ્કૅન નિદાનસૂચક હોય છે. અલ્ટ્રાસાઉન્ડ કે સીએટી-સ્કૅનની મદદથી પાતળી સોય દ્વારા કોષોને શોષી લઈને કોષવિદ્યાની પદ્ધતિ(FNAC)થી તપાસવાથી નિદાન થઈ શકે છે. ચામડી તથા યકૃતમાંથી સોય પસાર કરીને યકૃતમાંના તથા યકૃત બહારના પિત્તમાર્ગનું ચિત્રણ (Percutaneous Transhepatic Cholangiography, PTC) કરવાથી પિત્તમાર્ગમાંનો અવરોધ જાણી શકાય છે. અંત:દર્શકની મદદથી પક્વાશયમાં થઈને પિત્તનળીઓ અને સ્વાદુપિંડનળીમાં રસાયણ નાખીને તેનાં એક્સ-રે ચિત્રણો લેવાથી પણ પિત્તમાર્ગ દર્શાવી શકાય છે. તેને અંત:દર્શીય વિપરીતમાર્ગી પિત્તનળી-સ્વાદુપિંડનળી ચિત્રણ (Endoscopic Retrograde Cholangio Pancreatography, ERCP) કહે છે. લોહીમાં આલ્કેલાઇન ફોસ્ફેટેઝ, ગેમા-ગ્લુટામિલ ટ્રાન્સપેપ્ટિડેઝ, કાર્સિનોએમ્બ્રિયોનિક ઍન્ટિજન (CEA), CA 19-9 વધે છે. સામાન્ય રીતે તેવું પિત્તનળીકૅન્સરમાં વધુ જોવા મળે છે.
સારવાર : પિત્તાશયના કૅન્સરના પ્રથમ તબક્કામાં ફક્ત શસ્ત્રક્રિયા પૂરતી થઈ પડે છે. તેમાં પિત્તાશયની કોથળીને કાઢી નાખવામાં આવે છે. બીજા અને ત્રીજા તબક્કામાં આસપાસની પેશી અને સંરચનાઓ(structures)ને પણ અંશત: દૂર કરાય છે. પ્રથમ તબક્કામાં કરાતી શસ્ત્રક્રિયાને સાદી પિત્તાશય-ઉચ્છેદન (simple cholecystectomy) કહે છે, જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં નિ:શેષ (આમૂલ) પિત્તાશય-ઉચ્છેદન (radical cholecystectomy) કરાય છે. શસ્ત્રક્રિયા પછી વિકિરણનચિકિત્સા આપવાથી કોઈ ચોક્કસ લાભ નોંધાયો નથી. ચોથા તબક્કામાં કમળો થયેલો હોય તો પસારનળી (stent) વડે પિત્તને આંતરડામાં પ્રવેશ કરાવાય છે. કમળો શમે પછી શસ્ત્રક્રિયા, વિકિરણનચિકિત્સા, ઔષધચિકિત્સા કે તેમની સામૂહિક સારવાર કરાય છે. ઔષધચિકિત્સા (chemotherapy) રૂપે સિસ-પ્લૅટિન, કાર્બોપ્લૅટિન, જેમ્સાયટેબિન, 5-ફલ્યુરોયુરેસિલ, માયટોમાયસિન વગેરે ઔષધો વપરાય છે. ચિહ્નો કે લક્ષણો પેદા કરતું પિત્તાશયનું કૅન્સર મોટે ભાગે શસ્ત્રક્રિયાઓથી દૂર કરી શકાતું હોતું નથી. પછી સ્થાનિક વિકિરણનચિકિત્સા (radiotherapy) કરાય છે. દવાઓથી મર્યાદિત લાભ મળે છે.
પિત્તમાર્ગની નળીઓનાં કૅન્સર (cholansiocarcinoma) : મુખ્યત્વે ગ્રંથિકૅન્સર (adenocarcinoma) હોય છે
(90 %). તેમાં પણ CA–19.9 વધે છે. જો તે યકૃત પાસેના ભાગમાં હોય તો શસ્ત્રક્રિયા થઈ શકશે કે કેમ તે જાણવું જરૂરી બને છે. તે માટે પારત્વકીય પારયકૃતીય પિત્તનળીચિત્રણ (percutaneous transhepatic cholangiography, PTC) અંત:દર્શીય વિપરીતમાર્ગી પિત્તનળી-સ્વાદુપિંડનળી ચિત્રણ (endoscopic retrograde changiopancreatography, ERCP) જેવાં ચિત્રણો તથા અલ્ટ્રાસાઉન્ડ તથા સીએટી-સ્કૅન ઉપયોગી છે. શસ્ત્રક્રિયારૂપે ગાંઠ કાઢીને યકૃતની પિત્તનલિકાઓને આંતરડા સાથે જોડવાની ક્રિયા કરાય છે. યકૃતમાંની પિત્તનલિકાઓ અસરગ્રસ્ત હોય તો યકૃતનો તે ખંડ કે ઉપખંડ કાઢી નાંખવાની, આંતરડા પાસેનો છેડો અસરગ્રસ્ત હોય તો સ્વાદુપિંડ, પક્વાશય કાઢી નાંખવાની અને વચ્ચેની નળીઓમાં કૅન્સર હોય તો પિત્તાશય અને પિત્તનળીઓ કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા ન થઈ શકતી હોય તેવા કૅન્સરમાં વિકિરણનચિકિત્સા ઉપયોગી છે. પિત્તમાર્ગની નળીઓના કૅન્સરમાં 5-ફ્લ્યુરોયુરેસિલ, ડૉક્સોરુબિસિન, જેમ્સાયટેબિન, સિસ-પ્લૅટિન, ડોસિટેક્સેલ, ઇરિનોટીકેન, ઑક્ઝાલિપ્લૅટિન, કાર્બોપ્લૅટિન વગેરે ઉપયોગી દવાઓ છે.
શિલીન નં. શુક્લ
નટુભાઈ પટેલ