કૅન્સર, નાના આંતરડાનું : તે જઠર અને મોટા આંતરડા વચ્ચે આવેલું પાતળું, પરંતુ લાંબું, નળી જેવું અવયવ છે. તેનું મુખ્ય કાર્ય ખોરાકનું પાચન અને પોષક દ્રવ્યોનું અવશોષણ છે. તેને લઘુઆંત્ર (small intestine) કહે છે અને તેના 3 ભાગ છે – પક્વાશય (duodenum), મધ્યાંત્ર (jejunum) અને અંતાંત્ર (ileum). પિત્ત અને સ્વાદુપિંડની નળીઓ જ્યાં ખૂલે છે તે સ્થાનને વેટરનો વિપુટ (ampulla of Vater) કહે છે. નાના આંતરડાનું કૅન્સર ભાગ્યે જ થાય. તેમાં 40 % ગ્રંથિકૅન્સર (adenocarcinoma), 40 % કૅન્સરાભ (carcinoid), 15 % જઠરાંત્રીય સંજાલપેશી માંસાર્બુદ (GIST) અને 5 % લસિકાર્બુદ (lymphoma) હોય છે.
કોહનના રોગ, કૌટુંબિક ગ્રંથિમય મસાવિકાર (familial adenomatous polyposis), વારસાગત બિનમસામય સ્થિરાંત્ર કૅન્સર (મોટા આંતરડાના કૅન્સરનો એક પ્રકાર) વગેરે વિવિધ રોગોમાં નાના આંતરડાના કૅન્સરનું પ્રમાણ વધે છે. તેમાં ક્યારેક K-ras જનીનીય વિકૃતિ, p53 અભિવ્યક્તિ તથા HER2ની અભિવ્યક્તિ જોવા મળે છે.
લઘુઆંત્રકૅન્સરમાં પક્વાશય, મધ્યાંત્ર, અંતાંત્ર તથા વેટરના વિપુટ(ampulla of Vater)ના કૅન્સરનો સમાવેશ કરાય છે. આંત્રપુચ્છ, અંતાંત્ર-અંધાંત્ર વિકપાટ (ileocaecal valve) કે જે નાના અને મોટા આંતરડાના જોડાણના સ્થાને આવેલો છે અને નાના આંતરડાને નાભિ (umbilicus) સાથે જોડતા તંતુબંધમાં જોવા મળતી મેકેલની અંધનાલિ(Meckel’s diverticulum)માં ઉદભવતા કૅન્સરને લઘુઆંત્રકૅન્સરમાં સમાવિષ્ટ કરાતા નથી. નાના આંતરડાનું ગ્રંથિકૅન્સર (adenocarcinoma) મોટા આંતરડાના ગ્રંથિકૅન્સર જેવી પેશીવિકૃતિઓ (histopathological abnormalities) ધરાવે છે. તે એકાકી (solitary) અને અદંડી (sessile) હોય છે. મસો જ્યારે દીવાલથી દંડ (stalk) દ્વારા લટકતો ન હોય અને દીવાલને જ સીધો ચોંટેલો હોય તો તેને અદંડી કહે છે. તે ‘ઍસિડ મ્યુસિન’ દર્શાવે છે. તે કાર્સિનોએમ્બ્રિયોનિક ઍન્ટિજન (CEA), CA 19-9 અને p53 દર્શાવે છે તથા HER2, ki67 અને ટિનેસિન જેવાં દ્રવ્યો અભિવ્યક્ત કરે છે. અંતાંત્રમાં થતા ગ્રંથિકૅન્સરમાં ચેતા-અંત:સ્રાવી (neuroendocrine) સૂચક દ્રવ્યો (markers) પણ હોય છે.
નિદાન : તેનાં લક્ષણો અલાક્ષણિક (nonspecific) હોય છે. તેમાં પાંડુતા, લોહી વહેવું, પેટનો દુખાવો, ઊબકા, ઊલટી, આંતરડામાં ગતિરોધ (આંત્રરોધ, intestinal obstruction), આંતરડામાં કાણું પડવું વગેરે થાય છે. તેનાં લક્ષણો ધ્યાનાકર્ષક ન હોવાથી નિદાન મોડું થાય છે. તે લસિકાગ્રંથિઓ (lymphnodes), યકૃત, ફેફસું અને પરિતનગુહા(peritoneum)માં પ્રસરે છે. પેટના પોલાણને પરિતનગુહા કહે છે. તેના નિદાનમાં લઘુઆંત્રીય અનુપરીક્ષણવાળી બેરિયમ ચિત્રશ્રેણી (barium meal follow up) તથા સીએટી-સ્કૅન ઉપયોગી હોય છે. CEA, CA 19-9 કે CA 125નું નિદાન કરવામાં ખાસ મહત્વ નથી. શસ્ત્રક્રિયા દ્વારા કે સીએટી-સ્કૅન દ્વારા પેશીપરીક્ષણ (biopsy) માટેનો પેશીનો ટુકડો મેળવાય છે અને સૂક્ષ્મદર્શક વડે તપાસ કરીને નિદાન કરાય છે. તેનું મોટા આંતરડાના કૅન્સરની જેમ TNM વર્ગીકરણ કરીને રોગનો તબક્કો નક્કી કરાય છે.
સારવાર : મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. જો ગાંઠ કાઢી શકાય તેમ ન હોય તો તેને બાજુ પર રાખીને આંતરડાના ગાંઠની ઉપર અને નીચેના છેડાને જોડીને ઉપપથ (bypass) કરાય છે. શસ્ત્રક્રિયા પછી કે પહેલાં ઔષધ-વિકિરણન ચિકિત્સા – અલગ અલગ કે સંગામી (concurrent) અપાય છે. જોકે તે અંગે વિશિષ્ટ અભ્યાસો થયેલા નથી. ઔષધસારવાર રૂપે 5-ફલ્યુરોયુરેસિલ, લ્યુકોવૉરિન તથા માયટોમાયસિન વપરાય છે.
સ્થાનાંતરિત કૅન્સર (metastatic cancer) અથવા ફેલાયેલા કૅન્સરમાં આંતરડામાં ગતિરોધ ન આવે તે માટે સીમિત શસ્ત્રક્રિયા કરીને ઔષધચિકિત્સા (chemotherapy) કરાય છે. તેમાં 5-ફલ્યુરોયુરેસિલ એકલી કે અન્ય દવાઓ સાથે અપાય છે. તેમાં લ્યુકોવૉરિન, માયટોમાયસિન, થાયોટેપા, સિસ-પ્લૅટિન, ડૉક્સોરુબિસિન, એપિરુબિસિન વગેરેનો સમાવેશ થાય છે.
પરિણામ : પૂર્ણ શસ્ત્રક્રિયા પછી 81 % દર્દીઓ 5 વર્ષ માટે અને અપૂર્ણ શસ્ત્રક્રિયા પછી 42 % દર્દીઓ 5 વર્ષ જીવે છે. જો શસ્ત્રક્રિયા શક્ય ન હોય તો 5 વર્ષનો જીવનકાળ 39 % દર્દીઓમાં જોવા મળે છે. આ ત્રણેય જૂથોમાં મધ્યક (median) જીવનકાળ અનુક્રમે 82, 33 અને 10 મહિના રહ્યો હતો. દર્દીનો રોગ લસિકાગ્રંથિઓમાં ફેલાયો ન હોય તો 5 વર્ષનો જીવનકાળ 60 % જેટલાનો હોય છે. વ્યાપક રીતે ફેલાયેલા દર્દમાં મધ્યક જીવનકાળ 8.6 મહિનાનો હોય છે.
શિલીન નં. શુક્લ