કૅન્સર થાઇરૉઇડ ગ્રંથિનું
January, 2008
કૅન્સર, થાઇરૉઇડ ગ્રંથિનું : થાઇરૉઇડ ગ્રંથિનું કૅન્સર થવું તે. ગળામાં શ્વાસનળીની આગળ થાઇરૉઇડ ગ્રંથિ આવેલી છે. તેને ગલગ્રંથિ (thyroid gland) કહે છે. તે એક અંત:સ્રાવી (endocrine) ગ્રંથિ છે. તે પતંગિયા આકારની ગ્રંથિ છે. તેના બે ખંડો (lobes) ગલગ્રંથિસેતુ(isthmus)થી જોડાયેલા હોય છે. થાઇરૉઇડ ગ્રંથિ થાઇરૉક્સિન અને કૅલ્સિટોનિન નામના અંત:સ્રાવોનું ઉત્પાદન કરે છે.
વસ્તીરોગવિદ્યા : ભારતમાં પુરુષોમાં ગલગ્રંથિના કૅન્સરનું પ્રમાણ 0.7થી 1.5/100000 પુરુષોના દરે નોંધાયું છે, જ્યારે સ્ત્રીઓમાં તે પ્રમાણ સહેજ વધારે છે (0.5થી 3.7/100000). તે અમદાવાદના પુરુષોમાં 0.55 %ના દરે થાય છે અને સ્ત્રીઓમાં 0.94 %ના દરે થાય છે.
કારણો : બાળપણમાં ગળાના વિસ્તારમાં વિકિરણનન (radiation) અપાયું હોય તો ગલગ્રંથિનું કૅન્સર થાય છે. તેનું જોખમ આંકડા દ્વારા દર્શાવી શકાય છે. એક એકમ જેટલું વિકિરણનન મેળવતી 20 લાખ વ્યક્તિઓમાં દર વર્ષે 5ને ગલગ્રંથિનું કૅન્સર થાય છે. નિયમિતપણે શવપરીક્ષણ (autopsy, post-mortem) કરતાં કેન્દ્રોમાં ઘણા કિસ્સામાં થાઇરૉઇડનું કૅન્સર જોવા મળેલું છે. જોકે તેમનું જીવન દરમિયાન નિદાન થયેલું હોતું નથી. ફિનલૅન્ડ, જાપાન, અમેરિકા, પોલૅન્ડ અને કૅનેડામાં અનુક્રમે શવપરીક્ષણ દરમિયાન તેનું શોધાયેલું પ્રમાણ 36 %, 28 %, 13 %, 9 % અને 5 % છે. ગ્રેવના રોગ(હાયપર-થાઇરૉડિઝમ)ના 6 % જેટલા દર્દીઓમાં પણ કૅન્સરની શરૂઆતના સૂક્ષ્મ વિસ્તારો જોવા મળે છે. જોકે રોગનાં લક્ષણો જણાતાં હોવાને કારણે નિદાન થયેલા કૅન્સરના કિસ્સા ઘણા ઓછા છે. આયોડિનની ઊણપવાળા વિસ્તારમાં ગલગ્રંથિ મોટી થાય છે. તેને ગલગંડ (goitre) કહે છે. તેમનામાં પણ લક્ષણ વગરનું કૅન્સર મોટા પ્રમાણમાં વિકસે છે. ગલગ્રંથિ ઉત્તેજક અંત:સ્રાવ (thyroid stimulating hormone, TSH) નામના પીયૂષિકા (pituitary) ગ્રંથિના અંત:સ્રાવનું પ્રમાણ વધારે હોય તેમનામાં થાઇરૉઇડ ગ્રંથિનું કૅન્સર વધારે પ્રમાણમાં થાય છે કે નહિ તે વિશે સંશોધન થઈ રહ્યું છે. ગલગ્રંથિ ઉત્તેજક અંત:સ્રાવ ગલગ્રંથિનું ઉત્તેજન કરે છે. તેમનામાં પુટિકામય (follicular) ગ્રંથિઅર્બુદ (adenoma) કૅન્સરનું પ્રમાણ વધે છે. પુટિકામય-અર્બુદ(follicular adenoma)ની સતત વૃદ્ધિ કૅન્સરમાં પરિણમે છે એવું મનાય છે.
નિર્દેશન અને નિદાન : ગળાના આગળના ભાગમાં ગંડિકા (nodule) થાય છે. લોકોમાં આરોગ્યશિક્ષણનો વ્યાપ વધે છે એટલે ગંડિકા 2 સેમી. કે તેનાથી નાની હોય ત્યારે પણ દર્દીઓ તબીબી સલાહ લેતા થાય છે. થાઇરૉઇડ ગ્રંથિમાં જો એક જ ગંડિકા હોય તો તેમાં કૅન્સર હોવાની શક્યતા વધુ છે. ઘણી ગંડિકાઓ થઈ હોય અને તેમાં એક મોટી ગંડિકા હોય તો તેમાં કૅન્સર થયાનો ભય રહે છે. ક્યારેક અન્ય કારણોસર શસ્ત્રક્રિયાથી કાઢેલી ગ્રંથિમાં 1 સેમી.થી નાનો કૅન્સરવાળો વિસ્તાર મળી આવે છે. ક્યારેક ગળામાંની મોટી થયેલી લસિકાગ્રંથિમાં જ થાઇરૉઇડ કૅન્સરનું પહેલવહેલું નિદાન થાય છે (10 %થી 25 %). આવી અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ 2 સેમી.થી મોટી, એકથી વધુ, ક્યારેક બંને બાજુ જોવા મળે છે. થાઇરૉઇડ ગ્રંથિ મોટી ન પણ થયેલી હોય. સામાન્યપણે કલિકામય (papillary) કૅન્સરમાં આ જોવા મળે છે. ઝડપથી મોટી થતી સમગ્ર થાઇરૉઇડ ગ્રંથિમાં વિપરીતવિકસિત (anaplastic) વેલણાકાર (spindle shaped) કોષોનું કે મહાકોષી (giant cell) કૅન્સર થયેલું હોય છે. ક્યારેક થાઇરૉઇડમાં લિમ્ફોમા (લસિકાર્બુદ) પણ થાય છે. કૅન્સરને કારણે થાઇરૉઇડ ગ્રંથિ કઠણ બને, આસપાસ ચોંટે અને પાસેની ચેતા પર દબાણ કરે ત્યારે સ્વર-રજ્જુ(vocal cord)નો લકવો થાય છે. ત્યારે અવાજ બેસી જાય છે. ક્યારેક શ્વાસનળી તથા અન્નનળીનું સ્થાન ખસે છે અથવા તો દબાય છે. તે સમયે શ્વાસોચ્છવાસ કે ખોરાક ગળવામાં તકલીફ થાય છે.
થાઇરૉઇડ ગ્રંથિની કાર્યશીલતામાં ફરક પડતો નથી અને તેથી કાર્યક્ષમતા કસોટીઓ(T3, T4 અને TSHનું લોહીમાં પ્રમાણ)માં કોઈ વિશેષ તફાવત થતો નથી. થાઇરોગ્લોબ્યુલિન રોગની વધઘટ સૂચવતું અગત્યનું કૅન્સરસૂચક દ્રવ્ય (tumour marker) છે. તે થાઇરૉઇડ કૅન્સર માટેના આખા શરીરના સમસ્થાનિક વીક્ષણ (isotope scan) કરતાં વધુ સ્પષ્ટતાથી માહિતી આપે છે. થાઇરૉઇડ ગ્રંથિમાંની ગંડિકાના વિકિરણનશીલ સમસ્થાનિકો(radioactive isotopes)ની મદદથી ગલગ્રંથિ-વીક્ષણ (thyroid-scan) મેળવીને તથા અલ્ટ્રા-સાઉન્ડની મદદથી તપાસ કરાય છે. વધુ પ્રમાણમાં સમસ્થાનિકને ગ્રહણ કરતી ગંડિકાને ઉષ્ણ ગંડિકા (hot nodule) કહે છે. જે ગંડિકામાં સમસ્થાનિક સંગ્રહાતો નથી તેને શીત ગંડિકા (cold nodule) કહે છે. બંનેની વચલી સ્થિતિને ઉષ્મ (warm) ગંડિકા કહે છે. સૉનોગ્રાફીની મદદથી ગંડિકા ઘન (solid) છે કે પોલી અથવા કોષ્ઠીય (cystic) છે તે જાણી શકાય છે. સામાન્યપણે કોષ્ઠીય અને ઉષ્ણ (સક્રિય) ગંડિકામાં કૅન્સર હોતું નથી જ્યારે ઘન અને શીત (નિષ્ક્રિય) ગંડિકામાં કૅન્સર હોવાની શક્યતા વધુ છે. જોકે આ તપાસ સ્વયં-સંપૂર્ણ નથી માટે દરેક કિસ્સામાં સોય વડે અભિશોષીને મેળવાતા કોષોની કોષવિદ્યા(cytology)લક્ષી તપાસ કરવામાં આવે છે. પુટિકામય કૅન્સરનું નિદાન કોષના કોઈ ચોક્કસ કૅન્સર-સૂચક ફેરફાર પરથી નહિ પરંતુ અસામાન્ય સ્થાને (દા.ત., લસિકાગ્રંથિ, લોહીની નસ વગેરે) ફેલાવો થવાથી કરવામાં આવે છે. કૅલ્સિટોનિનનું વધેલું પ્રમાણ મેડ્યુલરી કૅન્સર માટે નિદાનસૂચક ગણાય છે.
વર્ગીકરણ : થાઇરૉઇડ કૅન્સર મુખ્યત્વે 2 પ્રકારનાં છે – વિભેદિત (differentiated) અને વિપરીતવિકસિત (anaplastic). વિભેદિત કૅન્સર પુટિકામય (folicular) અથવા કલિકામય (papillary) પ્રકારનું હોય છે. વિપરીતવિકસિત પ્રકારના કૅન્સરમાં કોષો વેલણાકાર અને મહાકોષી એમ બે પ્રકારના હોય છે. ગલગ્રંથિના પરાપુટિકાકોષો (parafollicular cells)માં મજ્જાકીય ગલગ્રંથિકૅન્સર (medullary thyroid carcinoma) થાય છે (3 %થી 5 %). તે ચેતા-અંત:સ્રાવી ગાંઠ (neuroendocrine tumors) ગણાય છે અને તેમાંથી કેલ્સિટોનિનનો સ્રાવ થાય છે. તેને આ કૅન્સરનું સૂચકદ્રવ્ય (marker) ગણવામાં આવે છે. થાઇરૉઇડ ગ્રંથિમાં ક્યારેક લસિકાર્બુદ (lymphoma) અથવા શલ્કસમ કોષીય (squamous cell) કૅન્સર જોવા મળે છે.
થાઇરૉઇડ ગ્રંથિમાં જુદી જુદી ઉંમરે સારવારનું પરિણામ જુદું જુદું આવતું હોવાથી TNM વર્ગીકરણને આધારે થતું તબક્કામાંનું વિભાજન જુદી જ રીતે કરાય છે. 17 વર્ષથી નીચેની વયે ફેફસાંમાં તથા લસિકાગ્રંથિમાં ફેલાવો થતો હોવા છતાં જીવનકાળ ટૂંકો હોતો નથી. સ્થાનિક વધી ગયેલા રોગની શસ્ત્રક્રિયા કરતાં પહેલાં માહિતી મેળવવા માટે સીએટી-સ્કૅન ઉપયોગી છે. સારણીમાં તેનું વર્ગીકરણ દર્શાવ્યું છે.
સારણી : ગલગ્રંથિના કૅન્સરનું વર્ગીકરણ
તબક્કો | વર્ણન | ||||
T1 | 2 સેમી.થી નાની ગલગ્રંથિમાંની ગાંઠ | ||||
T2 | ગલગ્રંથિમાંની 2થી 4 સેમી. ગાંઠ | ||||
T3 | ગલગ્રંથિમાંની 4 સેમી.થી મોટી કે સહેજ બહાર પ્રસરેલી ગાંઠ | ||||
T4 | આસપાસના અવયવો અસરગ્રસ્ત | ||||
N1 | સ્થાનિક (regional) લસિકાગ્રંથિમાં ફેલાવો | ||||
M1 | લોહી દ્વારા અન્યત્ર ફેલાવો | ||||
પ્રકાર | |||||
તબક્કો | પૂર્ણવિભેદિત | મજ્જાકીય | વિપરીતવિકસિત | ||
45 વર્ષથી | 45 વર્ષથી | (medullary) | (anaplastic) | ||
વધુ ઉંમર | ઓછી ઉંમર | ||||
I | M0 | T1 | T1 | – | |
II | M1 | T2-3 | T2-4 | – | |
III | – | T4/N1 | N1 | – | |
IV | – | M1 | M1 | ગમે તે TNM |
સારવાર : શસ્ત્રક્રિયા વડે દરેક શંકાસ્પદ ગંડિકા દૂર કરાય છે. તે માટે દેખીતી રીતે મોટી થયેલી ગંડિકાઓવાળી સમગ્ર ગ્રંથિને દૂર કરાય છે. સૂક્ષ્મ રોગવિસ્તારો હોય તો અપૂર્ણ (subtotal) શસ્ત્રક્રિયા કરાય છે. 90 % કિસ્સામાં તે ખૂબ જ અલ્પતીવ્રતાવાળું કૅન્સર હોય છે અને તેથી ઘણા કિસ્સામાં તે મૃત્યુનું કારણ હોતું નથી. પરંતુ 50 વર્ષથી વધુ વય, મોટી ગાંઠ, લસિકાગ્રંથિઓમાં ફેલાવો વધુ તીવ્રતાવાળું કૅન્સર સૂચવે છે. તેમાં એક બાજુનો આખો ખંડ અને બીજી બાજુના ખંડનો કેટલોક ભાગ કાઢી નખાય છે. જેમનું કૅન્સર નાનું અને વિભેદિત હોય તેમને શસ્ત્રક્રિયા પછી થાઇરૉઇડ અંત:સ્રાવ આપીને કૅન્સરને દબાયેલું રખાય છે. અન્યત્ર ફેલાયેલા કૅન્સરને વિકિરણશીલ આયોડિન(131I)ની મદદથી કાબૂમાં લેવાય છે. જેમનામાં વિકિરણશીલ આયોડિન(131I)ની પદ્ધતિ નિષ્ફળ રહે તેમને વિકિરણનસારવાર અને દવાઓ અપાય છે. ડૉક્સોરુબિસિન અસરકારક દવા છે. એનાપ્લાસ્ટિક કૅન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણનસારવાર અને પેક્લિટેક્સેલનો ઉપયોગ કરાય છે. મેડ્યુલરી કાર્સિનોમાના દર્દીઓની સારવારમાં મુખ્યત્વે શસ્ત્રક્રિયા વપરાય છે. તેમાં ઔષધોથી કે વિકિરણનસારવારથી ખાસ લાભ થતો નથી. ક્યારેક જરૂર પડ્યે ડેકાર્બાઝિન (DTIC) અને 5-ફ્લ્યુરોયુરેસિલ વપરાય છે.
પરિણામ : 40 વર્ષથી નાના પુરુષો અને 50 વર્ષથી નાની સ્ત્રીઓમાં આ કૅન્સર ભાગ્યે જ મૃત્યુ ઉપજાવે છે. ઉંમર વધવાની સાથે જોખમ વધે છે.
શિલીન નં. શુક્લ
યતિન પટેલ