કૅન્સર, જઠર(stomach)નું : જઠર અંગ્રેજી મૂળાક્ષર ‘J’ આકારનો, કોથળી જેવો તથા અન્નનળી અને નાના આંતરડા વચ્ચે આવેલો પાચનમાર્ગનો અવયવ છે. ખાધેલા ખોરાકનો તેમાં ટૂંક સમય માટે સંગ્રહ થાય છે તથા તેનું પાચન થાય છે. તેને બે વક્રસપાટીઓ હોય છે – નાની અને મોટી. તેના ઉપલા અને નીચલા છેડે દ્વારરક્ષકો (sphincters) આવેલા હોય છે. તેની દીવાલમાં 4 સ્તર (layers) અથવા પડ આવેલાં હોય છે : અંદરનો શ્લેષ્મસ્તર (mucosa), અવશ્લેષ્મસ્તર (submucosa), સ્નાયુસ્તર અને સૌથી બહારનો પરિતનકલા(peritoneum)નો બનેલો સતરલસ્તર (serosa).
વસ્તીરોગવિદ્યા : તે સૌથી વધુ જાપાન, ચિલી અને આઇસલૅન્ડમાં જોવા મળે છે. વિશ્વભરમાં તે બીજા કે ત્રીજા સ્થાને આવતું કૅન્સર છે. અમેરિકામાં તેનું પ્રમાણ ઘટી રહ્યું છે. અમેરિકામાં બધાં કૅન્સરના સંદર્ભમાં તેના નવા દર્દીઓનો દર 2.3 % છે. ભારતમાં પુરુષોના કૅન્સરના 7 % દર્દીઓ જઠરના કૅન્સરના હોય છે (સાતમું સ્થાન) તથા સ્ત્રીઓના કૅન્સરના 3 % દર્દીઓમાં જઠરનું કૅન્સર હોય છે (સાતમું સ્થાન). તેનું પ્રમાણ દક્ષિણ ભારતમાં વધુ છે. તેથી ચેન્નાઈમાં પુરુષોમાં દર 1 લાખની વસ્તીએ 16.5ને જઠરનું કૅન્સર હોય છે અને આમ ત્યાં તેનું સૌપ્રથમ સ્થાન છે. બૅંગલોરમાં પણ તેનો દર 1 લાખ પુરુષોએ દસ દર્દીઓનો છે. ત્યાં તેનો બીજો ક્રમ છે. અમદાવાદમાં દર 1 લાખ પુરુષોમાં 2.6ના દરે અને દર 1 લાખ સ્ત્રીઓમાં 1.71ના દરે જઠરનું કૅન્સર થાય છે.
કારણો : સામાન્ય રીતે મોટી ઉંમરની વ્યક્તિઓમાં (50થી 70 વર્ષે) તે જોવા મળે છે. પુરુષોમાં તેનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં લગભગ બમણું છે. વિષુવવૃત્તીય વિસ્તારોમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. આનો સંબંધ કદાચ જનીની (genetic) ઘટકો સાથે હોઈ શકે. ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટના કુટુંબમાં તે જોવા મળ્યું હતું. ઘણી વખત આ દર્દીઓમાં પ્રણાશી પાંડુતા (pernicious anaemia) નામનો રોગ તથા જઠરમાં ઍસિડનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. જેમનું લોહીજૂથ ‘A’ હોય તેમનામાં બીજા કરતાં જઠરનું કૅન્સર થવાનો 20 % જેટલો દર વધુ રહે છે. મોટે ભાગે જઠરમાં થતા પચિતકલા વ્રણ (peptic ulcer) પ્રકારના ચાંદામાં કૅન્સર થતું નથી. અપોષી ક્ષીણતાવાળા જઠરના રોગ(atrophic gastritis)માં જઠરમાં ઍસિડનું પ્રમાણ ઘટવાને કારણે, ઍસિડને કારણે જે જીવાણુઓ (bacteria) મરી જતા હોય છે તેમની સંખ્યાવૃદ્ધિ થાય છે. તે ખોરાકમાંના નાઇટ્રેટમાંથી નાઇટ્રાઇટ બનાવે છે. નાઇટ્રાઇટમાંથી નાઇટ્રોસેમાઇન બને છે. નાઇટ્રેટ અને નાઇટ્રોસેમાઇન જઠરનું કૅન્સર કરતાં રસાયણો છે. તેથી નાઇટ્રેટવાળો ખોરાક અને અપોષી ક્ષીણતાજન્ય જઠરશોથ(atrophic gastritis)ના દર્દીઓમાં જઠરનું કૅન્સર વધુ થાય છે. આ ઉપરાંત હેલિકોબેકર પાયલોરી નામના સૂક્ષ્મજીવનો ચેપ 3થી 5 ગણો દર વધારે છે. તમાકુને કારણે તેનું જોખમ 1.5થી 3 ગણું વધે છે. અથાવેલો અને ધ્રૂમિત કરેલો ખોરાક નાઇટ્રોસોમાઇન્સની અધિકતાને કારણે જઠરકૅન્સરની સંભાવના વધારે છે. અન્નનળીના નીચલા છેડે, વારેઘડીએ ઍસિડ ઉપર ચડવાથી બૅરેટનું અધિચ્છદ (epithelium) નાના વિકારવાળી અંદરની દીવાલ બને છે. તેમાં ઉદભવેલું કૅન્સર જઠરના ઉપરના છેડાને અસરગ્રસ્ત કરે છે.
નિર્દેશન અને નિદાન : જઠરના કૅન્સરથી ઉદભવતાં શરૂઆતનાં લક્ષણો સામાન્ય પ્રકારનાં અને ધીમે ધીમે વિકસતાં હોવાથી જવલ્લે જ તેનું વહેલું નિદાન થાય છે. મોટા ભાગના દર્દીઓમાં પેટના ઉપલા ભાગમાં દુખાવો કે અસ્વસ્થતાની લાગણી, અપચો, અરુચિ, ક્યારેક ઊલટી, જમ્યા પછી પેટમાં ભાર લાગવો વગેરે જોવા મળે છે. ધીમે ધીમે પાંડુતા (anaemia) થવાથી લોહીમાં હીમોગ્લોબિન ઘટે છે, વજન ઘટે છે અને અશક્તિ આવે છે. રોગ વધે ત્યારે લોહીની ઊલટી થાય, ઝાડો કાળો આવે, પેટમાં ગાંઠ થાય અને/અથવા જઠરમાં કાણું પડે કે અવરોધ પેદા થાય. વહેલું નિર્દેશન કરવા માટે મળમાં અકળ લોહી(occult blood)ની હાજરી મહત્વની છે. તેને કારણે ઝાડો કાળા રંગનો આવે છે. જાપાનમાં તેનું પ્રમાણ વધુ હોઈ ત્યાં મોટા પાયે જઠર-અંત:દર્શન અથવા નિરીક્ષા (gastroscopy) કરાય છે. રોગ વધુ ઉગ્ર બને એટલે પેટમાં પ્રવાહી ભરાય છે, યકૃત (liver) મોટું થાય છે, ક્યારેક અંડગ્રંથિમાં રોગ ફેલાય છે, યકૃતમાં રોગ ફેલાવાથી કમળો થાય છે અને સાથે સાથે જઠરની ગાંઠ તથા શરીરની ક્ષીણતા જોવા મળે છે.
નિદાન માટે બેરિયમ ચિત્રશ્રેણી, જઠર-અંત:દર્શન (નિરીક્ષા), અલ્ટ્રા-સૉનોગ્રાફી (ધ્વનિચિત્રણ) તથા સીએટી-સ્કૅન વપરાય છે. જઠર-અંત:દર્શન (નિરીક્ષા) વડે સૌમ્ય (benign) પચિતકલા વ્રણનું ચાંદું અને કૅન્સરજન્ય ચાંદું એકબીજાંથી અલગ પાડી શકાય છે. તેના વડે જીવપેશીપરીક્ષણ માટે પેશીનો ટુકડો લઈ શકાય છે અથવા પીંછી (brush) વડે કોષો મેળવીને તેની કોષવિદ્યા(cytology)લક્ષી તપાસ કરાય છે. આ પ્રકારે મેળવાયેલ દ્રવ્યનું સૂક્ષ્મદર્શક વડે તપાસ કરીને નિદાન કરાય છે. જઠરકૅન્સરના 40 %થી 50 % દર્દી CEA અને 30 % દર્દી આલ્ફાફીટોપ્રોટીન નામના અર્બુદસૂચક (tumour marker) દ્રવ્યો લોહીમાં દર્શાવે છે. તેમનો ઉપયોગ, રોગની સારવાર વખતે રોગના નિયંત્રણની સ્થિતિ દર્શાવવામાં થાય છે.
વર્ગીકરણ : જઠરનાં મોટા ભાગનાં કૅન્સર (90 %) ગ્રંથિકૅન્સર (adenocarcinoma) પ્રકારનાં હોય છે. ક્યારેક તે લસિકાર્બુદ (lymphoma, 68 %), અરૈખિક સ્નાયુ-માંસાર્બુદ (leiomyosarcoma) તથા કાર્સિનૉઇડ પ્રકારનાં કૅન્સર હોય છે. કૅન્સર જઠરની દીવાલમાં મસા જેવું (polypoid), ચાંદા જેવું (ulcerative) કે સમપ્રસરિત (diffuse) પ્રકારનું હોય છે. મોટા ભાગનાં (45 %) કૅન્સર જઠરની નાની વક્રસપાટી પર આંતરડાની નજીકના છેડે આવેલાં હોય છે અને 22 % જેટલાં કૅન્સર જઠરના અન્નનળી તરફના છેડા પાસે હોય છે. સમપ્રસરિત કૅન્સરના કોષો મુદ્રા પાડી શકાય તેવી વીંટી જેવા એટલે કે વલયમુદ્રિકા (signet ring) આકારના હોય છે. તે યુવાનોમાં થાય છે. તે શ્લેષ્મકલાની નીચે પ્રસરે છે અને જઠરના ઘણા ભાગને પ્લાસ્ટિકના પડની જેમ અસરગ્રસ્ત કરે છે. આ પ્રકારનું કૅન્સર જનીનીય પરિબળો સાથે સંલગ્ન હોય છે અને રુધિરજૂથ-એ તથા K-sam કૅન્સરજનીન સાથે વધુ જોવા મળે છે. વધુ જોવા મળતું જઠરનું કૅન્સર જઠરના આંતરડા તરફના છેડે હોય છે અને તેનું અમેરિકામાં પ્રમાણ ઘટી રહ્યું છે. તે HER2 નામનું સ્વીકારક પ્રોટીન દર્શાવે છે. બંને પ્રકારનાં કૅન્સર એચ. પાયલોરીના ચેપ સાથે સંકળાયેલાં છે. જઠરના કૅન્સરનું TNM વર્ગીકરણ અને તેના તબક્કા સારણીમાં દર્શાવ્યા છે. જઠરનું કૅન્સર ફેલાય છે ત્યારે સ્થાનિક લસિકાગ્રંથિઓ, ડાબી હાંસડીના હાડકાની ઉપરના ભાગની ડોકમાંની લસિકાગ્રંથિઓ (Virchow’s nodes), નાભિ, યકૃત, અંડગ્રંથિ અને પરિતનકલા(peritoneum)ને અસર કરે છે.
જઠરનું કૅન્સર આસપાસના અવયવોમાં સીધેસીધું પ્રસરે છે. તેવી રીતે દાત્રરૂપ તંતુબંધ (falciform ligament) પર થઈને નાભિ (ડૂંટી) પાસેની લસિકાગ્રંથિમાં તથા અન્નનળીના નીચલા છેડા પરની લસિકાવાહિનીઓ દ્વારા ડાબી બગલના આગળના ભાગની લસિકાગ્રંથિમાં પ્રસરે છે. તે બંનેને અનુક્રમે સિસ્ટર મૅરી જોસેફ લસિકાગ્રંથિ અને આઇરિશ લસિકાગ્રંથિ કહે છે. તેવી રીતે પેટમાંની લસિકાગ્રંથિઓ અને ત્યાર બાદ ડાબી હાંસડીની ઉપર ડોકમાં આવેલી લસિકાગ્રંથિમાં પ્રસરે છે (વિર્શોની લસિકાગ્રંથિ). પેટમાંના પોલાણ – પરિતનગુહા(peritoneal cavity)માં તેના કોષો છૂટા પડીને અંડપિંડને અસરગ્રસ્ત કરે છે (ક્રુકેનબર્ગની ગાંઠ) અથવા મળાશય અને મૂત્રાશય વચ્ચેની જગ્યામાં ગાંઠ કરે છે. ક્યારેક તે પેટમાં જલોદર (ascites) કરે છે. લોહી દ્વારા તે યકૃત અને ક્યારેક ફેફસામાં પ્રસરે છે.
સારણી : જઠરના કૅન્સરના તબક્કા તથા TNM વર્ગીકરણ
તબક્કો |
TNM વર્ગીકરણ |
રોગનો ફેલાવો |
0 | Tis N0 M0 | અતિસીમિત કૅન્સર |
1 | T1–2 N0–1 M0 | શ્લેષ્મસ્તર કે સ્નાયુસ્તર સુધી
મૂળ ગાંઠ, સ્થાનિક લસિકાગ્રંથિઓમાં ફેલાવો |
2 | T1–3 N1–2 M0 | જઠરની બહારની સપાટી સુધી
મૂળ ગાંઠ, જઠરની બંને વક્રસપાટી પરની લસિકાગ્રંથિઓમાં ફેલાવો |
3 | T2–4 N2 M0 | આસપાસના અવયવોમાં સીધો ફેલાવો
તથા 3 સેમી.થી મોટી તથા બંને વક્રસપાટીઓ પર આવેલી અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓ |
4 | T0–4 N23 M1 | ગમે તેટલી મોટી મૂળ ગાંઠ, દૂરના
અવયવોમાં લોહી દ્વારા ફેલાવો |
જઠરકૅન્સરના દર્દીને વિવિધ પરાકૅન્સરી સંલક્ષણો રૂપે વિવિધ પ્રકારના વિકારો થાય છે, જેમ કે એકેન્થોસિસ નિગ્રિકાન્સ, ડર્મેટોમાયોસાઇટસ, સિર્સિનેટ એરિથેમા, ફેમ્ફિગોઇડ, સિબોરિક કેરેટોસિસ જેવા ચામડીના રોગો, મનોભ્રંશ (dementia) અને સેરિબેલર એટેકિસઆ જેવા નાના મગજના રોગો તથા ગુલ્મશિરાશોથ (thrombophlebits), સૂક્ષ્મવાહિનીવિકારી રક્તકોષવિલયી પાંડુતા (microangiopathic haemolytic anaemia) અને પટલમય મૂત્રપિંડ-વિકાર (membranous nephropathy).
સારવાર : શરૂઆતના કૅન્સરમાં શસ્ત્રક્રિયા વડે ખૂબ અસરકારક સારવાર થઈ શકે છે. વળી ખૂબ વધી ગયેલા કૅન્સરમાં પણ તે રાહતદાયી સારવાર માટે ઉપયોગી છે. પેટમાં પ્રવાહી ન ભરાયેલું હોય અને યકૃત કે અન્ય કોઈ અવયવમાં રોગ ગયો ન હોય તેવા બધા જ દર્દીઓમાં શસ્ત્રક્રિયા કરાય છે. 40 % દર્દીઓમાં શસ્ત્રક્રિયાથી ગાંઠ દૂર કરી શકાય છે. તે માટે આંશિક કે પૂર્ણ જઠરઉચ્છેદન (gastroctomy) કરાય છે. શસ્ત્રક્રિયાથી ગાંઠ દૂર ન કરી શકાય તેવા દર્દીઓમાં અન્નમાર્ગમાં અવરોધ ન આવે તે માટે તથા પોષણ જાળવવા માટે જઠર અને નાના આંતરડાને કૃત્રિમ રીતે જોડવામાં આવે છે. જઠર-મધ્યાંત્ર જોડાણ (gastrojejunostomy) અથવા જઠર કે નાના આંતરડામાં છિદ્ર (અનુક્રમે જઠરછિદ્રણ gastrostomy અને આંત્રછિદ્રણ enterostomy) પાડીને ખોરાક અને પોષણ આપવાની જોગવાઈ કરાય છે.
શસ્ત્રક્રિયા શક્ય ન હોય તેમની બાબતમાં વિકિરણનચિકિત્સા અને દવાઓ (ઔષધચિકિત્સા, chemotherapy) અપાય છે. જઠરકૅન્સર પર વિકિરણનચિકિત્સા ખાસ અસરકારક નથી. પરંતુ શસ્ત્રક્રિયા પછી જઠર-સ્થાનમાં ફરી ઊથલો મારતો અટકાવવા (ઔષધો સાથે) તથા દુખાવો થતો હોય ત્યારે તે ઘટાડવા વિકિરણનનનો ઉપયોગ કરાય છે. શસ્ત્રક્રિયા કર્યા પછી ઊથલો મારતો અટકાવવા માટે પણ દવાઓ અપાય છે. હાલ ડૉક્સોરુબિસિન, માયટોમાયસિન-સી, 5-ફ્લ્યુરોયુરેસિલ, લ્યુકોવૉરિન કૅલ્શિયમ, સિસ-પ્લૅટિન, ઇટોપોસાઇડ વગેરે વડે વિવિધ પ્રકારની સામૂહિક ઔષધચિકિત્સા (combination chemotherapy) અપાય છે. T1 તબક્કાથી વધુ તબક્કો હોય તેવા બધા જ કિસ્સામાં શસ્ત્રક્રિયા પછી લ્યુકોવોરિન અને 5-ફલ્યુરોયુરેસિલની સામૂહિક ઔષધચિકિત્સા અને જઠર-સ્થાન (stomach bed) પર વિકિરણનચિકિત્સા અપાય છે. તેને સહાયકચિકિત્સા (adjuvant therapy) કહે છે. શસ્ત્રક્રિયા ન થઈ શકે તેવા કિસ્સામાં આ પ્રકારે નવસહાયકચિકિત્સા (neoadjuvant therapy) આપીને પછીથી શસ્ત્રક્રિયાની સંભાવના ફરીથી ચકાસાય છે. અન્ય તબીબી કારણોસર શસ્ત્રક્રિયા ન થઈ શકતી હોય તો ઉપર જણાવેલી સંગામી ઔષધ-વિકિરણનચિકિત્સા (concurrent chemo-radiotherapy) રૂપે ઔષધો અને વિકિરણનને એકસાથે અપાય છે.
પ્રાથમિક જઠરીય લસિકાર્બુદ (primary gastric lymphoma) : તે આશરે 2 %થી 7 % કિસ્સામાં જોવા મળે છે. જો જઠરમાંનો લિમ્ફોમાનો રોગ અન્યત્ર ઉદભવીને વ્યાપક ફેલાવાના ભાગરૂપે જઠરને અસરગ્રસ્ત કરતો હોય તો તેને દ્વૈતીયિક (secondary) જઠરીય લસિકાર્બુદ કહે છે. જો અન્યત્ર ઉદભવેલો રોગ સારવાર પછી જઠરમાં ફરીથી ઊથલો મારે તો તેને તૃતીયિક (tertiary) જઠરીય લસિકાર્બુદ કહે છે. મોટા ભાગના કિસ્સામાં તે બી-કોષીય આક્રમક પ્રકારનું હોય છે. પ્રથમ લસિકાર્બુદની ઔષધચિકિત્સા (chemotherapy) અપાય છે અને જરૂર પડ્યે વિકિરણનચિકિત્સા કે શસ્ત્રક્રિયા કરાય છે. 40 % દર્દીઓમાં તે શ્લેષ્મકલા-સંલગ્ન-લસિકાભ પેશી(mucosa-associated lymphoid tissue, MALT)માં ઉદભવે છે. તેને માલ્ટોમા (MALToma) પણ કહે છે. જો તેનો તીવ્રતાંક નીચો હોય (low grade) તો એચ. પાયલોરી સામેની સારવાર આપીને તેનું પરિણામ જોવાય છે. ગાંઠ પૂરેપૂરી બેસે તો દર્દીને નિરીક્ષણ હેઠળ રખાય છે. જો પૂરતું સારું પરિણામ ન હોય અથવા MALT સિવાયના અલ્પ તીવ્રતાંકી લસિકાર્બુદ હોય તો શસ્ત્રક્રિયા કરાય છે. ત્યાર બાદ કેટલાક કિસ્સામાં કૅન્સરવિરોધી ઔષધચિકિત્સા કરાય છે. અતિસીમિત કૅન્સરના 60 % દર્દી 5 વર્ષથી વધુ જીવે છે. જો જઠરની બહારની સપાટી કે તેની સ્થાનિક લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત થાય તો 5 વર્ષ જીવી શકતા દર્દીઓનો આંક 40 % જેટલો ગણાય છે. મોટી ઉંમર, જઠરના ઉપલા છેડાનું કે આખા જઠરને અસરગ્રસ્ત થતું કૅન્સર, 10 % થી વધુ વજન ઘટાડો તથા લાયનામટિસ પ્લાસ્ટિકા પ્રકારનું કૅન્સર હોય તો પરિણામ ઓછું લાભકારક રહે છે.
શિલીન નં. શુક્લ
હેમંત શુક્લ