કૅન્સર અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓનું
કૅન્સર, અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓનું : અંત:સ્રાવી કોષોનું કૅન્સર થવું તે. જેમાંથી કોઈ રસ ઝરે તે પેશી કે અવયવને ગ્રંથિ (gland) કહે છે. તે 2 પ્રકારની હોય છે – નલિકારહિત (ductless) અને નલિકાવાળી. નલિકારહિત ગ્રંથિને અંત:સ્રાવી ગ્રંથિ પણ કહે છે. તેનો રસ કોઈ નળી દ્વારા બહાર આવતો નથી પરંતુ તેનો રસ સીધો લોહીમાં ભળે છે. તેના રસને અંત:સ્રાવ (hormone) કહે છે. અંત:સ્રાવી ગ્રંથિઓનાં કૅન્સરનું પ્રમાણ 1 % જેટલું છે. વિવિધ અંત:સ્રાવી ગ્રંથિઓમાં ક્યારેક એકસાથે ગાંઠ અથવા વિકારો થાય છે. તેમને બહુગ્રંથીય અંત:સ્રાવી અર્બુદતા (multiple endocrine neoplasia, MEN) કહે છે. MEN-Iમાં પીયૂષિકા (pituitary), સ્વાદુપિંડના દ્વીપકોષો અને પરાગલગ્રંથિ (parathyroid gland) અસરગ્રસ્ત થાય છે. MEN-IIમાં થાઇરૉઇડનું મેડ્યુલરી કાર્સિનોમા, ફિઓક્રોમોસાયટોમા અને પૅરાથાઇરૉઇડ હાયપરપ્લેઝિયા થાય છે. MEN-IIIમાં MEN-II કરતાં સહેજ તફાવત છે અને તેમાં કેટલીક જન્મજાત વિકૃતિઓ અને કંદુક-ચેતાર્બુદો (ganglioneuroma) જોવા મળે છે.
વસ્તીરોગવિદ્યા : અંત:સ્રાવી ગ્રંથિઓમાં સૌથી વધુ કૅન્સર ગલગ્રંથિ(thyroid gland)નાં જોવા મળે છે. તેના સહિત કુલ કૅન્સરનો દર 0.5થી 3.7 / 100000 થાય છે. જ્યારે તેના વગર અન્ય અંત:સ્રાવી ગ્રંથિઓના કૅન્સરનો દર 0.0થી 0.3 / 100000 જેટલો જ થાય છે. અમદાવાદમાં ગલગ્રંથિ સિવાયની અંત:સ્રાવી ગ્રંથિઓના કૅન્સરનો દર 0.10થી 0.16 % છે.
કાર્સિનૉઇડ : નાનું આંતરડું, જઠર, ફેફસું, અંડપિંડ વગેરેમાં કર્કાભ-અર્બુદ (carcinoid tumour) પ્રકારની ગાંઠ થાય છે, જે ઘણી વખત કૅન્સર રૂપે વિકસે છે. તેને ચેતા-અંત:સ્રાવી ગાંઠ (neuroendocrine tumour) કહે છે. પેશાબમાં 5-હાઇડ્રૉક્સિઇન્ડોલ-એસેટિક ઍસિડનું પ્રમાણ જાણવાથી તેનું નિદાન કરી શકાય છે. તેની મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. વિકિરણનન (radiotherapy) અને દવાઓની મર્યાદિત અસર છે. 5-ફ્લ્યુરોયુરેસિલ, સ્ટ્રેપ્ટોઝોટોસિન, સાઇક્લોફૉસ્ફેમાઇડ, ડૉક્સોરુબિસિન, સિસ-પ્લૅટિન, ઇન્ટરફેરૉન વગેરે દવાઓ વપરાય છે.
ફિઓક્રોમોસાયટોમા : ધૂલિવર્ણી કોષાર્બુદ (pheochromo-cytoma) અધિવૃક્ક મધ્યક (adrenal medula) નામની ગ્રંથિ અને અન્ય રજતરાગી (argentophil) કોષોની ગાંઠ છે તે ક્યારેક કૅન્સર રૂપે હાડકાં અને યકૃતમાં ફેલાય છે. પેશાબમાં વેનેલિલ મેન્ડેલિક ઍસિડ(VMA)નું પ્રમાણ વધેલું જણાય છે. ઔષધીય સારવાર કરીને અને સાવચેતી સાથે શસ્ત્રક્રિયા કરીને ગાંઠને દૂર કરાય છે. વિકિરણનન અને કૅન્સરવિરોધી દવાઓ(સાઇક્લોફૉસ્ફેમાઇડ, વિન્ક્રિસ્ટિન, ડેકાર્બાઝિન)થી મર્યાદિત ફાયદો થાય છે.
અધિવૃક્ક–બાહ્યકનું કૅન્સર : અધિવૃક્ક-બાહ્યક (adrenal cortex) નામની ગ્રંથિમાં વિકસતું કૅન્સર જો કાર્યશીલ હોય તો કુશિંગનું સંલક્ષણ કરે છે. તેની મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. રેડિયોફ્રિક્વન્સી એબ્લેશન વડે ગાંઠનો નાશ કરાય છે. માયટોટેન (O´P´–DDD) નામની દવાથી ક્યારેક ફાયદો થાય છે. અન્ય દવાઓમાં ડૉક્સોરુબિસિન, ઇટોપોસાઇડ અને સિસ-પ્લૅટિનનો સમાવેશ થાય છે.
પરાગલગ્રંથિનું કૅન્સર : પરાગલગ્રંથિ(parathyroid gland)નું કૅન્સર ભાગ્યે જ થાય છે. તેની સારવારમાં શસ્ત્રક્રિયા તથા મિથ્રામાયસિનનો ઉપયોગ થાય છે. અન્ય ઔષધોમાં DTIC, 5-ફ્લ્યુરોયુરેસિલ અને સાઇક્લોફૉસ્ફેમાઇડનો સમાવેશ થાય છે. વિકિરણનચિકિત્સા વડે તકલીફોમાં રાહત આપી શકાય છે.
શિલીન નં. શુક્લ
શૈલેષ તલાટી