કૅનિઝારો, સ્તાનિસ્લાઓ (જ. 13 જુલાઈ 1826, પાલેર્મો; અ. 10 મે 1910, રોમ) : ઇટાલિયન રસાયણશાસ્ત્ર. શિક્ષક, ઇટાલિયન સેનેટના સભ્ય અને તેના ઉપપ્રમુખ. 1845-46માં રાફાએલ પિરિયાને સેલિસિલિક ઍસિડ પ્રથમ વાર બનાવવામાં તેમણે મદદ કરી હતી. સિસિલીના બંડમાં ભાગ લેવા બદલ તેમને 1848માં મોતની સજા ફરમાવવામાં આવી હતી. પણ ત્યાંથી છટકી માર્સેલ્સ થઈને 1849માં તે પૅરિસ પહોંચી ગયા.

સ્તાનિસ્લાઓ કૅનિઝારો
ત્યાં તેઓએ 1851માં પ્રો. શેવરલની પ્રયોગશાળામાં સાયનેમાઇડ તૈયાર કરવામાં મદદ કરી. 1851માં તેઓ ઍલેક્ઝાન્ડ્રિયામાં રસાયણ અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1855માં તેમણે કૅનિઝારોની પ્રક્રિયાની શોધ કરી અને જણાવ્યું કે બેન્ઝાલ્ડિહાઇડ સાથે કૉસ્ટિક સોડાના દ્રાવણની પ્રક્રિયાથી સરખા પ્રમાણમાં બેન્ઝાઇલ આલ્કોહૉલ અને સોડિયમ બેન્ઝોએટ બને છે. 1855માં તે જિનોઆમાં પ્રોફેસર તરીકે નિમાયા. 1858માં તેમણે આવોગાદ્રોના સિદ્ધાંતનું મહત્વ સમજાવ્યું તથા અણુભાર અને પરમાણુભાર વચ્ચેનો ભેદ સમજાવવામાં તેનો ઉપયોગ કર્યો. તેમણે અબાષ્પશીલ પદાર્થના પરમાણુભાર શોધવા વિશિષ્ટ ઉષ્મા(specific heat)નો ઉપયોગ કરી બતાવ્યો. 1860માં કાર્લ્સરૂઆમાં રસાયણશાસ્ત્રીઓની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં પરમાણુભારની સાચી સમજ માટે આવોગાદ્રોના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો અને તે અંગે સંશોધનપત્ર રજૂ કર્યું. આ પત્રની રસાયણશાસ્ત્રીઓ પર કોઈ અસર થઈ નહિ. પણ 1864માં લોથરમેયરે તેના રસાયણશાસ્ત્રના પુસ્તકમાં તેને માન્યતા આપી અને સૈદ્ધાંતિક રસાયણનો પાયો મજબૂત કર્યો. 1891માં તેમને લંડન કેમિકલ સોસાયટીનો કોપ્લે ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. 1866થી 1871 સુધી તેઓ જ્યારે કાર્બનિક અને અકાર્બનિક રસાયણના પ્રોફેસર હતા ત્યારે તેમણે ઍરોમૅટિક સંયોજનો અને ઍમાઇન્સનો અભ્યાસ કર્યો. 1871માં તેઓ રોમની યુનિવર્સિટીમાં તે વિષયના અધ્યક્ષ નિયુક્ત થયા. ત્યારપછી તેઓ ઇટાલીની સેનેટના સભ્ય અને છેવટે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
પ્રવીણસાગર સત્યપંથી