કૅનબેરા : ઑસ્ટ્રેલિયાના ઈશાન વિભાગમાં આવેલી ઑસ્ટ્રેલિયાની રાજધાની. તે 35° 17′ દ. અ. અને 140° 08′ પૂ. રે. ઉપર મોલાગ્લો નદીને કિનારે આવેલું છે. તે કૅનબરી અથવા કૅનબ્યુરી તરીકે ઓળખાય છે. તેનો અર્થ સભા માટેની જગ્યા થાય છે. કૅનબેરા સમુદ્રની સપાટીથી 580 મી.ની ઊંચાઈએ ઑસ્ટ્રેલિયન આલ્પ્સ વિસ્તારમાં આવેલું છે. તે સિડનીથી 250 કિમી. દૂર છે. અહીં ઉનાળો આહલાદક અને શિયાળો આકરો હોય છે. 20° સે.થી 5.5° સે. તાપમાન રહે છે. વરસાદ 640 મિમી. પડે છે. 1927 પહેલાં ઑસ્ટ્રેલિયાની રાજધાની મેલબોર્ન હતી. પરંતુ 1927થી કૅનબેરા છે. કૅનબેરાનું ઉનાળાનું તાપમાન 20° સે. અને શિયાળાનું તાપમાન 5.6° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 635 મિમી. જેટલો પડે છે.
કૅનબેરામાં આવેલું એક વહીવટી કાર્યાલયકૅનબેરાનો પ્લાન વૉલ્ટર બર્લી ગ્રિફિન નામના અમેરિકન સ્થપતિએ તૈયાર કર્યો હતો. રસ્તાની બંને બાજુ વૃક્ષોની હારમાળા અને શહેરની મધ્યમાં કૃત્રિમ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2016ની સાલમાં અહીંની વસ્તી 3.96 લાખ હતી. આ શહેરની મુખ્ય ઇમારતોમાં સર જ્હૉન બૅપ્ટિસ્ટ ચર્ચ છે જે 1845માં ઊભું કરવામાં આવ્યું હતું. ઉપરાંત ટૅકનિકલ કૉલેજ, ઑસ્ટ્રેલિયન નૅશનલ મ્યુઝિયમ, ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબેરા સ્કૂલ ઑવ્ મ્યુઝિક, નૅશનલ વૉર મ્યુઝિયમ, માઉન્ટ સ્ટ્રૉમલો પાસે સ્થપાયેલી વેધશાળા તથા બર્લી ગ્રિફિન સરોવર પાસે નવું પાર્લમેન્ટ હાઉસ ઊભું કરવામાં આવેલું છે.
નીતિન કોઠારી