કૅટ્લીન, જ્યૉર્જ (જ. 26 જુલાઈ 1796, વિલ્કેસ બેરી, પેન્સિલ્વેનિયા, અમેરિકા; અ. 23 ડિસેમ્બર 1872, જર્સી સિટી, ન્યૂ જર્સી, અમેરિકા) : અમેરિકાના રેડ ઇન્ડિયનોને આલેખવા માટે જાણીતા ચિત્રકાર અને લેખક. થોડા સમય પૂરતો વકીલાતનો વ્યવસાય કર્યા પછી તેમણે 1823થી વ્યક્તિચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. ચિત્રકલાક્ષેત્રે તેઓ સ્વશિક્ષિત હતા. બાળપણથી તેમને અમેરિકાના રેડ ઇન્ડિયનોનાં જીવન અને સંસ્કૃતિમાં ઊંડો રસ હતો. 1829થી તેમણે રેડ ઇન્ડિયનોની અલગ અલગ જાતિઓને વિષય બનાવતાં ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં.
આવાં એમણે ચીતરેલાં પાંચસો ચિત્રો 1837થી 1845 સુધી અમેરિકા અને યુરોપમાં પ્રદર્શિત થયાં. 1841માં તેમણે તેનું સૌથી વધુ જાણીતું પુસ્તક લખીને પ્રસિદ્ધ કર્યું : ‘લેટર્સ ઍન્ડ નોટ્સ ઑન ધ મૅનર્સ, કસ્ટમ્સ ઍન્ડ કન્ડિશન્સ ઑવ્ ધ નૉર્થ અમેરિકન ઇન્ડિયન્સ’. બે ખંડોમાં વિભાજિત આ પુસ્તકમાં રેડ ઇન્ડિયનો પર કૅટ્લીને કરેલા સંશોધનનો નિચોડ જોવા મળે છે. આ પુસ્તકમાં તેમણે જાતે જ પ્રસંગચિત્રો (illustrations) આલેખ્યાં છે. 1852થી 1857 સુધી તેમણે મધ્ય અને દક્ષિણ અમેરિકાના પ્રવાસ કરીને ત્યાંની ઇન્ડિયન પ્રજાઓ અંગે માહિતી એકઠી કરી. 1858થી 1870 સુધી તેમણે યુરોપમાં વસવાટ કર્યો. કૅટ્લીનનાં મોટાભાગનાં ચિત્રો આજે વૉશિંગ્ટન ડી.સી.ના સ્મિથ્સોનિયન ઇન્સ્ટિટ્યૂશનમાં સંઘરાયાં છે અને ત્યાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. કૅટ્લીનનાં અન્ય પુસ્તકો આ પ્રમાણે છે : ‘કૅટ્લીન્સ નૉર્થ અમેરિકન પૉર્ટફોલિયો : હન્ટિન્ગ સીન્સ ઍન્ડ એમ્યૂઝમેન્ટ્સ ઑવ્ ધ રૉકી માઉન્ટન્સ ઍન્ડ પ્રેઇરીઝ ઑવ્ અમેરિકા’ (1845); ‘કૅટ્લીન્સ નોટ્સ ઑવ્ એઇટ યર્સ ટ્રાવેલ્સ ઍન્ડ રેસિડેન્સ ઇન યુરોપ’ (1848); ‘લાઇફ અમંગ ધ ઇન્ડિયન્સ’ (1867) અને ‘લાસ્ટ રૅમ્બલ્સ અમન્ગ ધ ઇન્ડિયન્સ ઑવ્ ધ રૉકી માઉન્ટન્સ ઍન્ડ ધ એન્ડિઝ’ (1867).
અમિતાભ મડિયા