કૅડમન (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સૌપ્રથમ અંગ્રેજી ખ્રિસ્તી કવિ. તેમણે જૂની અંગ્રેજી(Anglo-Saxon)માં ખ્રિસ્તી ધર્મવિષયક કાવ્યો રચ્યાં. કૅડમનના સમયથી દશમી સદી સુધીમાં ધર્મને લગતાં કાવ્યો સારી સંખ્યામાં રચાયાં. આ પ્રકારનાં કાવ્યોના ઉદભવ અને વિકાસમાં કૅડમનનો અગત્યનો ફાળો છે.

એક રાતે કૅડમને સ્વપ્નમાં તેજથી ઝળાંહળાં એવો એક અદભુત પુરુષ જોયો. તેણે કૅડમનને સૃષ્ટિની ઉત્પત્તિનું ગીત ગાવા આજ્ઞા કરી. આ વાતની જાણ થતાં મઠનાં અધિષ્ઠાત્રી હિલ્ડે કૅડમનને મઠવાસી સાધુ થવા આમંત્રણ આપ્યું. ત્યાં તેમણે ખ્રિસ્તી ધર્મ વિશેની તળપદી કવિતાઓ રચી.

કૅડમન વિશેની જાણકારી એકમાત્ર પુસ્તક કવિ બેડના ‘હિસ્ટોરિયા’ના ચોથા ગ્રંથમાં મળે છે. તે એક સામાન્ય અભણ ભરવાડમાંથી મહાન ખ્રિસ્તી કવિ બન્યો હતો.

કૅડમનના પ્રભુ પ્રત્યેના સૌપ્રથમ સ્તોત્ર ‘હિમ ઑવ ક્રિયેશન’નું લૅટિનમાં ભાષાંતર થયું છે. બેડે પણ તે સ્તોત્રનું રૂપાંતર કર્યું છે. બેડે કૅડમનની કલાભિરુચિની પ્રશંસા કરી છે તથા તેનાં કાવ્યોમાં રહેલી, બીજાઓમાં કલા પ્રત્યેની રુચિ જગવવાની શક્તિની નોંધ લીધી છે અને મઠમાં થયેલા તેના પાવનકારી મૃત્યુની વાતથી સમાપન કર્યું છે.

યોગેશ જોશી