કૅટેલીના ઑબ્ઝર્વેટરી – અમેરિકા

January, 2008

કૅટેલીના ઑબ્ઝર્વેટરી, અમેરિકા : અમેરિકાની ઍરિઝોના યુનિવર્સિટી સાથે સંકળાયેલી અને ટુસાન ખાતે આવેલી ‘લ્યુનર ઍન્ડ પ્લૅનેટરી લૅબોરેટરી’ (LPL) સંસ્થાનું નિરીક્ષણમથક. આ વેધશાળા LPL સંસ્થાથી અંદાજે 45 કિલોમીટરના અંતરે કૅટેલીના પર્વત ઉપર, સમુદ્રની સપાટીથી 2510 મીટરની ઊંચાઈએ આવેલી છે. તેમાં રાખવામાં આવેલા 155 સેમી.ના પરાવર્તક-દૂરબીનનું સંચાલન LPL કરે છે, જેનું ઉદઘાટન 7 ઑક્ટોબર 1965ના રોજ થયું હતું. આ ટેલિસ્કોપનો ઉપયોગ મુખ્યત્વે ચંદ્ર તેમજ ગ્રહોની છબીઓ લેવા માટે અને ચંદ્રની સપાટીના ફોટાના ઍટલાસ (lunar atlases) તૈયાર કરવામાં થાય છે. આ ટેલિસ્કોપના ઘુમ્મટથી અંદાજે 500 મીટરના અંતરે, થોડી ઊંચાઈએ એક બીજા ટેલિસ્કોપનો ઘુમ્મટ આવેલો છે. એક મીટરના આ ટેલિસ્કોપનો ઉપયોગ મુખ્યત્વે પ્રકાશમિતીય નિરીક્ષણ (photometric observation) માટે કરવામાં આવે છે. [પ્રકાશની તીવ્રતાની માપણીને ખગોળશાસ્ત્રમાં પ્રકાશમાપન યા પ્રકાશમિતિ (photometry) કહે છે.] આ ઉપરાંત, કૅટેલીના વેધશાળા ખાતે 42 સેમી.નું એક શ્મિટ-ટેલિસ્કોપ પણ છે જેનો ઉપયોગ, બહુધા ધૂમકેતુઓના નિરીક્ષણ માટે થાય છે. આમ, આ વેધશાળામાં માત્ર ચંદ્ર કે ગ્રહોનો જ અભ્યાસ નથી થતો, પરંતુ તારકીય પ્રકાશમાપન (stellar photometry) જેવી કામગીરી તેમજ ધૂમકેતુઓ વગેરેનો પણ અભ્યાસ થાય છે.

આ વેધશાળાની નજદીકમાં જ માઉન્ટ લેમન ઇન્ફ્રારેડ ઑબ્ઝર્વેટરી આવેલી છે.

સુશ્રુત પટેલ