કૃષ્ણાયન : પંડિત દ્વારકાપ્રસાદ મિશ્રરચિત પ્રસિદ્ધ અવધિ મહાકૃતિ. પંડિત દ્વારકાપ્રસાદ મિશ્ર (ડી. પી. મિશ્ર) રાજકીય નેતા, મધ્યપ્રદેશના પ્રખ્યાત પત્રકાર અને ભૂતપૂર્વ ગૃહમંત્રી હતા. આઝાદીની ચળવળને કારણે તેમને જેલવાસ ભોગવવાનો આવ્યો ત્યારે એમણે 1942માં આ બૃહદ કાવ્યકૃતિ રચી હતી જે પ્રથમ વાર 1947માં પુસ્તકાકારે પ્રકાશિત થઈ હતી. એના કર્તા પોતે સમાજસેવક, પત્રકાર, લોકનાયક અને બહોળા અનુભવી હોઈને આ કૃતિમાં જીવનની વિશાળતા, વિવિધતા, યથાર્થતા, આદર્શ અને વ્યવહાર-સત્યને એક રાષ્ટ્રીય સાંસ્કૃતિક ચિંતનધારા સ્વરૂપે ગૂંથ્યું છે. એને લઈને ‘કૃષ્ણાયન’ જાણે ભારતીય જીવન અને એની શ્રેષ્ઠ સાંસ્કૃતિક પરંપરાઓને વિશુદ્ધ રૂપમાં પ્રગટ કરવા માટે રચાયું હોય એવી પ્રતીતિ થાય છે.
આમ તો ‘કૃષ્યાયન’ એ કૃષ્ણકથા જ છે. મહાભારત – હરિવંશ, શ્રીમદ્ ભાગવત્ અને ‘સૂરસાગર’ના આધારે તેની રચના થઈ છે. આમાં એક સાથે વ્રજના લીલાધર-કૃષ્ણ, દ્વારિકાના પ્રણયી કૃષ્ણ અને ગીતાના કર્મયોગી કૃષ્ણ ત્રણેયનો સમન્વય કરીને કવિએ શ્રીકૃષ્ણને આદર્શ ઉત્તમ પુરુષ તરીકે પ્રસ્તુત કર્યા છે. વસ્તુતઃ મિશ્રાજીએ પોતાના યુગને ‘કૃષ્ણાયન’ના કૃષ્ણ દ્વારા એક સાથે રાષ્ટ્રીયતા, સાંસ્કૃતિક ઐક્ય, આદર્શ, યથાર્થ, રાજનીતિ, વ્યવહાર-નીતિ, યુદ્ધનીતિ અને વ્યક્તિના સામાજિક જીવનને ઉજ્જ્વળ પ્રકાશ અર્પીને પ્રવર્તમાન સમસ્યાઓ – ગ્રંથિઓનાં સમાધાન આપી શકે એવા એક પરિપૂર્ણ, સમર્થ અને અનુકરણીય કર્મઠ પુરુષ તરીકે પ્રસ્તુત કરવા સ્તુત્ય પ્રયત્ન કર્યો છે.
પ્રવીણચંદ્ર પરીખ