કૃષ્ણમાચારી ધર્માવવિરમ્ (જ. 22 નવેમ્બર 1852, ધર્માવરમ્; અ. 30 નવેમ્બર 1913, આલુર) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના તેલુગુ ભાષાના ખ્યાતનામ નાટકકાર. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વેલ્લરીમાં, ઉચ્ચશિક્ષણ હૈદરાબાદમાં. એમણે તેલુગુ નાટ્યસાહિત્યને એક નવો જ વળાંક આપ્યો. એમણે એમનાં નાટકોમાં યક્ષગાન શૈલીનો પ્રયોગ કર્યો અને નાટકમાં પ્રસંગાનુરૂપ ગીતોનો પણ સમાવેશ કર્યો. એમણે ચૌદ પૌરાણિક નાટકો લખ્યાં છે, જેમાં મુખ્ય ‘ચન્દ્રહાસ’, ‘પાંચાળી સ્વયંવરમ્’, ‘પ્રમિલા’ અને ‘ચિત્રનિલયમ્’ છે. એમણે પૌરાણિક વાતાવરણ છતાં તેમાં સમકાલીન રંગો પૂર્યા છે. તેમણે લખેલું ‘શારંગધર’ તેલુગુનું પ્રથમ કરુણાન્ત નાટક છે. એમનાં અન્ય નાટકો સંસ્કૃત નાટ્યના નિયમો પ્રમાણે સુખાન્ત છે.
પાંડુરંગ રાવ