કૃષ્ણન્, રામનાથન્ (જ. 11 એપ્રિલ 1937, ચેન્નાઈ) : ‘પદ્મભૂષણ’ (1967) અને ‘પદ્મશ્રી’ (1962)થી વિભૂષિત. આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ભારતના ટેનિસ- ખેલાડી. અગિયાર વર્ષની નાની વયે સારું ટેનિસ ખેલી જાણતા એમના પિતા ટી. કે. રામનાથનની પ્રેરણાથી તેમણે ટેનિસ રમવાનો પ્રારંભ કર્યો. 1950માં તેર વર્ષની ઉંમરે કોલકાતામાં જુનિયર નૅશનલ ટેનિસ-સ્પર્ધામાં વિજય મેળવ્યો. 1953માં રાષ્ટ્રીય ચૅમ્પિયન થયા. એ જ વર્ષે ભારત તરફથી ડેવિસ કપ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો.
1954માં વિમ્બલ્ડન જુનિયર ચૅમ્પિયનશિપમાં વિજેતા બનનાર પ્રથમ એશિયન ખેલાડીનું માન તેમણે મેળવ્યું. 1959માં વિમ્બલ્ડન સ્પર્ધા પૂર્વે ખેલાતી ક્વીન્સ ક્લબ ટુર્નામેન્ટમાં ઍલૅક્સ ઑલમેડો અને નીલ ફ્રેઝર જેવા શક્તિશાળી ખેલાડીઓને હરાવીને રામનાથને વિજય મેળવ્યો. એ જ વર્ષે અમેરિકન હાર્ડ કોટ ટાઇટલ પણ મેળવ્યું હતું. 1960 અને 1961માં વિમ્બલ્ડનની પુરુષોની સિંગલ્સની સ્પર્ધામાં પહોંચનાર તે પ્રથમ ભારતીય ખેલાડી હતા. 1961માં તેમને રમતગમતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર અર્જુન ઍવૉર્ડ એનાયત થયો. 1962માં બેરી મકાયને હરાવીને તે એશિયન વિજેતા બન્યા. 1954થી 1965 દરમિયાન આઠ વખત રાષ્ટ્રીય વિજેતા બન્યા. 1966માં એમના અથાગ પ્રયાસથી ભારતે ડેવિસ કપમાં બ્રાઝિલને હાર આપી હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટેનિસમાં આગવું પ્રદાન કરવા માટે રમતજગતનો સર્વોચ્ચ હેલમ્સ પુરસ્કાર તેમને એનાયત થયેલો છે.
પ્રભુદયાલ શર્મા