કૃષ્ણન્ કિટ્ના, આર. (જ. 5 જાન્યુઆરી 1973, વેલાટિકોમ્બેઇ ગામ, નીલગિરિ પર્વતો, તમિલનાડુ; અ. 20 માર્ચ 2025) : કુરુમ્બા આદિવાસીઓની આજીલે બોટ્ટુ ચિત્રકળાના કળાકાર. નીલગિરિ પર્વતો પર વસતા કુરુમ્બા આદિવાસી લોકોની એક વસાહતમાં તેમનો જન્મ થયેલો. આ આદિવાસી લોકોની પ્રણાલી મુજબ કૃષ્ણનને બાળપણમાં જ કુરુમ્બા આદિવાસીઓની પ્રાચીન પ્રણાલીગત લોકશૈલી આજીલે બોટ્ટુ પરંપરામાં ગારાથી લીંપેલા ઘરની દીવાલો પર ચિત્રકામ શરૂ કર્યું. તેમાં વૃક્ષો, પાંદડાં, ફળો, ફૂલો, લતાઓ, પંખીઓ, પશુઓ, વાદળાં, તારા, સૂરજ, ચાંદો, નદીઓ, પર્વતો, ભેખડો અને માનવીઓનું નિરૂપણ હતું. સી. પી. રામાસ્વામી ફાઉન્ડેશન હેઠળ ચાલતા કલાશિબિરોમાં તેમણે 1999માં ભાગ લઈને પોતાની ચિત્ર આલેખવાની કુશળતા વધારી. 1985થી 1990 સુધી તેમણે કી સ્ટોન ફાઉન્ડેશનના કાર્યકર તરીકે કુરુમ્બા આદિવાસીઓનાં જીવન અંગેના સર્વેક્ષણમાં ભાગ લીધો. 2004માં તેમણે કુરુમ્બા આદિવાસીઓના આજીલે બોટ્ટુ કલાકાર જૂથની સ્થાપના કરી. કુરુમ્બા આદિવાસીઓ, તેમની જીવનશૈલી તથા તેમની કલા અંગે તેમણે બીજા સંપાદકોના સહકારમાં પુસ્તકો તૈયાર કર્યા : ‘દેવા શોલે’ (2008), અને ‘ફોક ટેઇલ્સ ફ્રોમ નીલગિરિ હીલ્સ’ (2015). તામિલનાડુ લલિતકલા અકાદમી, દક્ષિણ ચિત્ર હેરિટેજ મ્યુઝિયમ, કેરાલા ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઑવ્ શિડ્યુલ્ડ કાસ્ટ્સ ઍન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ તથા આદિવાસી અકાદમી ઑવ્ તામિલનાડુએ તેમનું બહુમાન કરેલું. તેઓ હંમેશા કુદરતી પદાર્થોમાંથી રંગદ્રવ્ય (Pigment) કાઢીને જાતે રંગ તૈયાર કરતા. 2026માં ભારત સરકારે તેમને મરણોપરાંત પદ્મશ્રી ખિતાબ વડે નવાજ્યા હતા.
અમિતાભ મડિયા
