કૃપાલ્વાનંદજી, સ્વામી (જ. 13 જાન્યુઆરી 1913, ડભોઈ, જિ. વડોદરા; અ. 29 ડિસેમ્બર 1981) : યોગી અને સંગીતકાર. પિતા જમનાદાસ; ગૃહસ્થી જીવનનું નામ સરસ્વતીચંદ્ર. બાળપણથી સંગીત પ્રત્યે તીવ્ર અભિરુચિ. પિતા તરફથી વૈષ્ણવભક્તિના સંસ્કારો મળેલા. સાત વર્ષના હતા ત્યારે પિતાજીનું મૃત્યુ થયું. મોટાભાઈ કૃષ્ણદાસ સંગીતના સારા જાણકાર; તેમની પાસેથી સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું. તે સમયે ડભોઈમાં ગાયકવાડ સરકાર તરફથી સંગીત વિદ્યાલય ચાલતું હતું. એના પ્રધાનાચાર્ય આગ્રા ઘરાનાના સંગીતરત્ન આલિ જનાબ ગુલામરસૂલખાં હતા. કૃપાલ્વાનંદજી એમાં જોડાયા. સાથે શાળાનું શિક્ષણ પણ ચાલુ હતું. એમાં પ્રતિવર્ષ પરીક્ષામાં પ્રથમ આવતા હતા. સંગીતનો એટલો બધો રસ કે ઘણુંખરું ડભોઈથી વડોદરા ઉસ્તાદ ફૈયાઝખાંને સાંભળવા જતા તેમ એમને ઘેર પણ જતા અને સંગીતમાં એમનું માર્ગદર્શન લેતા. એક વાર ફૈયાઝખાં બહાર ગયા હતા ત્યારે એમને ઘેર બીજા શિષ્યો સાથે સ્વામીજી સંગીતનો રિયાજ કરતા હતા; એવામાં ઉસ્તાદ આવ્યા અને એમણે થોડો સમય બહાર ઊભા રહી સ્વામીજીનું સંગીત માણ્યું. પછી અંદર આવીને સ્વામીજીને ભેટી પડ્યા અને એમણે પાંચ રૂપિયાની નોટ કાઢી સ્વામીજીના માથા ફરતે ફેરવી એ એક ભિખારીને આપી દીધી. સંગીતની જોડે એમને સાહિત્યનો પણ શોખ હતો. શાળામાં ભણતા ત્યારે જ ગુજરાતી સામયિકોમાં એમનાં લખાણો પ્રસિદ્ધ થતાં હતાં.
એ ઓગણીસ વર્ષના હતા ત્યારે એમને મુંબઈમાં સ્વામી પ્રણવાનંદજીનો મેળાપ થયો અને પછી સવા વર્ષ સુધી એમની પાસે રહી યોગાભ્યાસ કર્યો. બાવીસ વર્ષની વયે તે અમદાવાદ ગયા અને ત્યાં સરસ્વતી વિદ્યામંદિરમાં સંગીતના અધ્યાપકની નોકરી લીધી. પછી એમણે સ્વતંત્ર રૂપે સંગીત વિદ્યાલય શરૂ કર્યું. આ સમયે એમણે ‘રાગજ્યોતિ’ના પ્રથમ ખંડની હસ્તપ્રત તૈયાર કરી. એમાં દસ રાગોનાં ગુજરાતી ગીતો, આલાપ તાન તથા શાસ્ત્રીય વિવરણ એમ વિવિધ સામગ્રી હતી.
1941–42ના અરસામાં એમણે સંન્યાસ દીક્ષા લીધી. એટલે સંગીત પર પૂરતું ધ્યાન અપાયું નહિ. પછી સંન્યાસી જીવનનાં બાર વર્ષો વીત્યાં અને એમની યોગસાધના પૂર્ણ થઈ. 1951માં ‘રાગજ્યોતિ’નો પ્રથમ ખંડ પ્રકાશિત થયો. આ સમયે જ ગુરુકૃપાથી એમને અનાહત નાદ સંભળાયો અને ત્યાં શાસ્ત્રીય સંગીતનું નવે રૂપે દર્શન થયું. ત્યારથી સંગીતસાધના વળી પાછી શરૂ થઈ અને 1957માં ‘રાગજ્યોતિ’ના દ્વિતીય તથા તૃતીય ખંડ પૂરા કર્યા. સંગીતવિષયક ઉપલબ્ધ બધા ગ્રંથોનું અધ્યયન કરી ‘સંગીત’ માસિક પત્રિકામાં ‘દક્ષિણોત્તર સંગમ’ નામની લેખમાળા શરૂ કરી. એમાં કર્ણાટકી અને હિન્દુસ્તાની સંગીતનાં સામ્ય-વૈષમ્ય વિશે વિશદ ચર્ચા કરી છે. એ લેખમાળા ત્યારબાદ ગ્રન્થરૂપે પ્રગટ થઈ છે.
એમણે સંગીતમાં જે સંશોધન કર્યું છે તેમાં એમનું યોગદાન ત્રણ પ્રકારનું છે : ભરતે ઉલ્લેખ કરેલા સ્વરો 9 પણ એમાં ધ્વનિઓ 12 છે. છેલ્લા 3 ધ્વનિ સ્વર નથી પણ સ્વરાભાસ છે. પ્રાચીન સપ્તકમાં 22 શ્રુતિઓ હતી અને મધ્યયુગીય તથા અર્વાચીન 12 સ્વરયુક્ત ‘સ્થાન’માં 24 શ્રુતિ બની ગઈ છે. આધુનિક સંગીતની ઉન્નતિ માટે 24 શ્રુતિઓ અને 12 સ્વરોવાળા સંવાદભ્રષ્ટ સ્થાનને છોડીને તેની જગ્યાએ 22 શ્રુતિઓ અને 9 સ્વરવાળા સંવાદયુક્ત સપ્તકને અપનાવવું જોઈએ. ભારતીય સંગીતને વિશ્વમાં શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક સાબિત કરવા માટે ‘અભિનવ મૂર્ધના પદ્ધતિ’ને સ્વીકારીને તેની દ્વારા આધુનિક રાગોની અભિવ્યક્તિ કરવાની જરૂર છે એમ તે માનતા. એમની બીજી શોધ એ છે કે ‘એક શ્રુતિનો સ્વર બનતો જ નથી.’ ભરત મુનિએ સ્વરોના ત્રણ પ્રકારો ચતુ:શ્રુતિક, ત્રિશ્રુતિક તથા દ્વિશ્રુતિક દર્શાવ્યા છે. એકશ્રુતિ શ્રુતિ કહેવાય છે, સ્વર નહિ. સ્વરોત્પત્તિ માટે ઓછામાં ઓછી બે શ્રુતિઓ હોવી જ જોઈએ. 22 શ્રુતિઓવાળા વૈજ્ઞાનિક સપ્તકમાં ઉપર જણાવેલાં લક્ષણોવાળા વધારેમાં વધારે નવ સપ્તક ઉત્પન્ન થાય. એમની ત્રીજી શોધ સ્વરસંવાદ દ્વારા શ્રુતિઓના ગાણિતિક મૂલ્યમાપનની છે.
ચન્દ્રકાન્ત મહેતા