કૃત્રિમ વરસાદ : માનવસર્જિત હવામાન-રૂપાન્તરણ દ્વારા વાતાવરણીય સંજોગો અનુકૂળ બનાવીને મેળવાતો વરસાદ. કૃત્રિમ વરસાદ-કાર્યક્રમથી મળતું વર્ષાજળ કૃત્રિમ નથી હોતું. વરસાદના સંજોગો અન્યથા વિપરીત હોવા છતાં માનવહસ્તક્ષેપને કારણે વરસાદની પ્રક્રિયાઓ ફળદાયી થતાં જે વરસાદ પડે છે તે કુદરતી જ હોય છે.
જેમાં તાપમાન બધે 0o સે. કરતાં વધારે હોય તેવા વાદળને ઉષ્ણ વાદળ કહેવામાં આવે છે. 0o સે. કરતાં નીચા તાપમાને હિમસ્ફટિકરૂપ ન બનતાં પ્રવાહી રૂપે રહેલા પાણીને (અતિશુદ્ધ પાણીની આ ખાસિયત છે; વાદળમાંનું પાણી નિસ્યંદિત જળ હોઈ અતિશુદ્ધ હોય છે.) અતિશીતિત (super cooled) પાણી અને આવા પાણીવાળા વાદળને અતિશીતિત વાદળ કહેવાય છે. આ પ્રકારનાં ફક્ત પ્રવાહીયુક્ત (all-liquid) વાદળો ઘણી વખત આકાશમાં ઝળૂંબી રહે છે. તેમાંનાં જળબિન્દુઓ–મેઘબિન્દુઓનો વ્યાસ 10–20 માઇક્રોન જેટલો સીમિત હોય છે [1 માઇક્રોમીટર (માઇક્રોન) = 0.001 મિલિમીટર = 10-6 મીટર; સરખામણી માટે માનવ-વાળનો સરેરાશ વ્યાસ 75 માઇક્રોન]; કેટલીક વખત કુદરતી રીતે જ વાદળમાં હિમનાભિકણોની ઊણપ વર્તાય છે. પરિણામે અતિશીતિત વાદળ પણ વરસાદ આપ્યા વગર કલાકો સુધી ઝળૂંબી રહે છે. આવી વરસાદ-વિપરીત પરિસ્થિતિમાં હિમનાભિકણોનો ઉમેરો, હિમસ્ફટિકોના નિર્માણ દ્વારા આ વાદળની સ્થિરતામાં વિક્ષેપ પાડે છે; હિમસ્ફટિકો વિકસવા માંડે છે અને વરસાદ પડે છે.
વૃષ્ટિ-ઉત્પાદન (rain-making) પ્રયોગોની પાછળ મૂળભૂત ધારણા એ હોય છે કે કેટલાંક વાદળોમાંથી કાં તો વર્ષા થતી જ નથી અને જો થાય તો ઓછી થાય છે, કારણ કે હિમસ્ફટિકોના નિર્માણ તેમજ વર્ષાબિન્દુઓના વિકાસની શરૂઆત થવા માટે જરૂરી એવા અસરકારક નાભિકણોની એ વાદળોમાં ઊણપ હોય છે. આવાં વાદળોમાં શુષ્ક બરફ કે સિલ્વર આયોડાઇડ જેવા કારક(agent)નું યોગ્ય વાદળોમાં કૃત્રિમ બીજારોપણ કરવાથી એ વાદળોમાં નાભિકણોની અછત નિવારી શકાય છે.
મેઘબીજારોપણ (cloud-seeding) પ્રક્રિયા : વાદળોમાંની પરિસ્થિતિ બદલવાના હેતુથી તેમનામાં કોઈ પદાર્થને માનવ-પ્રયાસથી દાખલ કરવાની પ્રક્રિયાને મેઘબીજારોપણ કહેવાય છે. હવામાન-રૂપાન્તરની પ્રયુક્તિઓ (devices) પૈકીની આ પ્રક્રિયા સૌથી વધારે જાણીતી છે. તેમાં કુદરતી શક્તિઓના વિમોચન (triggering), તીવ્રન (intensifying) અને/અથવા દિશાન્તરણ(redirecting)નો સમાવેશ થાય છે. આ પ્રવિધિમાં પણ બર્જરોન-પ્રક્રિયા (Bergeron process) તેમજ સંઘાત-સંલયન (collision-coalescence) પ્રક્રિયા દ્વારા જ વર્ષાનું નિર્માણ થાય છે.
પ્રાચીન સમયથી વરસાદપ્રાપ્તિ માટે ભારતમાં કરવામાં આવતા પર્જન્યયજ્ઞને પણ મેઘબીજારોપણનો પ્રાચીન પ્રયોગ ગણી શકાય.
મેઘબીજારોપણના વૈજ્ઞાનિક યુગનો આરંભ : ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલી જનરલ ઇલેક્ટ્રિક રિસર્ચ લૅબોરેટરીના વૈજ્ઞાનિક વિન્સેન્ટ જે. શીફરે 1946માં શોધ્યું કે ડીપ-ફ્રીઝ-બૉક્સમાં અતિશીતિત જળબિન્દુઓના બનેલા વાદળમાં શુષ્ક બરફનો ગાંગડો મૂકવાથી તેમનું જોતજોતામાં હિમસ્ફટિકોમાં રૂપાન્તર થાય છે, જે ઝડપથી મોટા થાય છે અને હિમવર્ષા રૂપે નીચે પડે છે. એ જ લૅબોરેટરીના અન્ય વૈજ્ઞાનિક, નોબેલ પારિતોષિક-વિજેતા ઇરવિંગ લેન્ગમૂરે અતિશીતિત સ્તરીય વાદળોમાં શુષ્ક બરફનો છંટકાવ કરીને અતિશીતિત જળબિન્દુઓનું હિમસ્ફટિકોમાં રૂપાન્તર કર્યું, જેથી કેટલાક ભાગના વાદળનો ક્ષય કરી શકાયો અને જમીન ઉપર થોડી હિમવર્ષા થઈ. આમ શીફર-લેન્ગમૂરના પ્રયોગશાળામાંના તેમજ ક્ષેત્રીય પ્રયોગો દ્વારા 1946-47થી સહેતુક હવામાન-રૂપાન્તરના વૈજ્ઞાનિક યુગનો આરંભ થયો.
શુષ્ક બરફની અને સિલ્વર આયોડાઇડની પ્રક્રિયાઓ : શુષ્ક બરફનું તાપમાન -78o સે. જેટલું નીચું હોવાથી, સંપર્કમાં આવતાંની સાથે જ તે પાણીની વરાળનું હિમસ્ફટિકમાં રૂપાન્તર કરે છે. 1 ગ્રામ શુષ્ક બરફ વાદળાંની અંદર 3 × 1010 કરતાં વધારે હિમસ્ફટિકો ઉત્પન્ન કરે છે. મેઘબીજારોપણની આ પ્રચલિત પ્રવિધિમાં વિમાન દ્વારા 0.7 મિલીમીટરથી માંડીને અનેક મિલીમીટર વ્યાસ ધરાવતી, શુષ્ક બરફની ગોળીઓનો અતિશીતિત વાદળના ટોચ ભાગ ઉપર છંટકાવ કરવામાં આવે છે. વિમાન-ઉડ્ડયનમાર્ગનાં વાદળોમાં બીજારોપણ કરવા માટે સામાન્યત: 1 કિલોમિટર લાંબા પટ્ટા માટે આશરે 2 કિગ્રા. બરફની જરૂર પડે છે. આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે. (1) શુષ્ક બરફના છંટકાવ માટે વિમાનને વાદળોના અતિશીતિત ભાગ ઉપરથી એવી રીતે ઉડાડવું પડે છે કે મેઘમાળા લગભગ સળંગ હોય; તેમજ (2) શુષ્ક બરફની ગોળી(pellet)નું બાષ્પીભવન થઈ જતાં તે વાદળ માટે બિનઅસરકારક બની જાય છે.
શીફરની આ શોધ થયા પછી ટૂંક સમયમાં એમ જાણવા મળ્યું કે મેઘબીજારોપણ માટે સિલ્વર આયોડાઇડનો પણ કારક તરીકે ઉપયોગ થઈ શકે છે. શુષ્ક બરફ શીતકારક (coolling agent) છે, જ્યારે સિલ્વર આયોડાઇડ સ્ફટિકો ઠરન-નાભિકેન્દ્રો (freezing nuclei) તરીકે કામ કરે છે. સિલ્વર આયોડાઇડ અને બરફની સ્ફટિકરચનાઓ સમરૂપ હોવાને કારણે સિલ્વર આયોડાઇડ વાદળમાં હિમસ્ફટિકોનું નિર્માણ અને તેમની વિકાસક્રિયા શરૂ કરવાને શક્તિમાન હોય છે. આ હેતુ માટે લેડ આયોડાઇડ પણ વાપરી શકાય છે. આ પ્રક્રિયાની કાર્યવિધિ આ મુજબ છે : એસિટોનમાં સોડિયમ આયોડાઇડવાળા દ્રાવણની અંદર 1થી 10 ટકા જેટલી દ્રવ્યમાત્રાના સિલ્વર આયોડાઇડને ઓગાળવામાં આવે છે. આ દ્રાવણને પૂરતા સંવાતનવાળા કક્ષમાં 1100o સે. તાપમાને બાળવાથી લગભગ 0.01થી 0.1 માઇક્રોન વ્યાસ ધરાવતા અસંખ્ય સૂક્ષ્મકણો ઉત્પન્ન થાય છે. 10o સે. તાપમાને એક ગ્રામ સિલ્વર આયોડાઇડ દીઠ પેદા થતા સૂક્ષ્મકણોની લાક્ષણિક સંખ્યા-ઘનતા 1013 હિમનાભિકણો જેટલી હોય છે. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના ઉદભાસન(exposure)ને કારણે સિલ્વર આયોડાઇડ નાભિકેન્દ્રોનું નિષ્ક્રિયીકરણ થાય છે; 1 કલાકના ઉદભાસનને પરિણામે નાભિકેન્દ્રોની સંખ્યા ઘટીને આશરે 10 ટકા જેટલી થઈ જાય છે. સંપર્કમાં આવતાંની સાથે જ આ નાભિકેન્દ્રો, 5o સે.થી નીચા તાપમાનવાળા અતિશીતિત વાદળમાં જળબિન્દુઓનું હિમસ્ફટિકોમાં રૂપાન્તર કરી દે છે. આ આરંભિક વિમોચન પછી તો બર્જરોન-પ્રક્રિયા દ્વારા વરસાદનું નિર્માણકાર્ય શરૂ થઈ જાય છે.
સામાન્ય રીતે શુષ્ક બરફનો છંટકાવ અતિશીતિત વાદળ ઉપરથી ઊડતા વિમાન દ્વારા કરવામાં આવે છે; જ્યારે સિલ્વર કે લેડ આયોડાઇડના સૂક્ષ્મ નાભિકણોવાળો ધુમાડો ઉત્પન્ન કરવા માટે પૃથ્વીપટ ઉપરના બર્નરનો અથવા વિમાનની પાંખ નીચે લગાડેલા બર્નરનો પણ ઉપયોગ કરી શકાય છે.
ઉપરાંત અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ઇઝરાયલ તેમજ અન્ય દેશોના વૈજ્ઞાનિકોએ સિલ્વર આયોડાઇડના સૂક્ષ્મ કણોને ધુમાડા મારફત મેઘબીજારોપણ માટે વાદળોમાં પહોંચાડવા વિમાનોનો ઉપયોગ પણ કર્યો છે. એસિટોનમાં ઓગાળેલ સિલ્વર આયોડાઇડને ઘણી વખત એકમેકની પાછળ ઊડતાં વિમાનોની પાંખ નીચે લટકાવેલા જનરેટરમાં બાળીને મેઘબીજારોપણ કરવામાં આવે છે.
સોવિયેટ સંઘમાં રૉકેટ દ્વારા મોટે પાયે મેઘબીજારોપણ કરવામાં આવે છે. આ પદ્ધતિનો આરંભ ઇટાલીમાં થયો હતો, જ્યારે સોવિયેટ સંઘે વધારે સારું રૉકેટ વાપરીને આ પદ્ધતિને એટલી હદે વિકસાવી હતી કે સિલ્વર આયોડાઇડ કે લેડ આયોડાઇડવાળા આતશબાજી-મિશ્રણ(pyrotechnic mixture)ને રૉકેટના ઉડ્ડયનમાર્ગમાં કોઈ પણ પૂર્વનિર્ધારિત સ્થળે સળગાવી શકાય છે. તેવી જ રીતે સોવિયેટ સંઘમાં 70 મિલીમીટર તોપ દ્વારા છોડેલા પ્રક્ષેપ્યો(projectiles)ના ટોપચામાં મૂકેલા 100થી 200 ગ્રામ લેડ આયોડાઇડ કે સિલ્વર આયોડાઇડ વડે વાદળોમાં હિમનાભિ-બીજારોપણ કરવામાં આવે છે. પ્રક્ષેપ્ય વાદળના ટોચભાગમાં પ્રવેશે ત્યારે સિલ્વર આયોડાઇડ અને અન્ય જ્વલનશીલ પદાર્થના ઘનમિશ્રણને સળગાવવામાં આવે છે.
યથાસ્થિત બીજારોપણ(static seeding)-પ્રક્રિયા : મેઘબીજા-રોપણ-પ્રક્રિયાના મુખ્યત્વે બે પ્રકાર જાણીતા છે. પહેલો પ્રકાર યથાસ્થિત બીજારોપણ-પ્રક્રિયાનો છે, જેમાં વાદળનાં કદ, ઊંચાઈ વગેરે યથાવત્ રહે છે. તેની મુખ્ય ધારણા એવી છે કે ઢગવાદળમાં ઠરનનાભિકેન્દ્રોની ઊણપ વર્તાતી હોય ત્યારે બીજારોપણ દ્વારા આવાં નાભિકેન્દ્રોનો ઉમેરો કરવાથી વૃષ્ટિનિર્માણ-પ્રક્રિયાઓ શરૂ થશે; એટલે વરસાદ પાડવા માટે જરૂરી સંખ્યામાં હિમસ્ફટિકો ઉત્પન્ન કરવાના લક્ષ્યને અનુરૂપ પ્રવિધિ પ્રયોજાય છે. મધ્ય અક્ષાંશના પ્રદેશોમાં આ પ્રકારની મેઘબીજારોપણ-પ્રક્રિયાને સારી સફળતા મળી છે.
મધ્ય અક્ષાંશોમાં મુખ્યત્વે તો શિયાળુ વાદળો પર્વતમાળાની ઉપર ચડતાં હોય ત્યારે આ પ્રકારનું બીજારોપણ કરવામાં આવે છે. પર્વતીય વાદળોમાં ઠરતા પાણીના આશરે 20થી 50 ટકા જેટલો ભાગ વરસાદ રૂપે પડતો હોવાથી પર્વતઢોળાવ ઉપર થતા વરસાદમાં વધારો કરવા માટેના પ્રયોગોનું લક્ષ્ય આવાં વાદળો હોય છે. યોજનાનાં પગથિયાં આ પ્રમાણે છે : વૃષ્ટિવધારાને લીધે પર્વત ઉપર જમા થતા હિમપડ (snow-pack)માં નોંધપાત્ર ઉમેરો થાય, ઉનાળો આવતાં આ બરફ પીગળે અને જળાશયો છલકાય, પરિણામે સિંચાઈ અને જળવિદ્યુત માટેના પાણીનો પુરવઠો વધે. બિનપર્વતાળ પ્રદેશોમાં ઢગવાદળો સ્થળ અને કાળ બંનેમાં વિશેષ પરિવર્ત્યતા (variability) દાખવે છે. એટલે સપાટ પ્રદેશમાં મેઘબીજારોપણ પ્રયોગ કરવો વધારે કઠિન છે. ઇઝરાયલમાં આ પદ્ધતિ મુજબ થયેલા મેઘબીજારોપણના પ્રયોગોને સારી સફળતા સાંપડી છે. આવા પ્રયોગના બે જુદા જુદા તબક્કામાં વૃષ્ટિવધારાનું પ્રમાણ 15 ટકા જેટલું જણાયું હતું. જેવું આ પરિણામ જાહેર થયું કે તુરત જ ઇઝરાયલ સરકારે પ્રયોગાત્મક પ્રયાસને બદલે પ્રત્યેક અનુકૂળ તકે મેઘબીજારોપણનો સુવાંગ કાર્યક્રમ જ હાથ ધરવાનો આદેશ આપ્યો.
ગતિશીલ બીજારોપણ(dynamic seeding)-પ્રક્રિયા : મેઘબીજા-રોપણ-પ્રક્રિયાના બીજા જાણીતા પ્રકારમાં પ્રવિધિના જ એક ભાગ તરીકે વાદળમાં હવાની તરણશીલતા(buoyancy)માં એકદમ ખૂબ વધારો થવાને લીધે વાદળની પોતાની ઊંચાઈ પણ ઘણી વધે છે, તેથી આ પ્રકારને ગતિશીલ બીજારોપણ-પ્રક્રિયા કહેવામાં આવે છે. ઢગવાદળ જ્યારે વિકાસની પ્રારંભિક અવસ્થામાં હોય, તેના ક્રિયાશીલ વૃદ્ધિ(active growth)ના તબક્કાની શરૂઆત જ થતી હોય તેવા વિશિષ્ટ અનુકૂળ સંજોગોમાં, પસંદગી કરેલા ઢગવાદળોના ટોચભાગમાં એકીસાથે ઘણી મોટી માત્રામાં બીજારોપણ કરવામાં આવે છે, જેથી અસંખ્ય અતિશીતિત જળબિન્દુઓનું ખૂબ ઝડપથી હિમસ્વરૂપમાં રૂપાન્તર થાય. વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રક્રિયાને પરિણામે વાદળમાં મોટા પાયે બહાર પડેલી ગુપ્ત ઉષ્મા (latent heat) ત્યાંની હવાની તરણશીલતા ખૂબ વધારે છે. આ ઢગવાદળનો તળિયાનો ભાગ તો બદલાતો નથી પરંતુ સામાન્ય સંજોગોમાં વાદળ જેટલું ઊચું વધ્યું હોત તેના કરતાં આ તરણશીલતાવૃદ્ધિને કારણ ઘણું વધારે ઊંચું થાય છે તેમજ વાદળમાં પ્રચંડ ઊર્ધ્વવાતપ્રવાહ (up drift) પણ પેદા થાય છે. વરસાદના ટીપાને પૃથ્વીપટ સુધી પહોંચાય તેટલું મોટું બનવા માટે વાદળમાંનાં આશરે 10 લાખ જળબિન્દુઓ સાથે તેનો સફળ સંઘાત થાય તે જરૂરી છે, એટલે વાદળની પોતાની જાડાઈ જેમ વધારે તેમ વરસાદનું નિર્માણ વધારે માત્રામાં થાય છે. વાદળમાંની હવા પુષ્કળ આર્દ્ર હોય તે તો વરસાદના નિર્માણ માટે પાયાની જરૂરિયાત છે. નીચેના સંજોગો વરસાદ નિર્માણ થવા માટેની અનુકૂળતા વધારે છે : (1) પ્રચંડ ઊર્ધ્વ વાતપ્રવાહ હોય, (2) વાદળની જાડાઈ આધારિત હવાનો વાદળમાં પરિભ્રમણમાર્ગ લાંબો હોય, (3) વાદળની ટોચનું તાપમાન નીચું હોય તથા (4) વાદળમાં અતિશીતિત જળબિન્દુઓની સંખ્યા મોટી હોય.
ગતિશીલ બીજારોપણ-પ્રક્રિયા વિશેની મૂળભૂત ધારણા પણ શરૂઆતથી જ જાણીતી હતી, પરન્તુ વીસમી સદીના છેક સાતમા દાયકામાં આ પદ્ધતિની ક્ષેત્રીય કસોટી હાથ ધરાઈ હતી. એનાં પરિણામ પણ ઉત્સાહજનક રહ્યાં છે. ગાણિતિક મૉડલોએ સૂચવેલી વાદળવૃદ્ધિ વાસ્તવિક વાતાવરણીય પરિસ્થિતિમાં જોવા મળી છે, એટલે આશા બંધાઈ છે કે આ પદ્ધતિ દ્વારા યોગ્ય ઉનાળુ ઢગવાદળોમાંથી મળતા વરસાદનું પ્રમાણ પણ વધારી શકાશે. અમેરિકન મધ્યસ્થ સરકાર પ્રયોજિત છ-વર્ષીય ફ્લૉરિડા એરિયા ક્યુમ્યુલસ એક્સ્પેરિમેન્ટને નોંધપાત્ર સફળતા સાંપડી છે.
વૃષ્ટિનિર્માણની અન્ય પદ્ધતિઓ : મોટાભાગના મેઘરૂપાન્તર કાર્ય (cloud modification)માં વાદળમાંના કણોના કદમાં કે વાદળની અંદરની હવાની તરણશીલતામાં થતા ફેરફારો પ્રયોગના કેન્દ્રસ્થાને હતા. કેટલાક વૈજ્ઞાનિકો એવી પ્રવિધિ વિકસાવવામાં પ્રવૃત્ત છે કે જેનાથી વાદળોની વીજસંરચનામાં ફેરફાર થઈ શકે. કૅલિફોર્નિયાના લેઇક હેનશો વિસ્તારમાં ભારે વોલ્ટેજ-ઇલેક્ટ્રિક-સ્પાર્ક દ્વારા વર્ષાને પ્રેરિત કરવાના પ્રયોગો થયા છે, જેમાં સીમિત સફળતા સાંપડી છે.
યોગ્ય ઉષ્ણ ઢગવાદળમાંથી ઉદ્દીપ્ત (stimulated) વરસાદ મેળવવો હોય તો મોટા સંઘનન-નાભિકણો(condensation nuclei)ની જરૂર પડે છે, એટલે આવાં વાદળોમાં બીજારોપણ કરવા માટે મહાકાય (giant) નાભિકણોને દાખલ કરવામાં આવે છે. ભેજગ્રાહી (hygroscopic) પદાર્થના કણો કે પાણીનાં ટીપાં વાદળમાં સંઘાત-સંલયન પ્રક્રિયાનો આરંભ કરે છે. સામાન્ય મીઠા (સોડિયમ ક્લોરાઇડ NaCl)ના, કૅલ્શિયમ ક્લોરાઇડના કણોથી અથવા ઠંડા પાણીના છંટકાવ દ્વારા મેઘબીજારોપણ કરવામાં આવે છે. હવાની સાપેક્ષ આર્દ્રતા 100 ટકા કરતાં ઓછી હોય ત્યારે પણ ભેજગ્રાહી કણો પાણીની વરાળને આત્મસાત્ કરીને ઝડપથી વિકસવા માંડે છે. ભારતમાં અને અન્યત્ર કરાયેલા આવા પ્રયોગોએ વરસાદ વધારવામાં નોંધપાત્ર પરિણામો મેળવ્યાં છે.
કૃત્રિમ વરસાદ માટેના પ્રયોગોની મર્યાદાઓ : 1947 પછી આ દિશામાં સતત થયેલા વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને હાથ ધરાયેલા મેઘબીજારોપણના વ્યવસ્થિત કાર્યક્રમોમાં સાંપડેલ સફળતાને પરિણામે હાલના તબક્કે એમ કહી શકાય કે વર્ષાવિજ્ઞાન આધારિત કૃત્રિમ વરસાદ માટેના પ્રયત્નો દુષ્કાળમાં રાહત પૂરી પાડી શકે છે, પરન્તુ દુષ્કાળને નાબૂદ કરવાનું શક્ય નથી. કૃત્રિમ વરસાદ અને ખાસ કરીને વૈજ્ઞાનિક મેઘબીજારોપણ-પ્રક્રિયા અંગેની પ્રચલિત ગેરસમજ દૂર થવી જોઈએ. વાતાવરણની દરેક પરિસ્થિતિમાં મેઘબીજારોપણ વડે દુષ્કાળ પડતો અટકાવવો શક્ય નથી. યોગ્ય મેઘમાલા હાજર હોય તો જ મેઘબીજારોપણ-પ્રક્રિયાને સફળતા મળી શકે.
ભારત જેવા દેશમાં મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વર્ષના અમુક નિયત સમયગાળામાં જ વરસાદ પડે છે. આવા વિસ્તારોમાં દુષ્કાળ પડવાનું મુખ્ય કારણ એ હોય છે કે કેટલીક વખત વાતાવરણમાં વ્યાપક પરિવહન(general circulation)નાં વિશિષ્ટ કારણોસર ઉપલા સ્તરની હવા નીચે ઊતરતી રહે છે. આકાશ વાદળવિહીન જોવા મળે છે. મેઘ જ ન હોય તો મેઘબીજારોપણ કરવું ક્યાં ? કૃત્રિમ વરસાદના પ્રયોગોમાં વાદળનું સર્જન નથી થતું. પણ યોગ્ય વાદળ હોય તો તેમાંની વરસાદના નિર્માણ માટેની પ્રક્રિયાઓને સફળ બનાવવા માટે જોઈતી સહાય આપવાનું બની શકે છે. આજ સુધીમાં થયેલા મેઘબીજારોપણ-પ્રયોગોની સફળતા વિશે અત્યારે સર્વસામાન્ય અભિપ્રાય એવો છે કે કુદરતી વરસાદના 10થી 25 ટકા જેટલો વૃષ્ટિ-વધારો સંભવિત છે. વાતાવરણની પ્રત્યેક પરિસ્થિતિમાં આ પ્રક્રિયા દ્વારા ધારી સફળતા મેળવવાની ક્ષમતા હાંસલ થાય તેટલી નિપુણતા વૈજ્ઞાનિકોને નજદીકના ભવિષ્યમાં મળે તે શક્ય છે.
પ્ર. દી. અંગ્રેજી