કૂર્મવંશ યશપ્રકાશ (લાવારાસા) : ચારણ કવિ ગોપાલદાસ(1815–1885)રચિત વીરરસાત્મક ગ્રંથ. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ઉત્તર ભારતમાં ફેલાયેલી અરાજકતાની ઝલક આ ગ્રંથમાંથી મળે છે. આ કૃતિમાં પાંચ પ્રસંગોમાં અમીરખાં પઠાણ પિંડારી અને કછવાહ ક્ષત્રિયોની નરૂકા શાખાના વીર રાજપૂતો વચ્ચે થયેલાં યુદ્ધોનું વર્ણન અપાયું છે. આ યુદ્ધ લાવા નામના સ્થાને થયું હતું. વ્રજભાષામાં આ કૃતિ લખાઈ છે જેમાં અરબી, ફારસી અને ખડી બોલીના શબ્દોનો પ્રયોગ પણ છૂટથી થયો છે. આ રચનામાં ગદ્ય-વચનો પ્રયોજાયાં છે તેમ છંદોમાં દોહા, સોરઠા, છપ્પા, પદધરી વગેરેનો પ્રયોગ થયો છે. કવિ ગોપાલદાસરચિત શિખરવંશોત્પત્તિમાં રાજપૂત રજવાડાના કલહો અને યુદ્ધોનું વર્ણન પૃથ્વીરાજ રાસોની શૈલી અને ભાષાનું સ્મરણ કરાવે છે. યુદ્ધોની ઘટનાઓ તો વાસ્તવિક છે પરંતુ અહીં કવિ-કલ્પનાનો પણ પ્રયોગ પ્રચૂર માત્રામાં થયાનું જણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ