કૂર્મપુરાણ, ‘કૌર્મપુરાણ’ : અઢાર મહાપુરાણો પૈકીનું એક સાત્વિક મહાપુરાણ. એના અધિષ્ઠાતા દેવ શિવ. એના વક્તા વ્યાસ. રચનાનો સમય ઈ.સ.ની બીજીથી પાંચમી સદી. ‘નારદપુરાણ’ (1-106-3) ‘ભાગવતપુરાણ’ (12-13-8) અનુસાર એની શ્લોકસંખ્યા સત્તર હજાર છે, જ્યારે ‘અગ્નિપુરાણ’ (272-19) અનુસાર શ્લોકસંખ્યા આઠ હજાર છે.
કેટલાક વિદ્વાનોના મતે ‘કૂર્મપુરાણ’ મૂળે પાંચરાત્ર (વૈષ્ણવ) પુરાણ હતું, પરંતુ એનું પાછળથી પાશુપતમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. આ પુરાણમાં ‘લકુલીશ-પાશુપતસંહિતા’ની કેટલીક સામગ્રી ઉદધૃત કરેલી છે. અત્યારે પ્રાપ્ત ‘કૂર્મપુરાણ’માં પૂર્વાર્ધના 53 અને ઉત્તરાર્ધના 46 મળી કુલ 99 અધ્યાય છે. ‘કૂર્મપુરાણ’માં જણાવ્યા અનુસાર તેમાં બ્રાહ્મી, ભાગવતી, સૌરી અને વૈષ્ણવી એ ચાર સંહિતાઓ છે, પરંતુ પ્રાપ્ત ‘કૂર્મપુરાણ’માં કેવળ બ્રાહ્મી સંહિતા છે ‘નારદપુરાણ’માં ‘કૂર્મપુરાણ’ની વિષયસૂચિ આપી છે; તેમાંથી અર્ધાથી પણ ઓછા વિષય ‘કૂર્મપુરાણ’માં મળે છે. બીજી તરફ નારદપુરાણોક્ત જે વિષય ‘કૂર્મપુરાણ’માં નથી તે ડામર, યામલ વગેરે તંત્રગ્રંથોમાં મળે છે.
અમૃતમંથન વખતે ડૂબતા મંદરાચળને ધારણ કરનાર શ્રી વિષ્ણુના કૂર્માવતારની સ્તુતિથી ‘કૂર્મપુરાણ’નો પ્રારંભ થાય છે. સમુદ્રમંથન કરતાં સમુદ્રમાંથી લક્ષ્મીદેવી નીકળ્યાં અને તે શ્રીવિષ્ણુને વર્યાં. ઋષિઓએ શ્રીવિષ્ણુને પૂછ્યું : ‘આ દેવી કોણ છે ?’ શ્રીવિષ્ણુએ કહ્યું : ‘આ મારી શક્તિ છે.’
ઇન્દ્રદ્યુમ્ન નામે એક વિષ્ણુભક્ત રાજા વિષ્ણુભક્તિના કારણે બ્રાહ્મણનો જન્મ પામ્યો. આ ઇન્દ્રદ્યુમ્નને કૂર્મરૂપી વિષ્ણુએ આ પુરાણનો ઉપદેશ કર્યો છે. એમાં શિવને જ પ્રધાન આરાધ્ય દેવ કહ્યા છે તે સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિમૂર્તિ એક જ મૂળ બ્રહ્મનાં વિભિન્ન રૂપ છે એમ સમજાવ્યું છે. શિવની સાથે જ શક્તિની ઉપાસના ઉપર ભાર મૂક્યો છે. દેવીનાં, પરમેશ્વરીનાં 8000 નામ છે. ‘કૂર્મપુરાણ’ અનુસાર શિવ-શક્તિ અને વિષ્ણુ-લક્ષ્મી ખરેખર એક છે.
પુરાણનાં પાંચ લક્ષણ ‘કૂર્મપુરાણ’માં છે. તદનુસાર તેમાં વિષ્ણુના કેટલાક અવતારોનું વર્ણન છે. તે સાથે તેમાં મહાદેવના અઠ્ઠાવીસ અવતાર અને તેમના શિષ્યોની કથાઓ છે. શિવપૂજાની સાથે શક્તિપૂજાનું પણ તેમાં વિસ્તૃત વર્ણન છે.
રાજા કાર્તવીર્યના કેટલાક પુત્રો વિષ્ણુભક્ત અને કેટલાક પુત્રો શિવભક્ત હતા. બંને દેવોમાં કોણ મહાન તે માટે વિવાદ થયો. સપ્તર્ષિઓએ તેનું નિરાકરણ કરી આપ્યું. ‘મનુષ્ય જે દેવની ભક્તિ કરે તે તેનો આરાધ્યદેવ. સર્વ દેવને ભક્તો હોય જ છે.’ આમ કહેવા છતાં ‘કૂર્મપુરાણ’ના મતે શિવ જ પરમ આરાધ્ય છે.
‘કૂર્મપુરાણ’ના પૂર્વાર્ધમાં કાશીમાહાત્મ્ય અને પ્રયાગમાહાત્મ્ય વિસ્તારથી છે. ઉત્તરાર્ધમાં ‘ઈશ્વરગીતા’ છે. ‘ઈશ્વરગીતા’માં શ્રીમદ્ ભગવદગીતા જેવું શ્રેષ્ઠ શ્રેણીનું તત્વજ્ઞાન છે. તેમાં ઈશ્વરાર્પણબુદ્ધિથી કર્મફળનો ત્યાગ કરીને નિષ્કામ કર્મ કરવાનો ઉપદેશ છે. નિષ્કામ કર્મ કરનાર અવિદ્વાન હોય તો પણ કાળે કરીને પરમપદ પામે છે એમ જણાવ્યું છે. ‘ઈશ્વરગીતા’ પછી તરત ‘વ્યાસગીતા’ છે. તેમાં સત્કર્મ, વ્રતો, ગૃહસ્થ અને સંન્યાસીના ધર્મો વિશે છે. કેટલાક અધ્યાય પાપના પ્રાયશ્ચિત્ત અને શીલની મહત્તા વિશે છે.
‘કૌર્મપુરાણ’ સમસ્ત પાપોનો નાશ કરે છે અને શિવ શક્તિ પ્રદાન કરે છે. આ પુરાણનું શ્રવણ કરવાથી બ્રહ્મહત્યા, મદ્યપાન, ચોરી અને ગુરુપત્ની-ગમનનાં પાપોથી માણસ મુક્ત થાય છે.’ એવી ફલશ્રુતિ ‘પદ્મપુરાણ’માં (‘પાતાલખંડ’ 10-2-41, 42) છે.
ઉ. જ. સાંડેસરા